30 April, 2013

હીટ એક્શન પ્લાનઃ ગરમીમેં ઠંડી કા અહેસાસ


ભારતમાં ફક્ત ઋતુચક્રમાં ફેરફાર થવાના કારણે અનેક લોકોના મૃત્યુ થઈ જાય છે. ગુજરાતી માધ્યમોમાં ઠંડી કે ગરમીના સમાચારો માટે ‘રેકોર્ડબ્રેક’ શબ્દનો લગભગ એકસરખો ઉપયોગ કરવામાં આવે છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં શિયાળામાં ‘કાતિલ’ ઠંડી  અને ઉનાળામાં ‘કાળઝાળ’ ગરમી પડે છે. આ રેકોર્ડબ્રેક વધઘટ વચ્ચે મૃત્યુના આંકડામાં પણ વધારો નોંધાતો રહે છે. શિયાળા દરમિયાન ઉત્તર અને પૂર્વીય ભારતના રાજ્યોમાં મૃત્યુનો આંકડો સતત ઊંચે જાય છે, તો ઉનાળામાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણના રાજ્યોમાં મૃત્યુદર વધી જાય છે. ગુજરાતમાં સૌથી વધુ ગરમી માટે ઈડર કુખ્યાત છે, પરંતુ ગરમીથી સૌથી વધુ મૃત્યુ અમદાવાદ જેવા શહેરોમાં થાય છે. જોકે આ વર્ષે અમદાવાદ ‘હીટ વેવ વૉર્નિંગ સિસ્ટમ’ ધરાવતું દક્ષિણ એશિયાનું પહેલું શહેર બની ગયું છે. આ સમાચાર ગરમીમેં ઠંડી કા અહેસાસ જેવા છે. તેથી આશા રાખી શકાય કે, કમસેકમ આ વર્ષે અમદાવાદમાં કેટલાક લોકોને ગરમીના પ્રકોપથી કમોતે મરતા બચાવી શકાશે. 

આ એક્શન પ્લાન હેઠળ હવે ગરમીથી બચવા માટે તંત્રની મદદ મળશે. આ યોજના મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય ત્રણ વ્યૂહ પર ધ્યાન કેન્દ્રિત કરીને મૃત્યુદર ઘટાડવાનો પ્રયાસ કરાશે. જેમાં સૌથી પહેલાં ગરમીથી બચવા માટે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાશે. આ માટે મ્યુનિસિપલ તંત્ર વિવિધ ભાષામાં ચોપાનિયાનું વિતરણ અને જાહેરાતોની મદદથી ગરમીથી કેવી રીતે બચવું તેની માહિતી અને સૂચનો આપશે. બીજો વ્યૂહ હીટ વેવની જાણકારી મળતા જ પાણીના વધારાના ટેન્કરો તૈયાર રખાશે તેમજ તાલીમબદ્ધ કર્મચારીઓની મદદથી લોકજાગૃતિ અભિયાન શરૂ કરાશે. આ દરમિયાન મ્યુનિસિપલ તંત્ર સરકારી સંસ્થાઓ, આરોગ્ય અધિકારીઓ, ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ, સામાજિક જૂથો અને મીડિયાની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત સંપર્કમાં રહેશે અને તેના આધારે ત્રીજા વ્યૂહનો અમલ કરાશે. જેમાં ગરમીનો ભોગ બનેલા લોકોને તાલીમબદ્ધ આરોગ્ય અધિકારીઓની મદદથી તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.


આ ઉપરાંત મજૂર વર્ગ અને ટ્રાફિક પોલીસ જેવા ગરમીનો સૌથી વધુ ભોગ બનવાની સંભાવના ધરાવતા લોકોને આગોતરી જાણ કરીને ચેતવી દેવામાં આવશે. હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓને બીજે ખસેડવા કે એરકંડિશન્ડ રૂમમાં રાખવાની ભલામણ કરાશે. આ યોજનાનો યોગ્ય રીતે અમલ કરવા મ્યુનિસિપલ તંત્ર ઝૂંપડપટ્ટીમાં કામ કરતા આરોગ્ય અધિકારીઓને ખાસ તાલીમ આપશે. કારણ કે, ઠંડીની જેમ ગરમીની પણ સૌથી વધુ ઘાતક અસર ગરીબ વર્ગને જ થાય છે. ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોની જીવનશૈલી સમજીને તેમને જાગૃત કરવા એક મોટો પડકાર છે. આખો દિવસ રખડી-ભટકીને પૈસા કમાતો મજૂર વર્ગ ગરમીનો સૌથી વધારે ભોગ બને છે. ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા લોકો માટે તનતોડ મજૂરી કર્યા પછી દેશી દારૂ પીને કાળઝાળ ગરમીમાં રસ્તા પર બેભાન થઈને પડી જવું એ કદાચ રોજિંદી ઘટના છે. આ એક સામાજિક મુશ્કેલી છે. ‘એ તો એમના કરમ’ કે ‘આ લોકો તો હોય છે જ આવા’ એવું કહેવું સહેલું છે. આવી મુશ્કેલીઓના મૂળ ઊંડા હોવાથી તેની સામે લડવા સરકારે અને સ્વૈચ્છિક સંસ્થાઓએ મજબૂત યોજનાઓ બનાવવી પડે છે અને મક્કમતાથી કામ કરવું પડે છે. હીટ એક્શન પ્લાનનો અમલ કરવાનું અમદાવાદ મ્યુનિસિપાલિટીનું પગલું એ રીતે આવકાર્ય છે.

