22 July, 2015

બાહુબલી : પડદા પાછળની સર્જનગાથા


'બાહુબલી' ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શનના રેકોર્ડ સિવાય પણ ઘણી બધી રીતે અનોખી છે. રૂ. ૨૫૦ કરોડનું બજેટ ધરાવતી આ ફિલ્મ માટે રૂ. ૮૫ કરોડ તો ફક્ત  હાઈટેક કમ્પ્યુટર જનરેટેડ ઈમેજરી અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પાછળ જ વાપરવામાં આવ્યા છે. ફિલ્મમાં આશરે પાંચ હજાર કમ્પ્યુટર જનરેટેડ દૃશ્યો છે, જે કામ હોલિવૂડ બ્લોકબસ્ટર 'જુરાસિક વર્લ્ડ'ની ટીમે પાર પાડ્યું છે. આ પહેલાં પણ કેટલીક ફિલ્મોમાં આપણે આ ટેક્નોલોજીનો ઉપયોગ જોઈ ચૂક્યા છીએ પણ 'બાહુબલી' એ ફિલ્મો કરતા અલગ પડે છે. આ અલગ પડવાનું સૌથી મહત્ત્વનું કારણ છે ફિલ્મ માટે તૈયાર કરાયેલા સેટ. સિલ્વર સ્ક્રીન પર 'બાહુબલી'ની ભવ્યતા જોઈને આશ્ચર્યથી આંખો પહોળી થઈ જાય છે એનું સૌથી મહત્ત્વનું કારણ સ્પેશિયલ ઈફેક્ટ્સ અને સેટનું કિલર કોમ્બિનેશન છે.

હિસ્ટોરિકલ ફિક્શન, હિસ્ટોરિકલ ફેન્ટસી, હિસ્ટરી અને એક્શન જેવા વિવિધ જોનરમાં મૂકાયેલી 'બાહુબલી'માં એસ.એસ. રાજામૌલીએ ઐતિહાસિક કલ્પના, પૌરાણિક કથાઓ અને લોકવાર્તાઓમાં કલ્પનાના રંગ ઉમેરીને પડદા પર મહાકાવ્યનું સર્જન કર્યું છે. 'બાહુબલી'ના સર્જન પાછળની કથા પણ ફિલ્મની વાર્તાની જેમ જ ભારે રસપ્રદ છે. 'બાહુબલી'ની વાર્તા ઈસ ૫૦૦ની આસપાસ માહિષ્મતિ સામ્રાજ્યમાં આકાર લે છે. મહાભારત અને બૌદ્ધ ધર્મની કૃતિ 'દિઘા નિકાયા'માં પણ માહિષ્મતિ સામ્રાજ્યનો ઉલ્લેખ છે. માહિષ્મતિ દક્ષિણ ભારતના અવંતિ સામ્રાજ્યનું અત્યંત મહત્ત્વનું શહેર હતું, જે પાછળથી અનુપ સામ્રાજ્યની પણ રાજધાની બન્યું હતું. આ કાળની ફિલ્મ માટે એ વખતની સંસ્કૃતિ અને સ્થાપત્યને ધ્યાનમાં રાખીને સેટ તૈયાર કરવા પડે પણ 'બાહુબલી' કાલ્પનિક કથા હોવાથી રાજામૌલીએ સેટ ડિઝાઈનિંગમાં ભરપૂર છૂટછાટ લીધી છે. રાજામૌલીએ સેટ તૈયાર કરવાનું કામ આર્ટ ડિરેક્ટર સાબુ સિરિલને સોંપ્યું હતું પણ સેટને લગતા નાનામાં નાના કામમાં રાજામૌલીની ચોક્કસ ડિમાન્ડ રહેતી. ફિલ્મની ઓપનિંગ સિક્વન્સમાં જ બાહુબલી ૧૦૦ ફૂટ ઊંચા ધોધ નજીક ખડકો પર લટકે છે એ દૃશ્ય છે. ફિલ્મ શરૂ થાય ત્યારે જ દર્શકોના મનમાં બાહુબલીના પાત્રની શક્તિ અને માહિષ્મતિ સામ્રાજ્યની રાજાશાહી સંસ્કૃતિનો પ્રભાવ દર્શાવવા આ દૃશ્ય ખૂબ જ મહત્ત્વનું છે. સાબુ સિરિલ એક ઈન્ટરવ્યૂમાં કહે છે કે, ''રાજામૌલીએ આશરે ૧૦૦ ફૂટ ઊંચા ધોધના દૃશ્યનું વર્ણન કર્યું. પછી મને કમ્પ્યુટર ટેકનિકનો આઈડિયા આપ્યો. તેમણે કહ્યું કે, આ મારું વિઝન છે. મને નથી ખબર આ દૃશ્ય આપણે કેવી રીતે શૂટ કરીશું પણ આ દૃશ્ય ફિલ્મમાં જરૂર હશે.''

