15 January, 2018

નૈન સિંઘ : સાંગપોનો નકશો તૈયાર કરનારો ‘સોલો ટ્રાવેલર’


પૌરાણિક વાર્તાઓમાં બ્રહ્મપુત્ર નદીના જન્મ વિશે શું કહેવાયું છે? પુરાણોમાં આ નદીની સૌથી પ્રચલિત વાર્તા કઈ છે? પરશુરામે બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને કયું મહા પાપ ધોયું હતું? ગયા અઠવાડિયે આ કોલમમાં એ ત્રણેય પ્રશ્નના જવાબ અપાઈ ગયા. એ લેખમાં બ્રહ્મપુત્રની ભૂલભૂલૈયા જેવી ભૂગોળની પણ વાત કરાઈ. ઈસ. ૧૭૧૫માં ઈટાલિયન પાદરી ઈપોલિતો દેસીદેરી ગોવાથી વાયા સુરત, અમદાવાદ, રાજસ્થાન, કાશ્મીર, લદાખ થઈને તિબેટ પહોંચ્યા એ વાત પણ થઈ ગઈ. દેસીદેરીએ લખેલી ઐતિહાસિક પ્રવાસ ડાયરી અને તેના આધારે તૈયાર થયેલા પુસ્તકો પરથી સાબિત થઈ ગયું છે કે, તેઓ તિબેટના અંતરિયાળ વિસ્તારમાં પહોંચેલા પહેલાં યુરોપિયન હતા. દેસીદેરીનો હેતુ તિબેટમાં જઈને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો હતો, બ્રહ્મપુત્રનું મૂળ શોધવાનો નહીં. પરંતુ દેસીદેરી અજાણતા તો અજાણતા બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા હોવાથી આ પ્રદેશમાં થયેલા ખેડાણની વાત આવે ત્યારે ઈતિહાસ તેમને યાદ કરે છે. 

હવે આગળ વાત.

સાહસિક પ્રવાસી નૈન સિંઘ રાવતની એન્ટ્રી

તિબેટના ઉચ્ચપ્રદેશોમાંથી વહેતી સાંગપો નદી ગ્યાલા પેરી અને નામચા બારવા પર્વતોને ભેદીને પૂર્વ તરફ આગળ વધે છે. બસ, મુશ્કેલી આ જ સ્થળેથી શરૂ થાય છે. ૧૯મી સદીમાં ઉપગ્રહો તો હતા નહીં, એટલે નકશો તૈયાર કરવા મથી રહેલા યુરોપિયન અને સ્થાનિક એક્સપ્લોરર્સને મૂંઝવણ થતી કે, આ મહાકાય પર્વતમાળાઓમાંથી આગળ વધતું વહેણ ક્યાં જાય છે અને કઈ નદીને મળે છે? વળી, આગળ જતા બીજા પણ અનેક વહેણ જોવા મળતા, જેના કારણે મૂંઝવણમાં ઓર વધારો થતો.

નૈન સિંઘનું ગૂગલ ડૂડલ

અમુક નિષ્ણાતો એવું માનતા કે, સાંગપો પૂર્વ તરફ આગળ વધીને મ્યાંમારની ઈરાવદી કે સાલવિન નામની નદીઓને મળે છે. તો એક થિયરી એવી હતી કે, આ પર્વતો ભેદીને સાંગપો દક્ષિણ તરફ વહે છે અને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે, જ્યાં તે સિઆંગ નામે જાણીતી છે. જોકે, એવું હોય તો બીજો પણ એક સવાલ ઉદ્ભવતો. જો સાંગપો જ બ્રહ્મપુત્ર હોય તો તે ચોક્કસ કયા સ્થળેથી ભારતમાં પ્રવેશે છે? દોઢેક સદી પહેલાં આ વાતનો ચોક્કસ જવાબ કોઈ પાસે ન હતો.

આ દરમિયાન સર્વે ઓફ ઈન્ડિયાએ સાંગપોનો સંપૂર્ણ નકશો તૈયાર કરવાનું નક્કી કર્યું. બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતનું સંપૂર્ણ મેપિંગ અને સર્વેઇંગ કરવા ૧૭૬૭માં સર્વે ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી હતી. આ સંસ્થાને સાંગપોના રૂટનો નકશો તૈયાર કરવા એક સાહસિક, તાલીમબદ્ધ અને ઉત્સાહી યુવાનની ભરતી કરી. એ યુવાન એટલે નૈન સિંઘ રાવત. નૈન સિંઘનો જન્મ ૨૧મી ઓક્ટોબર, ૧૮૩૦ના રોજ ઉત્તરાખંડના કુમાઉની જોહર વેલીના એક નાનકડા ગામમાં થયો હતો. 

૨૧મી ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ ગૂગલે નૈન સિંઘ રાવતના ૧૮૭મા જન્મદિનની ઉજવણી નિમિત્તે ડૂડલ કરીને તેમની કામગીરીને બિરદાવી હતી.

સર્વે ઓફ ઈન્ડિયા અને નૈન સિંઘનો ભેટો

હિમાલયના મિલામ ગ્લેશિયરની તળેટીમાં આવેલી જોહર વેલીમાં જન્મેલો નૈન સિંઘ નાનપણથી જ  તિબેટના અંતરિયાળ વિસ્તારોમાં રઝળપાટ કરતો. નૈન સિંઘ અધવચ્ચે જ અભ્યાસ છોડીને પિતાને કૃષિ અને બીજા વ્યવસાયમાં સાથ આપતો. તેના પિતા બૌદ્ધ ધર્મ અને તિબેટિયન સંસ્કૃતિ પ્રત્યે આકર્ષાયા હતા, જેનો પ્રભાવ નાનકડા નૈન સિંઘ પર પણ પડ્યો હતો. નૈન સિંઘે પિતા સાથે તિબેટના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા અનેક બૌદ્ધ મઠોની મુલાકાત પણ લીધી હતી. એ જમાનામાં તિબેટમાં ભાગ્યે જ કોઈ બહારના વ્યક્તિને અંદર સુધી પ્રવેશવાની મંજૂરી મળતી. જોકે, નૈન સિંઘ નસીબદાર હતો, જે તિબેટમાં રખડપટ્ટી કરીને તિબેટિયન ભાષા અને રીતરિવાજ પણ શીખી ગયો હતો. સ્થાનિક તિબેટિયનો સાથે પણ તેણે સારી એવી મિત્રતા કેળવી હતી. ઉત્તરાખંડમાં ગોરખા અને અન્ય સ્થાનિકોમાં પણ નૈન સિંઘ એક આગળ પડતા સાહસિક વ્યક્તિ તરીકે ઠીક ઠીક જાણીતો થઈ ગયો હતો.