કાતિલ ઠંડીથી ફૂટપાથ પર રહેતા લોકોના મૃત્યુ ના થઈ જાય એ માટે અનેક સેવાભાવી જૂથો અને ધાર્મિક સંસ્થાઓ ગરમ કપડાં-ધાબળાં વગેરેનું વિતરણ કરે છે. આવી સેવા થકી અનેક માનવજિંદગીઓ અકાળે મોતથી બચી જતી હશે! પરંતુ ગરમીમાં પાણીની પરબોથી કંઈક વિશેષ કરવા માટે સરકારે કે મોટી સંસ્થાઓએ જ આગળ આવવું પડે એ હકીકત છે. દિવસે ગરમીનો પ્રકોપ હોય છે ત્યારે શ્રીમંતો અને મધ્યમવર્ગીય લોકો એરકંડિશન્ડ ઓફિસ કે ઘરમાં વિતાવે છે. ગરમીના કારણે ગરીબ વર્ગના કે મજૂર વર્ગના લોકોના મૃત્યુ વધારે થાય છે. હૃદયરોગીઓ અને શારીરિક રીતે નબળા લોકો પણ ગરમીનો ભોગ વધુ બને છે. વૃદ્ધો અને બાળકો પર ગરમીની અસર વધુ ઘાતક હોવાનું કારણ તેઓ શારીરિક રીતે નબળા હોય તે છે. અનેક વૃદ્ધો વિપરિત સંજોગોમાં પોતાની જાતને સાચવી શકે એટલા સક્ષમ હોતા નથી. પરિણામે ડીહાઈડ્રેશન કે તણાવના કારણે મોતને ભેટે છે. જ્યારે શાળાએ જતા બાળકો કાળઝાળ ગરમીને પણ ગંભીરતાથી ના લે અને ડીહાઈડ્રેશનનો ભોગ બને એવું બની શકે છે. આ માટે માતાપિતા અને તેમના શિક્ષકોને ગરમીમાં શું તકેદારી રાખવી તેમજ લૂ લાગી જાય તો પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી વગેરે તાલીમ આપવી જરૂરી છે. શાળાઓએ બાળકોનો ડ્રેસ કોડ પણ ગરમીને અનુરૂપ રાખવાનો આગ્રહ રાખવાનો સમય આવી ગયો છે.

ખાસ કરીને એપ્રિલના છેલ્લાં દિવસો, મે અને જૂનમાં ગરમીના કારણે થતાં મૃત્યુમાં જોરદાર વધારો નોંધાય છે. આ દરમિયાન ગરમીને લગતી બિમારીઓ જેવી કે લૂ લાગવી, ઝાડા-ઉલટી અને કોલેરા જેવા રોગોના પણ સંખ્યાબંધ કેસો નોંધાય છે. આજે પણ દેશભરમાં ઋતુ બદલાવ વખતે આરોગ્યનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ એ બાબતમાં અજ્ઞાનતા પ્રવર્તે છે. અમદાવાદ જેવા શહેરમાં વર્ષોથી રહેતા લોકોને તો થોડી ડિગ્રીમાં થતી વધઘટનો ખ્યાલ ના આવે એવું બની શકે છે, પરંતુ મહત્તમ તાપમાનમાં થોડી ડિગ્રીનો વધારો ઘાતકી સાબિત થઈ શકે છે. વળી, ગરમીની સૌથી વિપરિત અસર શહેરોમાં અને ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જ થાય છે. કારણ કે, ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીથી રક્ષણ મળી રહે એવું વાતાવરણ તેમજ આશ્રય સ્થાનો મળી રહે છે. ગરમીમાં આગ લાગવાના બનાવોમાં પણ વધારો થાય છે. આવા બનાવોમાં થતા મૃત્યુ પાછળ પણ આડકતરી રીતે ગરમી જ જવાબદાર છે. અમદાવાદ જેવા ગીચ શહેરમાં તાત્કાલિક ફાયર ફાઈટર મોકલવા પણ અઘરા છે.

જોકે, હીટ એક્શન પ્લાનનો યોગ્ય રીતે અમલ થશે તો જ તેના લાભ મળશે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ- બેંગલુરુ અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી- મુંબઈએ તૈયાર કરેલા ક્લાઈમેટ મોડેલિંગ મુજબ, આ સદીના અંતે દેશના સરેરાશ તાપમાનમાં ચારથી સાત ડિગ્રીનો વધારો થઈ જશે. તેથી આવી મુશ્કેલીઓ સામે લડવા માટે જે તે વિસ્તારની ભૂગોળ, શિક્ષણનું પ્રમાણ, માળખાગત સુવિધાઓ અને સ્થાનિક તંત્રની ક્ષમતાનો પૂરતો અભ્યાસ કરીને એક્શન પ્લાન બનાવવો હિતાવહ છે. આ પ્રકારની યોજનાઓમાં શિક્ષિત વર્ગ, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, સ્કૂલ-કોલેજો અને તબીબ વર્ગ સહભાગી બને તો તેની અસરકારકતા અનેક ગણી વધી જાય છે.

હીટ વેવ એટલે શું?

ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ, મે મહિનામાં અમદાવાદ શહેરનું સરેરાશ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ હોય છે. આ મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો વધારો નોંધાય તો તે હીટ વેવ તરીકે ઓળખાય છે. એવી જ રીતે, મહત્તમ તાપમાનમાં સાત ડિગ્રી સુધીનો વધારો થઈ જાય તો તે સિવિયર હીટ વેવ તરીકે ઓળખાય છે. દેશભરમાં આવા હીટ વેવ સામાન્ય છે અને હંમેશાં સંખ્યાબંધ લોકોના મૃત્યુનું કારણ બને છે. ગયા વર્ષે પશ્ચિમ બંગાળમાં આવેલા હીટ વેવના કારણે એક જ અઠવાડિયામાં 100થી પણ વધુ લોકોના મૃત્યુ થયા હતા. આ હીટ વેવના કારણે જ્યાં પણ મૃત્યુ નોંધાયા હતા તે વિસ્તારોનું સરેરાશ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ હતું.

નોંધઃ પ્રતીકાત્મક તસવીર ગૂગલ પરથી લીધી છે. 

23 April, 2013

ભવિષ્યનું ક્રાંતિકારી મટિરિયલ ગ્રેફિન


વિજ્ઞાનમાં કોઈ પણ મૂળભૂત તત્ત્વની શોધ ખૂબ જ મહત્ત્વની હોય છે. જેમ કે, વર્ષો પહેલાં સ્ટીલ, પ્લાસ્ટિક કે યુરેનિયમ જેવા મટિરિયલ છૂટા પાડવાની પ્રક્રિયા શોધાઈ એ પછી આ વિવિધ મટિરિયલનો તેમની ખાસિયતોના આધારે ઉપયોગ કરવાનું શરૂ કરાયું. પરંતુ 21મી સદી ઈકો ફ્રેન્ડ્લી અને નેનો મટિરિયલની હશે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના વિજ્ઞાનીઓએ ભવિષ્યમાં ક્રાંતિકારી સાબિત થવાની સંભાવના ધરાવતું મટિરિયલ વિકસાવ્યું છે. આમ તો, આ મટિરિયલ બીજું કંઈ નહીં પણ સેલોટેપ જેવું અત્યંત પાતળું અને વળી શકે એવું કાર્બન તત્ત્વ છે, જેને વિજ્ઞાનીઓએ ગ્રેફિન નામ આપ્યું છે. વિજ્ઞાનીઓને વિશ્વાસ છે કે, આ મટિરિયલ 21 સદીનું સૌથી ક્રાંતિકારી તત્ત્વ સાબિત થશે! પરંતુ ગ્રેફિન જેવા મટિરિયલના વિવિધ ઉપયોગ અંગે થઈ રહેલા સંશોધન કાર્યમાં ઢીલાશ આવતા ભૌતિકવિજ્ઞાન જગતમાં ચર્ચા શરૂ થઈ છે કે, ગ્રેફિનની શોધ લેબોરેટરી પૂરતી જ રહી જશે કે શું? આ પ્રશ્નનો જવાબ મેળવતા પહેલાં ગ્રેફિનની શોધ અને તેના ઈતિહાસ વિશે ટૂંકમાં જાણીએ.

ગ્રેફિનની શોધ અને ઈતિહાસ

કાર્બન પર વિવિધ પ્રક્રિયા કરીને ગ્રેફિન મટિરિયલ વિકસાવવાનો શ્રેય આંદ્રે ગેઈમ અને કોસ્ત્યા નોવોસેલોવ નામના વિજ્ઞાનીઓને જાય છે. આંદ્રે ગેઈમ ચુંબકીય સપાટીનો ઉપયોગ કરીને જીવતા દેડકાને ઊંચકવાનો પ્રયોગ કરીને આઈજી નોબલપ્રાઈઝ જીતી ચૂક્યા છે. આમ તોગ્રેફિન વિકસાવવાની વાત સીધીસાદી લાગે છેપરંતુ થોડા વર્ષો પહેલાં રશિયાના ભૌતિકશાસ્ત્રીઓએ પણ ગ્રેફિન જેવું ક્રાંતિકારી મટિરિયલ વિકસાવવાના નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા. વર્ષ 2004માં ગેઈમ અને નોવોસેલોવે ગ્રેફાઈટના નાનકડા ટુકડામાંથી વાળથી પણ પાતળા પડને છૂટું કરવાની પ્રક્રિયા વિકસાવી. આ સિદ્ધિ બદલ વર્ષ 2010માં તેમને સંયુક્ત ધોરણે ભૌતિક શાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. આવા સૂક્ષ્મ મટિરિયલને વિજ્ઞાનની પરિભાષામાં સિંગલ-એટમ-થિન મટિરિયલ કહેવાય છે.

આંદ્રે ગેઈમ

કોસ્ત્યા નોવોસેલોવ

ગ્રેફિનમાં સિલિકોન કરતા 100 ગણી વધારે વિદ્યુત વાહકતા છે અને તે સ્ટીલ કરતા 200 ગણું વધારે મજબૂત છે. એટલું જ નહીંગ્રેફિનમાં આશ્ચર્યમાં પડી જવાય એટલી ઓપ્ટિકલ અને થર્મલ શક્તિ પણ છે. ગ્રેફિન જેવું સુપર મટિરિયલ કાર્બનનું જ એક સ્વરૂપ છે અને તેની જાડાઈ ફક્ત એક માઈક્રોન એટલે કે એક અણુ જેટલી જ હોય છે. આ કારણોસર જ સિલિકોનના બદલે ગ્રેફિનનો વ્યાપારી હેતુથી ઉપયોગ કરવાની પદ્ધતિઓ વિકસાવવા માટે વિવિધ દેશોકંપનીઓ અને રિસર્ચ સંસ્થાઓ વચ્ચે હરીફાઈ જામી છે.