સાબુ સિરિલ

આ દૃશ્યમાં સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે, ધોધ અને ખડક કેટલો અસલી હોય તો દૃશ્ય વધારે વાસ્તવિક અને ભવ્ય લાગે? છેવટે આ દૃશ્ય એકદમ 'અસલી' લાગે એ માટે રાજામૌલીએ કેરળના ૮૨ ફૂટ ઊંચા અથિરાપિલ્લી ધોધનું શૂટિંગ કર્યું હતું. ત્યાર પછી સાબુ સિરિલે સેટ ડિઝાઈનિંગ અને કમ્પ્યુટર ટેકનિકની મદદથી બાકીનો ધોધ અને ખડકો તૈયાર કર્યા હતા, જેથી પડદા પરનો ધોધ વધુ ઊંચો અને ભવ્ય બનાવી શકાય! નકલી ધોધમાં પણ પાણીનો પ્રચંડ પ્રવાહ અનુભવી શકાય એ માટે પાંચ હાઈ પ્રેશર પંપનો ઉપયોગ કરાયો હતો. રસપ્રદ વાત એ છે કે, આ દૃશ્યમાં પાણી વેડફાઈ ના જાય એ માટે સેટ પર રિસાઈકલિંગ સિસ્ટમ પણ તૈયાર કરાઈ હતી. એવી જ રીતે, ધોધની બાજુમાં ખડકોની ઊંચાઈનું સંતુલન જાળવવા ફાયબરના નકલી ખડકો તૈયાર કરાયા હતા. આ દૃશ્યના શૂટિંગ માટે રામોજી ફિલ્મ સિટીમાં ધોધ અને ખડકોના આઠ ભાગ બનાવાયા હતા. આ આઠેય ભાગનું શૂટિંગ કરીને તેને અસલી ધોધ અને ખડકોના વિઝ્યુઅલ સાથે જોડી દેવાયા હતા. આમ, ધોધના દૃશ્યનું શૂટિંગ કરતા ૧૦૯ દિવસનો સમય લાગ્યો હતો. સ્પેશિયલ ઈફેક્ટ્સ અને સેટ પાછળ કરેલા ખર્ચને ધ્યાનમાં રાખીને 'બાહુબલી' ૧૬:૯ રેશિયોમાં શૂટ કરાઈ છે, જેથી ઉત્તમ ગુણવત્તાનું પિક્ચર મળી શકે.