નૈન સિંઘ રાવત

આ દરમિયાન સર્વે ઓફ ઈન્ડિયાએ એડોલ્ફ અને રોબર્ટ શેલેજિનટ્વેઇટ નામના બે સગા જર્મન ભાઈઓને ઉત્તરાખંડમાં હિમાલયન એક્સપ્લોરેશન માટે મોકલ્યા. તેઓ ઉત્તરાખંડમાં રખડપટ્ટી કરી રહ્યા હતા ત્યારે દેબ સિંઘ રાવત નામના એક સ્થાનિકને મળ્યા. દેબ સિંઘે જર્મન ભાઈઓને વધુ એક્સપ્લોરેશન કરવા નૈન સિંઘ રાવત, મણિ સિંઘ રાવત અને દોલ્પા નામની ત્રણ વ્યક્તિની મદદ લેવાનું સૂચન કર્યું. નૈન સિંઘ અને મણિ સિંઘ પિતરાઈ હતા. આ સૂચન સ્વીકારીને શેલેજિનટ્વેટ ભાઈઓએ ૧૮૫૫માં આ ત્રણેય સ્થાનિકની સર્વે ઓફ ઈન્ડિયામાં સત્તાવાર નિમણૂક કરી અને શરૂ થઈ એક અનોખી સાહસયાત્રા.

... અને શરૂ થયો નૈન સિંઘનો અનોખો પ્રવાસ

એ ત્રણેયે હિમાલયન એક્સપ્લોરેશનમાં બ્રિટીશરોને ઘણી મદદ કરી, જેનાથી પ્રભાવિત થઈને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૧૮૬૩માં તેઓને દહેરાદૂનની ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે ઓફિસમાં તાલીમ લેવા મોકલ્યા. નૈન સિંઘ અને તેમના બે સાથીદારે ત્યાં સળંગ બે વર્ષ નોંધો કરવાની, રેકોર્ડ બનાવવાની, વૈજ્ઞાનિક અને બૌદ્ધ પદ્ધતિ પ્રમાણે અંતર માપવાની તેમજ હોકાયંત્ર-સેક્સટન્ટ (જમીન-દરિયામાં ખૂણાની માપણીના આધારે અંતર-ઊંચાઈ માપવાનું સાધન) જેવા વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ લીધી. આકાશમાં તારા જોઈને દિશા નક્કી કરવામાં નિષ્ણાત નૈન સિંઘને વૈજ્ઞાનિક તાલીમ મળતા, એ કળા થોડી વધુ નિખરી. નૈન સિંઘ 'ફાસ્ટ લર્નર' હોવાથી ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વેની ઓફિસમાં ઘણું બધું શીખીની બહાર આવ્યા.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૧૮૦૨માં સ્થાપેલી ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વેનો હેતુ સમગ્ર ભારતીય ઉપખંડની ભૂગોળનો વૈજ્ઞાનિક નકશો તૈયાર કરવાનો હતો. હિમાલયના એવરેસ્ટ, કાંચનજંગા અને કે-૨ જેવા શિખરોની ઊંચાઈ પણ આ જ સંસ્થાએ માપી હતી.

લેહથી લ્હાસા સુધીના નૈન સિંઘના પ્રવાસનો નકશો

ઇસ. ૧૮૬૫માં નૈન સિંઘ, મણિ સિંઘ અને દોલ્પાની તાલીમ પૂરી થઈ, પરંતુ નૈન સિંઘ અને મણિ સિંઘ ઘરે જવાના બદલે સીધા નેપાળ ઉપડ્યા. નૈન સિંઘે હિમાલયની પર્વતમાળાઓ, જંગલો અને નાના-મોટા વહેણો ઓળંગીને કાઠમંડુથી લ્હાસા થઈને માન સરોવર સુધી આશરે બે હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો. આ થકવી દેતા પ્રવાસમાં જંગલી પ્રાણીઓ, ઝેરી જીવો, ખોરાક-પાણીનો પુરવઠો અને વાતાવરણને લગતી અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો હોવાથી ‘એકથી ભલા બે’ હતા, પરંતુ મણિ સિંઘે આ યાત્રા અધવચ્ચે જ છોડી દીધી. તેઓ ભારત તિબેટ સરહદે પહોંચતા જ ભારત પાછા આવી ગયા.

જોકે, નૈન સિંઘ એકલા હોવા છતાં હિંમત ના હાર્યા અને એકલપંડે પ્રવાસ (સોલો ટ્રાવેલ) કરીને માન સરોવર સુધી જઈને વાયા પશ્ચિમ તિબેટ ભારત આવ્યા. નૈન સિંઘ પાછા આવ્યા ત્યારે તેમની પાસે નેપાળથી તિબેટ જતા સમગ્ર રસ્તાની, લ્હાસાની ઊંચાઈની તેમજ સાંગપો નદીની બહુ જ મોટા રૂટની વૈજ્ઞાનિક માહિતી તૈયાર હતી.

નૈન સિંઘ રાવત જેનું નામ, જેમને ચૈન ન હતું

નૈન સિંઘે ૧૮૬૫માં શરૂ કરેલી પહેલી યાત્રા ચોક્કસ ક્યારે પૂરી થઈ એ વિશે જાણકારી નથી, પરંતુ ૧૮૬૭માં પશ્ચિમ તિબેટમાં ફરી એકવાર પ્રવાસ કરીને તેમણે થોક જાલુંગ નામની સોનાની ખાણ શોધી કાઢી હતી. નૈન સિંઘે જોયું કે, સ્થાનિકો જમીનની સપાટી ઉપરછલ્લી ખોદીને સોનું કાઢી રહ્યા છે. તિબેટિયનો જમીનમાં ઊંડા ખાડા કરીને સોનું નહોતા કાઢતા કારણ કે, તિબેટિયન સંસ્કૃતિમાં પૃથ્વીમાં ઊંડા ખાડા કરવા એ ગુનો છે. જો ફળદ્રુપ જમીનો છે, તો જ માણસનું અસ્તિત્વ છે એવું તેઓ માને છે.