વિજ્ઞાનીઓને આશા છે કેઈન્ફર્મેશન ટેક્નોલોજીથી માંડીને ઊર્જા અને દવાના ક્ષેત્રમાં પણ ગ્રેફિનનો ઉપયોગ કરી શકાશે. તેથી આ ક્ષેત્રની કંપનીઓ પણ ગ્રેફિનમાં રસ લેતી હતી. આવી અનેક કંપનીઓ ગ્રેફિન સંશોધનોમાંથી લાભ ખાટી લેવા કરોડો ડૉલર ખર્ચવા તૈયાર થઈ ગઈ હતી. આ સંશોધનો અને વિકાસ માટે ફક્ત યુરોપિયન યુનિયને જ વિવિધ સંસ્થાઓને દસ વર્ષમાં 1.35 અબજ ડૉલરનું ભંડોળ આપવાની જાહેરાત કરી હતી. ગ્રેફિન વિશે આટલો હાઈપ ઊભો થતા વર્ષ 2007થી ગ્રેફિનની વિવિધ શોધો પરથી પેટન્ટ કરાવવાની અરજીમાં જબરદસ્ત વધારો થયો હતો. ગ્રેફિનના જાતભાતના સંશોધનો માટે ચીનઅમેરિકા અને દક્ષિણ કોરિયા જેવા દેશોના નામે જ અનુક્રમે 2,204, 1,754 અને 1,160 પેટન્ટ બોલે છે. ગ્રેફિનના વિવિધ ઉપયોગ માટે પેટન્ટ કરાવવાની હરીફાઈમાં વિશ્વભરની સંશોધન સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ પણ સામેલ છે.

સંશોધન કાર્યમાં મુશ્કેલીઓ 

વિજ્ઞાન જગતમાં કોઈ નાની-મોટી શોધ કર્યા પછી તેનો વ્યવહારુ ઉપયોગ કરવાની પદ્ધતિઓ વિકસાવવી પણ એટલી જ મહત્ત્વની છે. ગ્રેફિન સંશોધનોમાંથી તગડી કમાણી કરી લેવા વિવિધ કંપનીઓસંશોધન સંસ્થાઓ અને ટેક્નોલોજિસ્ટોએ વધુને વધુ રોકાણ કરવાની તૈયારી દાખવી હતી. પરંતુ એક સમય એવો આવ્યો કે ઈન્ફર્મેશન ટેક્નોલોજીઈલેક્ટ્રોનિક્સ સહિતના ક્ષેત્રમાં કાર્યરત મહાકાય કંપનીઓએ ગ્રેફિન સંશોધનોમાં રસ ઓછો કરી દીધો. આવા સંશોધનો પહેલાં પણ થયા છેપરંતુ તે લેબોરેટરીની બહાર આવી શક્યા નથી. વર્ષ 1990માં કાર્બન નેનોટ્યુબની વાતો ગાજી હતી પણ થોડા સમય પછી વેન્ચર કેપિટાલિસ્ટોએ તો ઠીક વિજ્ઞાનીઓએ પણ તેમાં રસ ઓછો કરી દીધો. આ કારણોસર જ ભૌતિકવિજ્ઞાન જગતમાં ચર્ચા થઈ રહી છે કેવર્ષ 2004માં શોધાયેલા અને વર્ષ 2010માં નોબલ પ્રાઈઝ પામેલા ગ્રેફિન સાથે પણ આવું થશે?

બ્રિટનની યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં એક માઈક્રોન પાતળી
ગ્રેફિન ઓક્સાઈડ શીટ બતાવતા ડૉ. રાહુલ નાયર 

થોડા સંશોધનો પછી સિલિકોનના બદલે ગ્રેફિનનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ હજુ સુધી આ દિશામાં આક્રમક રીતે સંશોધન કેમ નથી થઈ રહ્યા એ સવાલનો જવાબ લક્સ રિસર્ચ નામની જાણીતી રિસર્ચ લેબોરેટરીના સિનિયર એનાલિસ્ટ અને ‘ઈઝ ગ્રેફિન ધ નેક્સ્ટ સિલિકોન...ઓર જસ્ટ ધ નેક્સ્ટ કાર્બન નેનોટ્યુબ?’ નામના સંશોધન પેપરના મુખ્ય લેખક આપે છે. તેઓ કહે છે કેકાર્બન નેનોટ્યુબ જેવા નેનોમટિરિયલનું ઉદાહરણ આપણી સામે છેગ્રેટ પર્ફોર્મન્સ હંમેશાં ગ્રેટ માર્કેટ અને સારા વળતરમાં પરિવર્તિત નથી કરી શકાતું.