ધોધ અને ખડકોના દૃશ્યની જેમ હિમ આચ્છાદિત ફૂલોની વેલીનું દૃશ્ય પણ એક મોટો પડકાર હતું. નવાઈની વાત તો એ છે કે, આ દૃશ્ય આઉટડોર શૂટિંગ કરીને નહીં પણ ઈન્ડોર ટેક્નિકથી તૈયાર કરાયું છે. એના માટે રાજામૌલીએ ચીનથી રૂ. ૬૦ લાખના નકલી ફૂલો મંગાવ્યા હતા. 'બાહુબલી' એક યુદ્ધ કથા હોવાથી પૌરાણિક કાળનો શસ્ત્ર-સરંજામ તૈયાર કરવો અને સાચવવો એ એક મોટો પડકાર હતો. જેમ કે, યુદ્ધના દૃશ્યો માટે દસ હજાર 'હેન્ડ મેડ' તલવારો તૈયાર કરાઈ હતી. આ તલવારો તૈયાર કરવા રામોજી ફિલ્મ સિટીમાં જ મેન્યુફેક્ચરિંગ યુનિટ ઊભું કરાયું હતું. યુદ્ધના દૃશ્યનું શૂટિંગ પૂરું થઈ જાય એ પછી તલવારો પાછી એક સુરક્ષિત રૂમમાં મૂકી દેવાતી હતી. આ ઉપરાંત મહેલ, મૂર્તિઓ, મુગટો, બખ્તરો, પહેરવેશ, રથ અને અન્ય શસ્ત્રસરંજામમાં ઈસ ૫૦૦ની આસપાસ અસ્તિત્વ ધરાવતા માહિષ્મતિ સામ્રાજ્યની છાંટ દેખાવી જરૂરી હતી. આ માટે સાબુ સિરિલે મહારાષ્ટ્રની અજન્ટા ઈલોરાની ગુફાઓ અને તમિલનાડુની મહાબલિપુરમની ગુફાઓમાંથી પ્રેરણા લીધી છે.  ફિલ્મના સેટ પર પથ્થરના મહાકાય સ્ટ્રક્ચરમાં કોતરણી ઓછી હોવાનું કારણ તેનું મહાકાય કદ છે. જોકે, જે કોઈ થોડી ઘણી કોતરણી છે તે ગૂઢ અને જટિલ છે એનું કારણ અજન્ટાની બૌદ્ધ, ઈલોરાની હિંદુ-બૌદ્ધ-જૈન તેમજ મહાબલિપુરમના શિવ મંદિરો એમ વિવિધ સ્થળેથી લીધેલી પ્રેરણા છે. વળી, તેમાં રાજામૌલી અને સાબુ સિરિલે ગ્રીક સામ્રાજ્ય અને 'રામોજી સ્ટાઈલ' ફેન્ટસી પણ ઉમેરી છે.

પાંચમીથી દસમી સદી દરમિયાન ભારતમાં સ્હેજ છીંકણી ઝાંય ધરાવતા પથ્થરના મહાકાય સ્થાપત્યોની બોલબાલા હતી. આ કારણોસર માહિષ્મતિ સામ્રાજ્યની વાર્તા કહેતી ફિલ્મની કલર સ્કીમ પણ રેડ કે ગોલ્ડ નહીં પણ વૉર્મ અને છીંકણી શેડની પસંદ કરાઈ છે. આ પ્રકારની ફિલ્મો માટે મોટા ભાગે ગોલ્ડ કલર સ્કીમ પસંદ કરાઈ છે. જોકે, કલર સ્કીમની પ્રેરણા તમિલનાડુના તાંજોરના મંદિરોમાંથી લેવાઈ છે. બીજા સામ્રાજ્યોની સરખામણીમાં ચડિયાતું દેખાવા અને ધાક ઊભી કરવા પથ્થરના સ્ટ્રક્ચરમાં દેખાતી ભવ્યતાનો આધાર ગ્રીક અને રોમન સામ્રાજ્યમાંથી લેવાયો છે. આ માટે સાબુ સિરિલે ગ્રેનાઈટ અને ધાતુની પટ્ટીઓથી ડિઝાઈન તૈયાર કરી છે. સિંહાસનો, શસ્ત્રો અને કવચમાં દેખાતું સીધુસાદું મેટલ વર્ક પણ મજબૂતાઈ દર્શાવવા માટે કરાયું છે. પ્રભાસ (બાહુબલી) અને રાણા દગ્ગુબાટી (ભલ્લાલા દેવ)ના વ્યક્તિત્વને અનુરુપ તેમના મુગટ પણ જુદા જુદા છે. ભવ્ય મુગટો અને રાજવી પહેરવેશમાં 'વજન' ઉમેરવા પ્રભાસ અને રાણા દગ્ગુબાટીને પણ ૧૦૦ કિલો જેટલું વજન કરવાનો અને શરીરને યોગ્ય શેપમાં રાખવાનો હુકમ કરાયો હતો. જોકે, બંનેની ઊંચાઈ છ ફૂટથી વધુ અને વજન ૯૦ કિલો જેટલું હોવાથી તેમણે દસ કિલો વજન વધારવું પડ્યું હતું. જોકે, વજન વધ્યા પછીયે શરીર યોગ્ય શેપમાં રાખવા બંનેએ આકરું ડાયેટ ફોલો કરવું પડ્યું હતું. આ માટે બંને કલાકારોએ શૂટિંગના મહિનાઓ પહેલા રોજેરોજ પાંચ વાર નક્કી કરેલું નોન-વેજ ભોજન લેવાનું શરૂ કર્યું હતું કારણ કે, પાત્રની માગ પ્રમાણે યોગ્ય શેપમાં આવવા તેમણે રોજની ત્રણથી ચાર હજાર કેલરી લેવી જરૂરી હતી. કલાકારોને યુદ્ધ કૌશલ્ય, તલવારબાજી અને હાથોહાથની લડાઈના દાવપેચ શીખવવા વિયેતનામના માર્શલ આર્ટિસ્ટની મદદ લેવાઈ હતી.