ટૂંકમાં થોક જાલુંગમાં સોનું ધરબાયેલું છે એ વાત સ્થાનિકો જાણતા જ હતા, પરંતુ નૈન સિંઘે તૈયાર કરેલા નકશા પછી બહારની દુનિયાને ત્યાં સોનાની ખાણ હોવાની જાણકારી મળી. આ પ્રવાસો પછીયે નૈન સિંઘ થાક્યા ન હતા. સાંગપોના વધુ કેટલાક રૂટનો નકશો તૈયાર કરવા તેમણે ૧૮૭૩માં ફરી એકવાર લેહથી લ્હાસા સુધીનો પ્રવાસ શરૂ કર્યો. આ બંને સ્થળ વચ્ચેનું સીધી લીટીમાં અંતર ૧૩૭૦ કિલોમીટર છે, પરંતુ પર્વતીય પ્રદેશોમાં આ આંકડો વધી જાય. જોકે, નૈન સિંઘે બે જ વર્ષમાં આ અંતર કાપી નાંખ્યું અને સાંગપોના વધુ કેટલાક રૂટનો નકશો તૈયાર કર્યો.


નૈન સિંઘની યાદમાં ભારત સરકારે બહાર પાડેલી ટિકિટ 

આ મહાન સિદ્ધિ બદલ રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૬૮માં સોનાનું ક્રોનોમીટર આપીને નૈન સિંઘનું સન્માન કર્યું હતું. ક્રોનોમીટર એટલે તાપમાનની અસર ના થાય એવું સમય માપવાનું સાધન. રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૭૭માં નૈન સિંઘને પેટ્રન્સ મેડલથી પણ નવાજ્યા. પેરિસની સોસાયટી ઓફ જિયોગ્રાફર્સે પણ નૈન સિંઘને સુંદર ઘડિયાળ ભેટમાં આપી હતી, જ્યારે ભારત સરકારે બે ગામની જમીન ભેટમાં આપીને તેમની સિદ્ધિને બિરદાવી હતી. ૨૭મી જૂન ૨૦૦૪ના રોજ ભારત સરકારે નૈન સિંઘની યાદમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

નૈન સિંઘ ઘડપણમાં ઉત્તરપ્રદેશના મોરાદાબાદમાં સ્થાયી થયા અને ત્યાં જ પહેલી ફેબ્રુઆરી, ૧૮૮૨ના રોજ કોલેરાથી મૃત્યુ પામ્યા.       

***

નૈન સિંઘે સાંગપો નદીના બહુ જ મોટા હિસ્સાનો વૈજ્ઞાનિક નકશો તૈયાર કર્યો એ વાત ખરી, પરંતુ સાંગપો એ જ સિઆંગ અને સિઆંગ એ જ બ્રહ્મપુત્ર નદી છે એ વાતની વૈજ્ઞાનિક સત્યતા ચકાસવાની હજુ બાકી હતી. એ માટે બ્રહ્મપુત્ર નદીનો આખેઆખો વૈજ્ઞાનિક નકશો તૈયાર થાય એ જરૂરી હતું. નૈન સિંઘ રાવતનું એ અધૂરું કામ ભારતના જ એક સાહસિક પ્રવાસીએ પૂરું કર્યું. 

એ કોણએ સાહસકથા વાંચો આવતા અંકે.

13 January, 2018

સાંગપો, ઝાંગબો, સિઆંગ ઉર્ફે બ્રહ્મપુત્ર


બ્રહ્મપુત્રભારતની પુરુષ નામ ધરાવતી સૌથી જાણીતી અને મોટી નદીછેલ્લાં બે મહિનાથી બ્રહ્મપુત્ર ચર્ચામાં છે કારણ કેચીનમાંથી ભારતમાં પ્રવેશતી બ્રહ્મપુત્રનું વહેણ અસામાન્ય રીતે કાળું પડી ગયું છેચીનનું આધિપત્ય ધરાવતા તિબેટમાંથી ભારતમાં પ્રવેશતી નદી અચાનક કાળી પડી જાય એટલે ચીન પર શંકા જવી સ્વાભાવિક છેભારતની પૌરાણિક નદીઓ પૈકીની એક ગણાતી બ્રહ્મપુત્ર ચીનમાં પણ આશરે બે હજાર કિલોમીટરનો પ્રવાસ કરે છેએટલે ભારતને શંકા ગઈ કેચીન બ્રહ્મપુત્રના કિનારા પર લશ્કરી હેતુથી ક્યાંક બાંધકામ કરતું હશેજોકેએવું કશું નહોતુંબ્રહ્મપુત્રનું પાણી અત્યંત નિર્જન પહાડી પ્રદેશોમાં શક્તિશાળી ભૂકંપ આવવાના કારણે કાળું પડી ગયું હતું.

બ્રહ્મપુત્ર તિબેટમાં યારલૂંગ સાંગપો, ચીનમાં યારલૂંગ ઝાંગબો અને અરુણાચલ પ્રદેશમાં સિઆંગ તરીકે જાણીતી છે. આ ત્રણેય નદીનું મૂળ એક જ છેએ વાત ૧૮૮૪-૮૬ સુધી કોઈ જાણતું ન હતુંચીનભારત અને બાંગ્લાદેશમાં વહેતી બ્રહ્મપુત્રની કુલ લંબાઈ ૩,૮૪૮ મીટર છે. આ ત્રણેય દેશના અનેક વિસ્તારોમાં બ્રહ્મપુત્ર બીજા પણ અનેક નામે ઓળખાય છે. ભારતની બ્રહ્મોઝ મિસાઈલનું નામકરણ આ જ નદી પરથી કરાયું હતું. બ્રહ્મોઝ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક મિસાઈલ છે. એવી જ રીતે, સેનાના એક જહાજને પણ બ્રહ્મપુત્ર નામ અપાયું છે.

પાણીના જથ્થાની દૃષ્ટિએ બ્રહ્મપુત્ર દુનિયામાં દસમા નંબરની અને લંબાઈની રીતે ૧૫મી સૌથી લાંબી નદી છે. બ્રહ્મપુત્રના ૭,૧૨,૦૩૫ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા તટપ્રદેશનો મોટા ભાગનો હિસ્સો હિમાલયના દૂરદરાજના જંગલોમાં છે. આ વિસ્તારોમાં થતાં ભૌગોલિક ફેરફારો જાણવા અત્યારે તો ઉપગ્રહ અને એરિયલ ફોટોગ્રાફી જેવી ટેક્નોલોજી છેપરંતુ આવા હાઇટેક સાધનો નહોતા ત્યારે કેટલાક સાહસિકોએ બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા હિમાલયમાં વર્ષો સુધી પગપાળા અને ઘોડા પર જીવના જોખમે પ્રવાસ કર્યો હતો.