રોસની વાત પરથી સ્પષ્ટ થાય છે કેગ્રેફિન સંશોધનો માટે ખર્ચ કર્યા પછી કંપનીઓને પૂરેપૂરા વળતરની સંભાવના દેખાય તો જ સંશોધન કાર્ય આગળ ધપાવવામાં આર્થિક મદદ કરે છે. એક સમયે કાર્બન નેનોટ્યુબના સંશોધનો માટે પણ મહાકાય કંપનીઓએ રોકાણની તૈયારી બતાવતા હાઈપ ઊભો થયો હતોપરંતુ સમયાંતરે આ દિશામાં સંશોધનો આગળ વધી શક્યા જ નહીં. કારણ કેઆવા સંશોધનોમાં વર્ષોવર્ષ લાગી જાય છે અને તેનું વળતર મળતા બીજા અનેક વર્ષો. એટલે કેગ્રેફિનના જુદા જુદા ઉપયોગની પદ્ધતિઓ વિકસાવતા અને તેને અમલમાં મૂકતા દાયકાઓનો સમય લાગી શકે છે. આ ઉપરાંત મહાકાય કંપનીઓમાં ઉચ્ચ સ્તરે હરીફ કંપનીથી આગળ કે તેની સાથે રહેવાનું દબાણ હોય છે. આમ કંપનીઓને વિકાસની આંધળી દોડમાં હારવાનો ડર લાગે છે અને મહત્ત્વના સંશોધનો ખોરંભે પડે છે.

વર્ષ 2010 સુધી ગ્રેફિન સંશોધનોમાં વિવિધ દેશો અને કંપનીઓને રસ હતો. કારણ કેગ્રેફિનમાંથી લશ્કરી હેતુ માટે અતિ ઉપયોગી એવી વજનમાં હલકી બેટરી અને હાલની ટેક્નોલોજીથી પંદરેક ગણી વધુ ક્ષમતા ધરાવતી રડાર બનાવવી પણ શક્ય છે. એટલે વિકસિત દેશોને ગ્રેફિન સંશોધનોમાં રસ પડવો સ્વાભાવિક હતો. જોકેએવું પણ નથી કે ગ્રેફિન સંશોધનોનું કામ સંપૂર્ણ બંધ છે. હાલ યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના સેન્ટર ઓફ ગ્રેફિનમાં ભૌતિકશાસ્ત્રીઓ અને એન્જિનિયરો ગમે તેમ કરીને આ ટેક્નોલોજીનો કોમર્શિયલ પ્રોડક્ટ બનાવવામાં ઉપયોગ કરવાની પદ્ધતિ વિકસાવવા પ્રયત્નશીલ છે. પરંતુ આમ કરવા માટે સંશોધકોએ ખૂબ ઓછા ખર્ચે ઉત્પાદન થઈ શકે તેવી પદ્ધતિ વિકસાવવાનું પડકારભર્યું કામ પાર પાડવાનું હોય છેજેમાં હજુ થોડા વર્ષ નીકળી જાય એમ છે.

ગ્રેફિનનું ઉજ્જવળ ભવિષ્ય

ગ્રેફિન અંગે થઈ રહેલા સંશોધનમાં થોડી મુશ્કેલીઓ અને ઢીલાશ ઉદ્‍ભવી હોવા છતાં તાજેતરમાં જ ‘નેચર’ નામના પ્રતિષ્ઠિત સામાયિકમાં પ્રગટ થયેલા એક સંશોધન પેપરમાં ગ્રેફિનના સહ-સંશોધક નોવોસેલોવે આશા વ્યક્ત કરી છે કે, “આગામી વીસ વર્ષમાં ગ્રેફિન સંશોધનોનો સંપૂર્ણ વ્યવહારુ ઉપયોગ શક્ય બની જશે. જ્યારે ફ્લેક્સિબલ સ્ક્રીન (ટેલિવિઝન)ની ટેક્નોલોજી તો આગામી ત્રણેક વર્ષમાં જ વિકસાવી લેવાશે.” ગ્રેફિન જેવા મટિરિયલમાંથી બનાવેલી સ્ક્રીનમાં અત્યંત અલ્ટ્રાફાસ્ટ લૉ-પાવર પ્રોસેસર અને મેમરી શક્ય બનશે. આ ટેક્નોલોજીનો એકાદ દાયકામાં જ કોમર્શિયલ ઉપયોગ શરૂ થઈ જશે. ગ્રેફિન ટેક્નોલોજી ટચ સ્ક્રીનમાં પણ ઉપયોગી સાબિત થશેજેના માટે અત્યારે ઈન્ડિયમ ટિન ઓક્સાઈડનો ઉપયોગ થાય છે. સંશોધકોનું માનવું છે કેગ્રેફિનની સ્થિતિસ્થાપકતા અને રાસાયણિક ટકાઉતા આ મટિરિયલથી અનેક ગણી વધારે છે.

હાઈટેક ઈલેક્ટ્રોનિક્સની દુનિયામાં ગ્રેફિન ખરા સમયે આવ્યું છે. કારણ કેહાલ વિજ્ઞાનીઓ ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓમાં સિલિકોન સર્કિટને શક્ય એટલી નાની કરવા પ્રયત્નશીલ છે. ગ્રેફિનના શોધકો ગેઈન અને નોવોસેલોવ સિવાયના વિજ્ઞાનીઓને પણ આશા છે કેગ્રેફિનના રાસાયણિક ગુણધર્મોને કારણે સુપર સ્મૉલહાઈ સ્પીડ અને અલ્ટ્રા-લૉ-પાવર ડિજિટલ ઈલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરી શકાશે. આ ફિચર્સના કારણે જ મીઠાના દાણા જેટલા મેડિકલ સેન્સર વિકસાવી શકાશેજેને નસમાંથી માનવ શરીરમાં દાખલ કરીને કેન્સર થાય એ પહેલાં જ તેના માટે જવાબદાર સેલ્સને શોધી શકાશે.