'બાહુબલી'નું મોટા ભાગનું શુટિંગ હૈદરાબાદ-તેલંગાણામાં ૧,૬૬૬ એકરમાં પથરાયેલા વિશ્વના સૌથી મોટા ફિલ્મ કોમ્પ્લેક્સ રામોજી ફિલ્મ સિટીમાં થયું છે. રામોજી ફિલ્મ સિટી પર ઊભા કરાયેલા એક પણ સેટમાં ખામી ના રહી જાય એ માટે સાત કોન્સેપ્ટ આર્ટિસ્ટને કામ સોંપાયું હતું. ફિલ્મનું શૂટિંગ ફૂલ ફ્લેજ્ડમાં ચાલી રહ્યું હતું ત્યારે એક પણ દિવસ એવો ન હતો કે જ્યારે ફિલ્મના ઓછામાં ઓછા એક સેટ પર ૨૦૦થી ઓછા કારીગરો કામ ના કરતા હોય! આ તમામ કામ સાબુ સિરિલની સીધી દેખરેખ હેઠળ થતું હતું. સાબુ મુંબઈવાસી છે પણ ત્રણ વર્ષ પહેલાં આ ફિલ્મ માટે હૈદરાબાદની એક હોટેલમાં રહેવા જતા રહ્યા હતા. હોટેલમાં સતત સાત મહિના કામ કર્યા પછી તેમને એપાર્ટમેન્ટમાં મૂવ થવાનો સમય મળ્યો હતો. 'બાહુબલી'ના સેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા તેમણે વર્ષ ૨૦૧૨ પછી 'લિંગા' સિવાય એક પણ ફિલ્મમાં કામ નથી કર્યું. 'બાહુબલી' ભારતીય સિનેમાની પહેલી ફિલ્મ છે, જેના સેટનું મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે.

'બાહુબલી'ના બીજા ભાગના આર્ટ ડિરેક્શનનું કામ સાબુ સિરિલ સપ્ટેમ્બરથી શરૂ કરવાના છે. આ ફિલ્મની વાર્તા સાથે મતભેદ હોઈ શકે છે પણ સાબુ સિરિલનું આર્ટ ડિરેક્શન હોલિવૂડની બરાબરી કરી શકે એવું છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

ચાર નેશનલ એવોર્ડ વિનર 

સાબુ સિરિલે અત્યાર સુધી ૨૩ મલયાલમ, ૪૭ હિન્દી, ૧૪ તમિલ, ત્રણ તેલુગુ અને એક કન્નડ ફિલ્મમાં આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. 'ગરદીશ', 'વિરાસત', 'સાત રંગ કે સપને', 'હે રામ', 'હેરાફેરી', 'અશોકા', 'યુવા', 'ગુરુ', 'ઓમ શાંતિ ઓમ', 'રોબોટ' 'તિસ માર ખાં', 'રા-વન', 'સન ઓફ સરદાર' અને 'ક્રિશ-૩' સહિતની અનેક ફિલ્મોના સેટ સાબુ સિરિલે ડિઝાઈન કર્યા હતા. બે મલયાલમ, એક હિન્દી (ઓમ શાંતિ ઓમ) અને એક તમિલ એક ચાર ફિલ્મો માટે તેઓ બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનર તરીકેના નેશનલ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. આ સિવાય બેસ્ટ આર્ટ ડિરેક્શનના પાંચ ફિલ્મફેર અને બીજા પણ અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ તેમના નામે બોલે છે.

15 July, 2015

સંજય ગાંધીની બાયોપિકઃ મંજિલ બહોત દૂર હૈ...