એ વિશે વાત કરતા પહેલાં બ્રહ્મપુત્ર વિશે થોડી વાત.

બ્રહ્મપુત્ર વિશે આપણને ઓછી જાણકારી કેમ?

આપણે ગંગાયમુનાનર્મદાસરસ્વતીસિંધુચિનાબબિયાસક્ષિપ્રા કે ગોદાવરી વિશે જેટલું જાણીએ છીએ એટલું બ્રહ્મપુત્ર નદી વિશે નથી જાણતાશું હશે કારણબ્રહ્મપુત્ર નદી ઉત્તર પૂર્વીય ભારતમાં વહે છે એટલેનવી દિલ્હીથી ઓપરેટ થતાં રાષ્ટ્રીય મીડિયામાં આખી દુનિયાની પંચાત થાય છે પણ ઉત્તરપૂર્વીય રાજ્યોને લગતી ગમે તેવી મોટી ઘટનામાં 'લેક ઓફ ઈન્ટરેસ્ટસ્પષ્ટ દેખાઈ આવે છેઉત્તરપૂર્વીય રાજ્યો વિશે એક સરેરાશ ભારતીય પાસે સચોટ માહિતી ઓછી અને પૂર્વગ્રહો વધારે હોય છે.

તિબેટના દક્ષિણ-પશ્ચિમ  લ્હાસાના ઊંચાઈવાળા વિસ્તારોમાં અંશતઃ
થીજેલી સાંગપો, જે ધીમે ધીમે પીગળીને ત્રણ દેશનો પ્રવાસ કરે છે 

તિબેટના બુરાંગ પ્રાંતના ઉત્તરી હિમાલયમાં કૈલાશ પર્વત નજીક આવેલા આંગસી ગ્લેશિયરમાંથી એક વહેણ ઉત્પન્ન થાય છે
જે હિમાલય પર્વતમાળામાંથી પૂર્વ તરફ (તિબેટ-ચીનઆગળ વધે છેઆ વહેણ એટલે ત્રણ દેશના અત્યંત નિર્જન વિસ્તારોને ભેદીને આગળ વધતી તિબેટની સાંગપોચીનની ઝાંગપો અને ભારતની બ્રહ્મપુત્રઆ વહેણ તિબેટના ગ્યાલા પેરી અને નામચા બારવા નામના પર્વતને કાપીને વિશ્વની સૌથી મોટી ખીણનું સર્જન કરે છેજે યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોન (ખીણતરીકે ઓળખાય છેવિશ્વની સૌથી ઊંડી આ ખીણની લંબાઈ ૫૦૪.૬ કિલોમીટર છે(અમેરિકાની કોલોરાડો નદી પરની ગ્રાન્ડ કેન્યોનની લંબાઈ ૪૪૬ કિલોમીટર છે).  

૧૭મી નવેમ્બરે વહેલી સવારે ચાર વાગ્યે આ ખીણના કિનારે આવેલા ગ્યાલા પેરીના પર્વતીય વિસ્તારમાં ૬.૪ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતોએ પછીના ૩૨ કલાકમાં એ પ્રદેશે સરેરાશ ચાર રિક્ટર સ્કેલના બીજા પાંચ આફ્ટરશૉક્સ પણ ઝીલ્યાઆ ભૂકંપના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે તિબેટમાં વહેતી સાંગપો નદીમાં હજારો ટન માટી-પથ્થરોનો કચરો ઠલવાયો અને બ્રહ્મપુત્રનું વહેણ પણ ગંદુ થઈ ગયુંભારત સરકારે ઉપગ્રહોથી લીધેલી તસવીરોમાં પણ સાબિતી મળી કેભૂકંપના આંચકાની સાંકળ રચાવાના કારણે આશરે ૧૦૦ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું.

યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોનમાંથી ધસમસતી આગળ વધીને ઝીગઝેગ પર્વતમાળામાં એક જગ્યાએ 'યુટર્ન લઈને પશ્ચિમ (ભારતતરફ આગળ વધે છે. હિમાલયના અનેક દુર્લભ વિસ્તારોને ભેદીને સાંગપો ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છેત્યાં સાંગપોને નવું નામ મળે છેસિઆંગસિઆંગ આસામ ખીણ તરફ વહીને દિહાંગ અને લોહતી નદીને મળે છેએ પછી સિઆંગને પણ નવી સંસ્કૃતિ પ્રમાણે નવું નામ મળે છેબ્રહ્મપુત્રઆ નદી અરુણાચલ પ્રદેશ અને આસામની જીવાદોરી છે અને એટલે જ તેનું વહેણ કાળું પડી જતા ભારત સરકાર હરકતમાં આવી ગઈ હતી.

પુરુષ નામ ધરાવતી દેશની સૌથી મોટી નદી

બ્રહ્મપુત્ર એટલે બ્રહ્મનો પુત્રબ્રહ્મપુત્ર પુરુષ નામ ધરાવતી નદી હોવાનું રહસ્ય એક પૌરાણિક વાર્તામાં મળે છે. આ રસપ્રદ વાર્તામાં કહેવાયું છે કેપ્રાચીન સમયમાં શાંતનુ નામના એક ઋષિ થઈ ગયાશાંતનુ હિમાલયમાં આવેલા બ્રહ્મકુંડ નામના સરોવર નજીક આશ્રમ બાંધીને રહેતા હતાશાંતનુ પરીણિત હતા અને તેમની પત્ની અમોઘા અત્યંત સૌંદર્યવાન સ્ત્રી હતીએકવાર શાંતનુના તપથી ખુશ થઈને ખુદ બ્રહ્મા તેમના આશ્રમે આવે છેઅમોઘા બ્રહ્માની આગતાસ્વાગતા કરે છે અને તેમની સંપૂર્ણ કાળજી લે છે

આ દરમિયાન બ્રહ્મા અમોઘા પર મોહી પડે છે અને તેઓ કામુક થતાં સ્ખલિત થઈ જાય છેત્યાર પછી બ્રહ્મા તો જતા રહે છે, પરંતુ શાંતનુ જમીન પર વીર્યનું ટીપું જુએ છે અને આખી વાત સમજી જાય છેજોકેતેઓ ગુસ્સે થવાના બદલે બ્રહ્માના વીર્યનું અમોઘાના ગર્ભમાં આરોપણ કરે છેએ પછી અમોઘાની કુખે જે પુત્ર જન્મે છેએ બ્રહ્મપુત્ર કહેવાય છે.