માન્ચેસ્ટર સિવાય પણ અનેક સ્થળે સંશોધકો ગ્રેફિનનો પોતપોતાની રીતે ઉપયોગ કરવા કટિબદ્ધ છે. સેમસંગ જેવી કંપનીએ જ ગ્રેફિનના વિવિધ ઉપયોગ માટે 407 અને આઈબીએમએ 134 પેટન્ટ કરાવી છે. ગ્રેફિન સંશોધનોમાં ઢીલાશ આવી છે એ વાત ખરીપરંતુ હાલ પૂરતો ગ્રેફિનનો યોગ્ય વિકલ્પ નહીં હોવાથી ધીમી ગતિએ પણ સંશોધનો આગળ ધપાવ્યે છુટકો નથી. સેમસંગ અને સોની કંપની ફ્લેક્સિબલ ટચસ્ક્રીન બનાવવામાં ગ્રેફિનના ઉપયોગ માટે સંયુક્ત રીતે સંશોધન કરી રહી છે. જ્યારે ગ્રેફિનની મદદથી ચિપ બનાવવા માટે ઈન્ટેલ સંશોધન કરી રહી છે. આ માટે ઈન્ટેલ માન્ચેસ્ટર યુનિવર્સિટી સાથે કામ કરી રહી છે.

ઉપસંહાર

ગ્રેફિન સંશોધનો માટે જેટલો હાઈપ ઊભો થયો એ પ્રમાણે સંશોધન નથી થઈ રહ્યા એવું કહેવું અયોગ્ય ગણાશે. ગ્રેફિન જેવા સુપર મટિરિયલની શોધથી હાઈપ ઊભો થવો સ્વાભાવિક છેપરંતુ વિવિધ કંપનીઓ અને સંસ્થાઓ ગ્રેફિન સંશોધનો માટે ખૂબ ઝડપથી કરોડો ડૉલરનું ભંડોળ આપે કે ખર્ચ કરે એવી અપેક્ષા વધુ પડતી છે. યુરોપિયન યુનિયને ગ્રેફિન સંશોધનો માટે દસ વર્ષમાં 1.35 અબજ ડૉલરનું ભંડોળ આપવાની જાહેરાત કરી હતીપરંતુ માન્ચેસ્ટર યુનિવર્સિટીના અંદાજ મુજબ વર્ષ 2012માં જ ગ્રેફિન સંશોધનો પાછળ એક અબજ ડૉલરનો ખર્ચ થઈ ગયો છે. તેથી કહી શકાય કેવિશ્વભરમાં ધીમી પણ મક્કમ ગતિએ આ દિશામાં સંશોધનો થઈ જ રહ્યા છે અને ગ્રેફિન સંશોધનો નથી થઈ રહ્યા એવો ફક્ત હાઈપ ઊભો થયો છે. 

નોંધઃ તમામ તસવીરો ગૂગલ પરથી લીધી છે.

20 April, 2013

આંસુઃ હર્ષના, દુઃખના અને વિજ્ઞાનના


દુનિયાભરના જુદી જુદી ભાષાના તમામ સર્જકોએ આંસુ વિશે પ્રચુર માત્રામાં લખ્યું છે. આંસુ વસ્તુ એવી છે જેનાથી સર્જકો આકર્ષાયા વિના રહે જ નહીં. આંસુ ખૂબ રહસ્યમય ચીજ છે. આંસુ ખુશીમાં પણ આવે છે અને દુઃખમાં પણ, બાળકનો જન્મ થાય ત્યારે પણ અને સ્વજનનું મૃત્યુ થાય ત્યારે પણ. કદાચ એટલે આંસુ સર્જકો જેટલા વિજ્ઞાનીઓને પણ આકર્ષે છે. ઉત્ક્રાંતિવાદની થિયરીની માણસજાતને ભેટ આપનારા મહાન વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિને પણ માણસની આંસુ પાડવાની વૃત્તિના વૈજ્ઞાનિક કારણો શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ રહસ્ય ઉજાગર કરી શક્યા હતા.

જોકે, વિજ્ઞાની કોઈ સચોટ સંશોધન કરવામાં નિષ્ફળતા મળે ત્યારે એવું કહી શકાય કે તે નિષ્ફળ રહ્યા હતા. કારણ કે, કોઈ પણ કાળમાં સંશોધનો કરતા વિજ્ઞાનીઓને આવાનિષ્ફળ સંશોધનોમાંથી પણ ભરપૂર મદદ મળે છે. ડાર્વિને એક ઋષિ જેવું જીવન જીવીને માણસજાતને કલ્પનાઓનો એટલો મોટો ભંડાર આપ્યો હતો કે, આજે પણ વિજ્ઞાન જગતમાં ચર્ચા થઈ રહી છે કે, આખરે ડાર્વિન ના હોત તો આપણું જીવન કેવું હોત! તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા પીટર જે. બૉલરના પુસ્તકડાર્વિન ડિલિટેડઃ ઈમેજિનિંગ વર્લ્ડ વિધાઉટ ડાર્વિનમાં વિશે ઊંડી છણાવટ કરાઈ છે. ડાર્વિને 1872માં આંસુ વિષે લખ્યું હતું કે, “આપણે આંસુને એક અકસ્માત ગણવો જોઈએ, અંદરથી આવતા ઉભરાનો કોઈ હેતુ નથી...”