ભારતમાં દર વર્ષે સરેરાશ ૭૦૦ ફિલ્મો બનતી હોવા છતાં ફિલ્મની વાર્તા અને પટકથામાં વૈવિધ્યતાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. વિશ્વના કોઈ દેશમાં ભારતમાં બને છે એટલી ફિલ્મો બનતી નથી એ વાત સાચી પણ આપણી નેવું ટકાથી પણ વધુ ફિલ્મોની ગુણવત્તાનો પારો કંગાળજનક રીતે નીચો હોય છે. ભારતીય ફિલ્મોની વાર્તા-પટકથા પણ બીબાંઢાળ હોય છે. જેમ કે, ભારતમાં રોમાન્સ, એક્શન, ક્રાઈમ કે કોમેડી જોનરની ફિલ્મો વધારે બને છે અને એ બધીની વાર્તા 'લગભગ એકસરખી' હોય છે. જોકે છેલ્લાં ઘણાં સમયથી નવા જોનરની ફિલ્મો આવી રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યા છે. આવો જ એક પ્રકાર છે, બાયોપિકનો. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ નેવુંના દાયકાથી ઢગલાબંધ બાયોપિક બની છે અને દર્શકોએ તેને પસંદ પણ કરી છે.

હવે જાણીતા ફિલ્મ ડિરેક્ટર હંસલ મહેતાએ સંજય ગાંધીની બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે. સંજય ગાંધીના જીવનકવન પરથી બની રહેલી ફિલ્મને પબ્લિસિટીનો ખર્ચ કર્યા વિના પબ્લિસિટી ના મળે તો જ નવાઈ. આ ફિલ્મની જાહેરાત થતાં જ તેની ભરપૂર ચર્ચા થઈ રહી છે જેના અનેક કારણો છે. સંજય ગાંધી ભારતીય રાજકારણના સૌથી વિવાદાસ્પદ નેતાઓમાંના એક છે અને ગાંધી પરિવારના ફરજંદ છે. સંજય ગાંધીની બાયોપિકની દૃષ્ટિએ વિચારીએ તો સંજય ગાંધી નહેરુના દોહિત્ર (પુત્રીનો દીકરો) છે એના કરતા પણ વધારે વજનદાર વાત એ છે કે, તેઓ ઈન્દિરા ગાંધીના પુત્ર છે. ઈન્દિરા ગાંધી કટોકટીના કલંકિત ઈતિહાસના 'સ્ટાર' છે, તો તેમના પુત્ર સંજય ગાંધી 'સુપર સ્ટાર' છે. એવું કહેવાય છે કે, જેમનાથી ભલભલા ગભરાતા હતા એવા 'મર્દ' વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી પણ પુત્ર સંજય ગાંધીના કાબૂમાં હતા. કટોકટીકાળમાં 'વોશિંગ્ટન પોસ્ટ'ના પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા પત્રકાર લુઈસ એમ. સિમોન્સે એક ન્યૂઝ સ્ટોરીમાં દાવો કર્યો હતો કે, કટોકટી લાદવામાં આવી એ પહેલાં એક પ્રાઈવેટ ડિનર પાર્ટીમાં સંજય ગાંધીએ ઈન્દિરા ગાંધીને છ લાફા માર્યા હતા. માતા વડાપ્રધાન હતા ત્યારે સંજય ગાંધીએ કોંગ્રેસના કેટલાક લુચ્ચા નેતાઓની મંડળી ઊભી કરીને 'સમાંતર સરકાર' ઊભી કરી દીધી હતી. મોટા ભાગે સફેદ કુર્તા પાયજામામાં સજ્જ સંજય ગાંધી તેમના જમાનાના 'રંગીન' નેતા તરીકેની પણ છાપ ધરાવતા હતા. ભારતના રાજકીય ઈતિહાસમાં કટોકટી ભલે 'કલંક’ હોય પણ એ વખતે અનેક લોકો સંજય ગાંધીને સન્માનની લાગણીથી 'એન્ગ્રી યંગ મેન' કહીને બિરદાવતા હતા. કટોકટીના તરફદારોનું માનવું હતું કે, ભારતીય લોકશાહીને સંજય ગાંધી જેવા નેતાની જ જરૂર છે.