૫૦૪.૬ કિલોમીટર લાંબી યારલૂંગ સાંગપો ગ્રાન્ડ કેન્યોન (ખીણ)

હિંદુ પૌરાણિક સાહિત્યમાં બ્રહ્મપુત્ર નદી સાથે સંકળાયેલી અનેક વાર્તાઓ મળે છે, ક્યાંક વિરોધાભાસી  ઉલ્લેખો પણ છે, પરંતુ બ્રહ્મપુત્રના જન્મની આ સૌથી પ્રચલિત વાર્તા છેએવું પણ કહેવાય છે કેભારતીય ઉપખંડની સૌથી મોટી નદી બ્રહ્મપુત્ર છે અને એટલે સદીઓ પહેલાં તેને પુરુષ નામ અપાયું હતુંઆ નદી પણ ગંગા જેટલી જ પવિત્ર મનાય છે અને તેમાં સ્નાન કરવાથી મોટામાં મોટું પાપ પણ ધોવાઈ જાય છેપરશુરામે બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને જ માતાની હત્યાનું પ્રાયશ્ચિત કર્યું હતું.

બ્રહ્મપુત્રમાં સ્નાન કરી પરશુરામનું પ્રાયશ્ચિત

ભગવાન વિષ્ણુના અવતાર એવા પરશુરામના પિતા ઋષિ જમદગ્નિએ એકવાર હવનનું આયોજન કર્યું હતુંઆ હવન માટે પવિત્ર જળ લેવા જમદગ્નિએ પત્ની રેણુકાને ગંગા કિનારે મોકલ્યાજોકેગંગામાં અપ્સરાઓ સાથે મજાક મસ્તી કરી રહેલા ગંધર્વરાજ ચિત્રરથને જોઈને રેણુકા પણ આસક્ત થઈ ગયા. એ પછી રેણુકા પણ થોડી વાર ત્યાં જ રોકાઈ ગયાબીજી બાજુ, જમદગ્નિનો હવન કાળ વીતી ગયો અને તેઓ ખૂબ જ ગુસ્સે થયા.

જમદગ્નિએ આર્ય મર્યાદા વિરોધી આચરણ અને માનસિક વ્યભિચારના આરોપસર રેણુકાને સજા કરવાનું નક્કી કર્યુંજમદગ્નિના પાંચ પુત્ર હતાતેમણે આ પાંચેય પુત્રને માતાનો વધ કરવાનો હુકમ કર્યોપરંતુ પરશુરામ સિવાય એકેય પુત્ર આ મહાપાપ કરવા તૈયાર ના થયોપરશુરામે પિતાની આજ્ઞાને પગલે માતાનો શિરચ્છેદ કરી દીધો અને માતાને બચાવવા વચ્ચે પડેલા ચાર ભાઈની પણ હત્યા કરીઆ આજ્ઞાપાલનથી પ્રસન્ન થઈ જમદગ્નિએ પરશુરામને વરદાન માંગવા કહ્યુંપરશુરામે પિતા જમદગ્નિ પાસે બધાને જીવતા કરી દેવાનું અને પોતાના દ્વારા કરાયેલી હત્યાની સ્મૃતિ પણ ભૂંસાઈ જાય એવું વરદાન માંગ્યું.સાંગપો ઉર્ફે બ્રહ્મપુત્રનો નકશો

જમદગ્નિએ કહ્યુંતથાસ્તુજોકેએ પછી પરશુરામ ઘરેથી નીકળી ગયા અને માતાની હત્યાના મહાપાપનું પ્રાયશ્ચિત બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને કર્યુંબ્રહ્મપુત્ર એ બ્રહ્માનો પુત્ર છે અને એટલે તેમાં સ્નાન કરવાથી ઘોર પાપ પણ ધોવાઈ જાય છેઆ તો પુરાણોની વાત થઈહવે વાત કરીએ એ સાહસિકોની જે પગપાળા અને ઘોડા પર બેસીને બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા હતા.

અજાણતા જ પહોંચી ગયા બ્રહ્મપુત્રના મૂળ નજીક

વાત છે૧૬મી સદીમાં થઈ ગયેલા ઈટાલીના પાદરી ઇપોલિતો દેસીદેરીની. તેઓ તિબેટમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાના હેતુથી સપ્ટેમ્બર૧૭૧૩માં ઈટાલીથી જળમાર્ગે ગોવા આવ્યા હતાગોવામાં થોડો સમય રોકાઈને દેસીદેરી વાયા સુરતઅમદાવાદરાજસ્થાનદિલ્હીકાશ્મીરલદાખ થઈને તિબેટ જવા નીકળ્યાઆ પ્રવાસમાં દેસીદેરીએ અનેક સ્થળે ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ આપ્યોપરંતુ ઉંમર અને વાતાવરણના કારણે આંતરડાના રોગોનો ભોગ બન્યાઆ કારણસર દેસીદેરી છ મહિના મોડા કાશ્મીર પહોંચ્યાપરંતુ ત્યાંના ખુશનુમા વાતાવરણમાં થોડા દિવસ આરામ કરી દેસીદેરી ફરી એકવાર બિસ્ત્રોપોટલા લઈને લેહ જવા નીકળ્યાદેસીદેરીનો નાનકડો કાફલો ૨૫મી જૂન૧૭૧૫ના રોજ લેહ પહોંચ્યો હોવાની ઐતિહાસિક સાબિતી છે. 