ખેર, છેલ્લાં કેટલાક દાયકામાં થયેલા સંશોધનોમાં સાબિત થયું છે કે આદિમાનવને આંસુ કાઢવાની કુદરતી શક્તિનો લાભ મળતો હતો. એક્વાટિક એપ થિયરી કહે છે કે, લાખો વર્ષ પહેલાં એક કાળ એવો હતો કે જેમાં માનવશરીરે ખારા પાણીમાં રહેવાનું અનુકૂલન સાધી લીધું હતું, જે વિજ્ઞાનની પરિભાષામાંએડેપ્ટિંગ ટુ સેમી-એક્વાટિક એક્ઝિસ્ટન્સતરીકે ઓળખાય છે. થિયરીના તરફદાર વિજ્ઞાનીઓનું અનુમાન છે કે, આંખમાં આંસુ આવી જાય તેનો અર્થ થતો હતો કે જે રડે છે તે આપણને નુકસાન નહીં પહોંચાડી શકે. એટલે કે, લાખો વર્ષ પહેલાં ભાષાનું અસ્તિત્વ હતું ત્યારે સજીવો શાંતિનો કૉલ આપવા માટે આંસુનો ઉપયોગ કરતા હશે! 

આંસુને લઈને સિવાય પણ અનેક થિયરી છે. કેટલાક જીવવિજ્ઞાનીઓ સીધી-સરળ થિયરી રજૂ કરીને દાવો કરે છે કે, આંખમાંથી નુકસાનકારક બેક્ટેરિયાથી મુક્ત કરવા તેમજ આંખોને ભેજવાળી રાખવા માટે કુદરતે માણસને આંસુ કાઢવાની શક્તિ આપી છે. જોકે, મોટા ભાગના વિજ્ઞાનીઓનું માનવું છે કે આંસુ સોશિયલ સિગ્નલ છે, જેની મદદથી સસ્તન સજીવો પોતે મુશ્કેલીમાં કે દુઃખી હોવાની લાગણી દર્શાવે છે. ઉત્ક્રાંતિકાળ દરમિયાન લગભગ તમામ સસ્તન પ્રાણીઓને કુદરતી શક્તિ મળી ગઈ છે. ‘આપણે કેમ અને ક્યારે રડીએ છીએ વિશે સળંગ વીસ વર્ષ સુધી સંશોધન કરનારા નેધરલેન્ડના મનોવિજ્ઞાની એડ વિન્ગરહોટ્સ કહે છે કે, “આંસુ લાચારીનો સંકેત છે, ખાસ કરીને બાળપણમાં જ્યારે સજીવ સૌથી વધુ નિર્બળ હોય છે.”

જોકે, વિન્ગરહોટ્સ સહિતના અનેક વિજ્ઞાનીઓ આંસુના સામાજિક મહત્ત્વની પણ વાત કરે છે. થોડાં વર્ષો પહેલાં કેટલાક મનોરોગવિજ્ઞાનીઓએ રડવાના કારણે માતા અને બાળક વચ્ચે લાગણીના બીજ કેવી રીતે વવાય છે તે મુદ્દાની છણાવટ કરી હતી. એવી રીતે, આધુનિક ન્યુરોલોજિસ્ટો રડવાની શક્તિને માણસની સંવેદના વ્યક્ત કરવાની શક્તિ સાથે જોડે છે. પરંતુ માણસ કર્ણપ્રિય સંગીત સાંભળતી વખતે પણ રડી પડે છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વિન્ગરશોટ્સના પુસ્તકવાય ઓન્લી હ્યુમન્સ વિપમાં તે કહે છે કે, “રડવા પર થયેલા અત્યાર સુધીના તમામ સંશોધનો પૂરતા નથી. વિજ્ઞાનીઓએ વાંદરા, હાથી અને ઊંટના રડવાનું પણ દસ્તાવેજીકરણ કર્યું છે.”

એડ વિન્ગરહોટ્સ

વિન્ગરહોટ્સનું અનુમાન છે કે, માણસ લાગણીના આંસુ વહાવી શકે છે અને ફક્ત માણસમાં પુખ્તવય સુધી રડવાની વૃત્તિ ટકી રહે છે. પરંતુ વિજ્ઞાન સામે સૌથી મોટો પડકાર છે કે, આખરે આવું થાય છે કેમ? કારણ કે, ઉત્ક્રાંતિ વિજ્ઞાનની દૃષ્ટિએ વિચારીએ તો રડવાના અવાજથી વિરોધીને આપણી હાજરીનો સંકેત મળી જાય છે. સવાલનો જવાબ આપતા વિન્ગરહોટ્સ કહે છે કે, ઘણી સ્થિતિમાં રડવું જોખમી સાબિત થઈ શકે છે, પરંતુ ચીસો પાડવા જેવા ઘોંઘાટિયા સંકેત કરતા તે ઘણું ઓછું જોખમી છે. એકબીજાના વિરોધી સજીવો ખૂબ નજીક હોય ત્યારે વાત સાચી છે. પરંતુ નાનકડા બાળકે પણ માતાને બોલાવવા માટે રડવું પડે છે.

વિન્ગરહોટ્સ કહે છે કે, માણસ સિવાયના પ્રાણીઓ જેમ જેમ પુખ્તવયના થાય તેમ તેમ મુશ્કેલી કે દુઃખના કુદરતી સંકેતો આપવાની શક્તિ ગુમાવી દે છે. કારણ કે, જંગલના નિયમ મુજબ તે જોખમી હોવાથી આવું થતું હોઈ શકે છે. પરંતુ માણસમાં આનાથી ઊંધુ થાય છે. માણસ મોટા અવાજે રડવાનું ધીમે ધીમે બંધ કરીને પુખ્તવયે આંસુ વહાવીને વિઝ્યુઅલ સિગ્નલ આપે છે. આમ કરીને તે વધુ આત્મીય કે ઘનિષ્ઠ પ્રતિક્રિયા આપે છે. પોતાની થિયરીને વધુ આધારભૂત ગણાવતા વિન્ગરહોટ્સ માણસના બાહ્ય દેખાવ અને ચહેરાના બંધારણની વાત કરે છે. તેમની દલીલ છે કે, ચહેરાના હાવભાવ વાંચવા માટે ઉત્ક્રાંતિકાળ દરમિયાન ચહેરાના સ્નાયુનું આવી રીતે સર્જન થયું છે. જે ખાસ કરીને આંસુ અને શરમના ભાવ બખૂબી દર્શાવી શકે છે.

રડવું લાગણીઓની અભિવ્યક્તિ છે, જે વિનંતીનો ભાવ પણ દર્શાવે છે. તેથી વિજ્ઞાન માને છે કે, આદિમાનવમાં રડવાની વૃત્તિ લાભદાયી હોઈ શકે છે અને આંસુ દર્શાવીને તેઓ પરસ્પર વિશ્વાસ અને સામાજિક જોડાણની લાગણી પ્રદર્શિત કરતા હશે. જોકે, આંસુ માટે લાગણીઓ સિવાયના પણ અનેક કારણો હોઈ શકે છે. આંસુ નૈતિકતા સાથે પણ જોડાયેલા છે. જેમ કે, આદિમાનવથી લઈને આધુનિક માનવ અન્યાયની લાગણી અનુભવે ત્યારે પણ આંસુ પાડે છે. સાંસ્કૃતિક ઈતિહાસકારો સામૂહિક ખુશી અને લાગણીના ઉછાળા વખતે આંસુ વહાવવાની માનવીય વૃત્તિની પણ નોંધ લે છે. ક્રિકેટ કે ફૂટબૉલ જેવી રોમાંચક રમતો જોતી વખતે કે કોઈ ફિલ્મ જોતી વખતે એકસાથે અનેક લોકો રડતા હોય તે સામૂહિક લાગણીના ઉછાળાનું ઉત્તમ ઉદાહરણ છે.

લેક્રિમલ નામની ઉત્સેચક ગ્રંથિઓ આંસુ ઉત્પન્ન કરે છે અને દરેક ઉંમરે, દરેક આંખમાંથી ઉત્પન્ન થતા આંસુ પાછળના કારણો જુદા જુદા હોઈ શકે છે. કદાચ એટલે આંસુ મુદ્દે અપાતા વૈજ્ઞાનિક ખુલાસા હંમેશાંઅપૂર્ણલાગે છે. પરંતુ હાલના સંજોગોમાં વિજ્ઞાન જગતમાં એડ વિન્ગરશોટ્સના સંશોધનો વધુ પ્રમાણભૂત મનાય છે. કારણ કે, તેઓ આંસુ માટે ન્યુરોલોજિકલ અને માણસની સમજશક્તિ એમ બંને પરિબળોને જવાબદાર માને છે. જેમ કે, સમજદાર માણસ મૃત્યુનો ભય, દુઃખ-દર્દ અને લાગણીઓ સમજી શકે છે, એટલે રડી શકે છે. કેટલીકવાર, ડુંગળી કાપતી વખતે પણ આંસુ આવે છે, પરંતુ આંસુને લાગણીઓ સાથે કોઈ લેવાદેવા નથી.

વિજ્ઞાન પણ માને છે કે, આંસુ લાગણીઓની માતા છે. કારણ કે, આંસુ લાગણીઓને જન્મ આપે છે. વળી, આંસુને સંસ્કૃતિ સાથે પણ ગાઢ સંબંધ છે. હજારો વર્ષોથી આંસુ દયા અને લાગણીના પ્રતીક રહ્યા છે. વિશ્વની અનેક સંસ્કૃતિઓમાં આંસુને હળવાશની લાગણી સાથે પણ જોડવામાં આવ્યું છે. સ્વજનનું મૃત્યુ થાય ત્યારે આપણે વડીલોને એવું કહેતા સાંભળીએ છીએ કે, રડી લેવા દે. ત્રણ શબ્દોનું રહસ્ય પણ છે. જીવનમાં દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક એકાંતમાં કે નજીકની વ્યક્તિ સામે રડીને હળવા થવાનો અનુભવ કર્યો હોય છે. જ્યારે સાધુ-યોગી-ભક્તોમાં આધ્યામિક દૃષ્ટિએ હળવા થવા માટે આંસુ સારવાની વૃત્તિ જોવા મળે છે અને મગજ પર કાબૂ રાખતા શીખી ગયેલા હોંશિયાર માણસેમગરના આંસુપણ શોધી લીધા છે.