ઈપોલિતો દેસીદેરીના બે દુર્લભ પુસ્તક‘એન એકાઉન્ટ ઓફ તિબેટ’
અને  ‘મિશન ટુ તિબેટ’ના કવરપેજ

‘એન એકાઉન્ટ ઓફ તિબેટ’ પુસ્તકના ૩૨૯મા પાને દેસીદેરીએ ગુજરાતનો 
સ્પેલિંગ કંઈક આવો (સ્ક્રીન શોટ જુઓ ) કર્યો હતો. એ પછીની 
આવૃત્તિઓમાં  કૌંસમાં સાચો સ્પેલિંગ લખાયેલો છે 

યુરોપથી આવેલા ખ્રિસ્તી ધર્મગુરુનું લદાખના રાજાએ સ્વાગત કર્યુંપરંતુ તેમણે દેસીદેરીના ઉપરી તરીકે પોર્ટુગીઝ પાદરી મેન્યુઅલ ફ્રેયરેની નિમણૂક કરીદેસીદેરીએ ફ્રેયરેની આજ્ઞાનું પાલન કરવું ફરજિયાત હતુંલેહમાં સંપૂર્ણ તૈયારી સાથે ઇપોલિતો દેસીદેરી અને મેન્યુઅલ ફ્રેયરેએ હિમાલયની હાડ ઓગાળી દેતી ઠંડીમાં એક નાનકડા કાફલા સાથે તિબેટ પ્રવાસ શરૂ કર્યોઆ બંને પાદરી સાત મહિનાના અતિ જોખમી પ્રવાસ પછી તિબેટ પહોંચ્યાઆ દરમિયાન તેઓ માન સરોવરની દક્ષિણ પૂર્વે આવેલા માયૂમ લા નામના માઉન્ટેઇન પાસ નજીક પણ રોકાયા હતામાયૂમ લા પાસના કારણે જ આંગસી ગ્લેશિયરમાંથી નીકળતું વહેણ બે જુદી જુદી દિશામાં ફંટાય છેજે આગળ જઈને બ્રહ્મપુત્ર અને સિંધુ જેવી બે મહાકાય નદીનું સર્જન કરે છેજોકેદેસીદેરી કે ફ્રેયરે જાણતા ન હતા કેતેઓ સાંગપો કે બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચી ગયા છે.

દેસીદેરીએ 'એન એકાઉન્ટ ઓફ તિબેટ', 'મિશન ટુ ધ તિબેટધ એક્સ્ટ્રાઓર્ડિનરી એઈટીન્થ સેન્ચુરી એકાઉન્ટ' અને 'એ મિશનરી ઈન તિબેટજેવા અનેક પુસ્તકોમાં કરેલી નોંધોની ખરાઈ પછી સાબિતી મળી હતી કે, દેસીદેરીએ જુદી જુદી દિશાઓમાંથી વહેતી નદીઓ અને સરોવરોનું વર્ણન કર્યું છે તે સાંગપોનો જ પ્રદેશ હતો. 

***

દેસીદેરી પહેલાં કોઈ યુરોપિયન તિબેટમાં આટલા અંતરિયાળ વિસ્તારમાં પહોંચ્યો ન હતોદેસીદેરી બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા ખરા, પરંતુ તેમનો હેતુ તિબેટમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો હતોબ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવાનો નહીંઆ ઘટનાની દોઢ સદી પછી કેટલાક સાહસિકોએ બ્રહ્મપુત્રનું મૂળ શોધી સમગ્ર નદીનો નકશો તૈયાર કરવા તેના કિનારે કિનારે પગપાળા પ્રવાસ શરૂ કર્યો. 

શું તેઓ સફળ થયા? એ રસપ્રદ સાહસકથા વાંચો આવતા અંકે. 

પ્રદીપ નેગી : સરકારી સ્કૂલનો ક્રાંતિકારી શિક્ષક


આ વર્ષના ગ્લોબલ ટીચર પ્રાઈઝ માટે ૧૭૩ દેશમાંથી ૩૦ હજાર શિક્ષકના નામ આવ્યા હતા. આ યાદીમાંથી દુનિયાના ફક્ત ૫૦ શિક્ષકને શોર્ટલિસ્ટ કરાયા છે, જેમાં ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાની ગવર્મેન્ટ ઈન્ટરમીડિયેટ કોલેજ-રાણીપુર કોલેજના શિક્ષક પ્રદીપ નેગીનું નામ પણ છે. આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા શિક્ષકને એક મિલિયન ડૉલરનો ચેક પણ ભેટમાં મળે છે. ગ્લોબલ ટીચર પ્રાઈઝ માટે નોમિનેટ થતાં જ પ્રદીપ નેગી ચર્ચામાં આવ્યા છે, પરંતુ ઉત્તરાખંડના ક્રાંતિકારી શિક્ષક તરીકે તેઓ ઠીક ઠીક જાણીતા છે. પ્રદીપ નેગી આશ્રમોની નગરી હરિદ્વારના રાણીપુરમાં આવેલી 'ભેલ' (ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ.) ટાઉનશિપની ગવર્મેન્ટ ઈન્ટરમીડિયેટ કોલેજમાં નોકરી કરે છે. જોકે, તેઓ 'સરકારી નોકરી' જ નથી કરી ખાતા પણ સ્કૂલ પોતાની જ હોય એમ ચલાવવામાં યથાશક્તિ ખર્ચી કાઢે છે.

દેશના અનેક રાજ્યોમાં ધોરણ ૧૨ સુધીની હાયર સેકન્ડરી સ્કૂલો 'ઈન્ટરમીડિયેટ કોલેજ' તરીકે ઓળખાય છે. ધો.૧૨ સુધીની રાણીપુર સરકારી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ ધો.૧૦ પછી વિજ્ઞાન શાખામાં પ્રવેશ લઈ શકે છે, પરંતુ સ્કૂલમાં લેબોરેટરી જ નથી. ધો.૬થી આઠના વિદ્યાર્થીઓ માટે બેન્ચ નથી એટલે હિમાલયન સ્ટેટમાં વિદ્યાર્થીઓ નીચે બેસીને ભણે છે. સ્કૂલમાં દસ ટોઇલેટની જરૂર છે પણ ફક્ત બે છે. આ બધી ખામીઓ હોવા છતાં ઉત્તરાખંડ સરકારે ગયા વર્ષે આ સ્કૂલને 'મોડેલ સ્કૂલ' જાહેર કરી હતી. આ સ્કૂલના દરેક ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ સારી એવી છે. ગયા વર્ષે ધો.૧૨માં સ્કૂલનું રિઝલ્ટ પણ ૮૮ ટકા હતું. સરકારી ધારાધોરણો પ્રમાણેની ડિગ્રી ધરાવતા શિક્ષકોનો ફૂલ સ્ટાફ પણ છે. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ બધા જ ખુશ છે. બધુ બરાબર ચાલે છે પણ અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને કમ્પ્યુટર સાયન્સ ભણાવતા શિક્ષક પ્રદીપ નેગીને ચૈન નથી.

કોઈ પણ દેશ-સમાજ કે કાળમાં પરિવર્તન લાવવા શિક્ષણ સૌથી મજબૂત માધ્યમ છે એ સિદ્ધાંત યાદ રાખીને તેઓ સ્કૂલમાં એડમિનિસ્ટ્રેશનથી લઈને એજ્યુકેશન સુધીની ખામીઓ સુધારવા સતત પ્રયત્નશીલ છે. ધો. ૧૧ અને ૧૨ના શિક્ષક તરીકે પ્રદીપ નેગી વિદ્યાર્થીઓને ભણાવવા ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે. નોકરીના કલાકો પૂરા થઈ ગયા પછી પણ વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ રસ પડે એ માટે અભ્યાસક્રમનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને સ્લાઈડ્સ તૈયાર કરે છે. પ્રદીપ નેગીએ સ્કૂલની સીધીસાદી વેબસાઇટ પણ બનાવી છે અને વેબ મેગેઝિન પણ શરૂ કર્યું છે. વેબસાઈટ પર તેઓ મલ્ટીમીડિયા ફોર્મેટમાં ટેક્સ્ટ બુક્સ મટિરિયલ પણ અપલોડ કરે છે. સ્કૂલ વેબસાઈટ પર હોમ વર્ક, ક્વિઝ અપલોડ કરવાનું અને વૉટ્સએપ પર મોકલવાની જવાબદારી પણ તેઓ જ નિભાવે છે.


પ્રદીપ નેગી

કદાચ એવો સવાલ થઈ શકે કે, જે સ્કૂલમાં બેન્ચ ના હોય ત્યાં આવતા વિદ્યાર્થીઓના માતાપિતા પાસે સ્માર્ટફોન ક્યાંથી હોય! જો આવું વિચારતા હોવ તો તમે ખોટા છો. મોટા ભાગના વિદ્યાર્થીઓના ઘરે સ્માર્ટફોન છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ પ્રદીપ નેગીએ મોબાઈલ ફોનનો એજ્યુકેશન કોમ્યુનિકેશન ટૂલ તરીકે ઉપયોગ શરૂ કર્યો હતો. રાણીપુર ગવર્મેન્ટ ઈન્ટરમીડિયેટ કોલેજ અને પ્રદીપ નેગી વિશે સાંભળીને દુ:ખ અને સુખની લાગણી એકસાથે થાય છે. જે સ્કૂલમાં પૂરતા ટોઇલેટ નથી ત્યાં એક શિક્ષકે એજ્યુકેશનલ વીડિયોઝ અને પ્રોગ્રામ્સની સીડીનું કલેક્શન તૈયાર કર્યું છે. આ બધું જ મટિરિયલ તેમણે અત્યાર સુધી એટેઇન કરેલા વર્ક શોપ્સ અને ટ્રેઇનિંગ સેશનમાં હિસ્સો લઈને ભેગું કર્યું છે. આ ઉપરાંત તેમણે ઈન્ટરનેટના વિવિધ ઓપન સોર્સમાંથી એજ્યુકેશનલ મટિરિયલ ડાઉનલોડ કરીને એક લાઇબ્રેરી પણ બનાવી છે.

આ કામ શરૂ કરતા જ પ્રદીપ નેગીને અંદાજ આવી ગયો હતો કે, નવી નવી પદ્ધતિઓથી ભણાવવાનું શરૂ કર્યા પછી વિદ્યાર્થીઓની બધી જ પરીક્ષાના રિઝલ્ટ્સ સુધર્યા છે. તેમની આ યાત્રા વર્ષ ૨૦૦૩માં શરૂ થઈ હતી. ઉત્તરાખંડ સરકારે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરીને રાજ્યના પસંદગીના શિક્ષકોને કમ્પ્યુટરની તાલીમ આપવાની યોજના બનાવી હતી, જેમાં પ્રદીપ નેગીની પણ પસંદગી થઈ હતી. માઇક્રોસોફ્ટે પ્રદીપ નેગીનો ઉત્સાહ જોઈને તેમને માસ્ટર ટ્રેઇનર પણ બનાવ્યા હતા. આ જવાબદારી હેઠળ તેઓ રાણીપુર સરકારી સ્કૂલના શિક્ષકો સહિત રાજ્યના ૧,૨૦૦ જેટલા શિક્ષકોને કમ્પ્યુટરની તાલીમ આપી ચૂક્યા છે. શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવા બદલ તેમને ૨૦૦૪, ૨૦૦૫ અને ૨૦૦૬માં ઉત્તરાખંડ સરકારનો ટેક્નોલોજી એવોર્ડ મળ્યો હતો. વર્ષ ૨૦૦૭માં તેમને 'ઈનોવેટિવ ટીચર્સ લિડરશીપ એવોર્ડ'થી સન્માનિત કરાયા હતા. વિશ્વભરમાં દર વર્ષે ફક્ત દસ શિક્ષકને આ પુરસ્કાર આપવામાં આવે છે.

પ્રદીપ નેગીને ‘એજ્યુકેશન ઈનોવેટર’ પણ કહી શકાય. ક્લાસમાં તુરંત જ સવાલ નહીં કરી શકતા, ઝડપથી સમજી નહીં શકતા અને ગેરહાજર હોય એવા વિદ્યાર્થીઓ કમ્પ્યુટરની મદદથી વારંવાર અભ્યાસક્રમ રિફર કરી શકે, એ માટે તેમણે કમ્પ્યુટરને પણ શિક્ષક બનાવી દીધું છે. વિદ્યાર્થીઓ કમ્પ્યુટરની મદદથી જાતે જ અભ્યાસક્રમ જોઈ શકે છે. એ માટે વિદ્યાર્થીઓને વારંવાર શિક્ષક પર આધાર નથી રાખવો પડતો. વિદ્યાર્થીઓને ભણાવવા ટેક્નોલોજીના આ પ્રયોગની ઉત્તરાખંડ સરકારે પણ 'ગંભીર' નોંધ લીધી છે. પ્રદીપ નેગીના આ સીધાસાદા ઈનોવેશનને પગલે ઉત્તરાખંડ સરકારે સ્કૂલોને ટેક્નોલોજી ઇક્વિપમેન્ટ્સ આપવાની યોજના તૈયાર કરી છે. અત્યારે કેન્દ્ર સરકારની ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી (આઈસીટી) ઈન સ્કૂલ યોજના હેઠળ ઉત્તરાખંડના દરેક જિલ્લાની પાંચથી છ સ્કૂલને કમ્પ્યુટર, પ્રોજેક્ટર, પ્રિન્ટર અને ઈન્ટરનેટ કનેક્શન મળી ગયું છે. આ યોજનાનો યોગ્ય અમલ કરવા રાજ્ય સરકારે પ્રદીપ નેગીની જ સલાહકાર તરીકે નિમણૂક કરી હતી. આ કામ પાર પાડવા બદલ ૨૦૧૩માં તેમને આઈસીટી નેશનલ એવોર્ડનું સન્માન પણ મળ્યું હતું.

પ્રદીપ નેગીએ એકવાર દુ:ખદ કબૂલાત કરી હતી કે, ''આ યોજનાનો અમલ તો સારી રીતે થયો પણ વખતોવખત તેનું મોનિટરિંગ કરનારું કોઈ ન હતું. એટલે અનેક સ્કૂલોમાં સરકારે આપેલા મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. જોકે, મારી સ્કૂલમાં બધી જ સરકારી મશીનરી વેલ મેઇન્ટેઇન્ડ છે. ખુદ શિક્ષક જ બેદરકાર હોય એ શોભતું નથી...'' જો દરેક સ્કૂલમાં એક પ્રદીપ નેગી હોય તો કેવું પરિવર્તન આવી શકે! અહીંના દરેક વિદ્યાર્થીને પ્રાઈવેટ કમ્પ્યુટર ઈન્સ્ટિટયુટ જેવો અનુભવ થાય એ માટે તેઓ વીડિયો કૉલિંગથી દુનિયાના અનેક દેશોના શિક્ષકોને રાણીપુરની સરકારી સ્કૂલના ક્લાસમાં લઈ આવે છે. વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પર વર્ચ્યુઅલ ટૂર કરાવે છે અને તેમને મોટા સ્વપ્નો જોતા શીખવે છે. એ માટે તેઓ ધો. ૯થી બધા જ વિદ્યાર્થીઓ પાસેથી દર મહિને દસ રૂપિયા ફી પણ લે છે.

કમ્પ્યુટર ટેક્નોલોજીથી પ્રદીપ નેગીને વ્યક્તિગત લાભ પણ થયો છે. તેઓ બે વર્ષના હતા ત્યારે જ પોલિયોના ભોગ બન્યા હતા. નાનપણથી જ તેમના શરીરનો ૭૬ ટકા હિસ્સો કામ કરતો બંધ થઈ ગયો હતો. સ્કૂલમાં બ્લેક બોર્ડ પર લખીને વિદ્યાર્થીઓને ભણાવવામાં તેમને તકલીફ પડતી હતી કારણ કે, ઊભા રહેવા પણ તેમણે ઘોડીનો ઉપયોગ કરવો પડતો. હવે તેઓ કમ્પ્યુટર અને પ્રોજેક્ટરની મદદથી ખુરશીમાં બેસીને પણ વિદ્યાર્થીઓને સહેલાઈથી ભણાવી શકે છે. પોલિયોનો ભોગ બન્યા પછી તેમને પૂણેની આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, પરંતુ ત્યાં તેમની માતાને કહેવામાં આવ્યું કે, પ્રદીપનો ઈલાજ નહીં થઈ શકે. હવે તેમને ફક્ત સારું શિક્ષણ મળે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરો. આ વાત સાંભળતા જ માતા પર જાણે આભ તૂટી પડયું હતું પણ તેમણે પ્રદીપની દેખભાળ અને શિક્ષણ માટે નોકરી છોડી દીધી. પ્રદીપના માતા પણ પ્રાઈમરી સ્કૂલમાં શિક્ષિકા હતા, જ્યારે પિતા ભારતીય સેનામાં ફરજ બજાવતા.

પિતાની બદલીઓના કારણે જ પંજાબ, મેઘાલય અને ઉત્તરાખંડ એમ ત્રણ રાજ્યોમાં પ્રદીપ નેગીનું શિક્ષણ થયું. ત્યાર પછી ઈકોનોમિક્સ, પોલિટિકલ સાયન્સ અને હિસ્ટરીમાં બેચલર કરીને ૧૯૯૨માં રૂરકી કોલેજમાંથી ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને શિક્ષક બનવાનો નિર્ણય કર્યો. શિક્ષક બનવા રૂરકીની જ કન્હૈયાલાલ ડીએવી કોલેજમાંથી બી.એડ. કર્યું. તેમણે ૧૯૯૬માં હિસ્ટરી અને ૨૦૦૪માં ઇંગ્લિશ લિટરેચરમાં એમ.એ. કરીને બે માસ્ટર્સ ડિગ્રી  પણ મેળવી છે. પ્રદીપ નેગીએ અભ્યાસમાં હોનહાર હતા. જો તેમણે ધાર્યું હોત તો પ્રોફેસર પણ બની શકે એમ હતા પરંતુ તેમણે હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને ભણાવવાનો નિર્ણય લીધો. કુલ ૨૧ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા પ્રદીપ નેગી ૨૦૦૮માં રાણીપુર સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા.

અને છેલ્લે. વાર્કી ગ્લોબલ ટીચર પ્રાઈઝ દુબઈસ્થિત એનઆરઆઈ ઉદ્યોગપતિ અને દાનવીર સની વાર્કીના ફાઉન્ડેશન દ્વારા અપાય છે. વાર્કી જૂથના માલિક સની વાર્કીએ વર્ષ ૨૦૦૦માં જેમ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી, જે કિન્ડરગાર્ટનથી લઈને ધો.૧૨ સુધીની ૧૩૦ પ્રાઈવેટ સ્કૂલ ઓપરેટ કરે છે. તેઓ વાર્કી અને જેમ્સ ફાઉન્ડેશન હેઠળ શિક્ષણની મદદથી સામાજિક પરિવર્તન લાવવા પ્રયત્નશીલ છે. સની વાર્કી યુનેસ્કોના ગુડવિલ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે. ૨.૩ અબજ ડૉલરની સંપત્તિના માલિક સની વાર્કીએ ૨૦૧૫માં ગિવિંગ પ્લેજ હેઠળ સહી કરીને અડધી સંપત્તિ દાન કરી દીધી હતી. અત્યાર સુધી ગિવિંગ પ્લેજ પર ૧૬ દેશના ૧૫૪ ધનવાનોએ સહી કરી છે, જેમાં ભારતનું નાગરિકત્વ ધરાવતા ફક્ત ત્રણ જ ધનવાન સામેલ છે.