સંજય ગાંધી અને ઈન્દિરા ગાંધી


આમ કોઈ પણ બાયોપિકને સફળ થવા માટે જે કોઈ મરીમસાલો જોઈએ એ સંજય ગાંધીના જીવનમાં ઠાંસી ઠાંસીને ભર્યો છે. વળી, સંજય ગાંધીની બાયોપિક બનાવવાની જાહેરાત 'શાહિદ' જેવી ઉત્તમ ફિલ્મ બનાવનારા ફિલ્મ દિગ્દર્શક હંસલ મહેતાએ કરી છે. આ ફિલ્મ માટે તેમને બેસ્ટ ડિરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. સંજય ગાંધીની સંભવિત બાયોપિકનું બીજું એક મજબૂત પાસું એ છે કે, આ ફિલ્મ સ્વર્ગસ્થ પત્રકાર વિનોદ મહેતાના લખાણો અને તેમણે જ લખેલી સ્ક્રિપ્ટના આધારે બનવાની છે. સંજય ગાંધીનું જીવનકવન જોતાં એવું લાગે છે કે, બસ હવે આ વાર્તાને સ્ક્રીન પ્લે કરવાની જ જરૂર છે.

જોકે, સંજય ગાંધીની બાયોપિકની જાહેરાત થઈ ત્યારે સૌથી મહત્ત્વના પ્રશ્નો એ છે કે, શું ભારતમાં સંજય ગાંધીની બાયોપિક બનાવવી શક્ય છે? અને આ ફિલ્મ બન્યા પછી ભારતમાં તેની રિલીઝ શક્ય છે? આ પહેલાં ફિલ્મ ડિરેક્ટર મનીષ ગુપ્તાએ પણ વિદ્યા બાલનને લઈને ઈન્દિરા ગાંધીની બાયોપિક બનાવવાનું આયોજન કર્યું હતું. એવું કહેવાય છે કે, ગાંધી પરિવારે કેટલીક શરતો સાથે આ ફિલ્મ બનાવવાની 'મંજૂરી' આપી દીધી છે. આવી શરતી મંજૂરી મળ્યા પછી તટસ્થ ફિલ્મ બનાવવી અઘરી હોય છે. આ પહેલાં રામગોપાલ વર્માએ 'સરકાર' ફિલ્મ રિલીઝ કરતા પહેલાં બાળ ઠાકરેને બતાવવી પડી હતી. સદ્નસીબે તેમણે કોઈ કાપકૂપ વિના આ ફિલ્મ રિલીઝ કરવાની મંજૂરી આપી હતી. સંજય ગાંધીની બાયોપિકનો મામલો આટલો સહેલાઈથી પાર પડે એવી શક્યતા નહીંવત છે. સંજય ગાંધીની લાઈફ સ્ટાઈલ અને રાજકીય તાણાવાણા એટલા બધા વિવાદાસ્પદ અને ગૂઢ છે કે, તેમના કરતા ઈન્દિરા ગાંધીની બાયોપિક બનાવવી પ્રમાણમાં સરળ છે. સંજય ગાંધીના પત્ની મેનકા ગાંધી નરેન્દ્ર મોદીની સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે, જ્યારે તેમના પુત્ર ઉત્તરપ્રદેશના સુલતાનપુર મતવિસ્તારમાં ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા સાંસદ છે. આ પ્રકારના રાજકીય જોડાણોથી ફિલ્મની વાર્તા પ્રભાવિત ના થાય એ અશક્ય છે.

ભારતીયો તેમના નેતાઓને દેવદૂતનું સ્થાન આપે છે અથવા તો તેમને રાક્ષસ સમજે છે અને એટલે જ ભારતમાં રાજકીય હસ્તીની બાયોપિક બનાવવી ખૂબ અઘરી છે. રાજકીય પક્ષો પણ પોતાના નેતા માણસ છે અને ભૂલ માણસ જ કરી શકે એવું સ્વીકારી શકતા નથી. ફિલ્મ બનાવવાની જાહેરાત થાય ત્યારે 'મંજૂરી' ના લીધી હોય તો જે તે હસ્તીના પરિવારજનો ફિલ્મ દિગ્દર્શક અને કલાકારો સહિતના લોકોને અદાલતોમાં ઢસડી જાય એવી પૂરેપૂરી શક્યતા હોય છે. સિનેમાઘરોને રિલીઝ બદલ તોડફોડની ધમકીઓ મળે છે. જો ફિલ્મ રિલીઝ થઈ જાય પણ રાજકીય પક્ષોને વાંધો હોય તો ફિલ્મ જોવા સિનેમાઘરોમાં જવું જોખમી થઈ જાય છે કારણ કે, લોકપ્રિય નેતાનું અપમાન કરવા બદલ રાજકીય પક્ષોના કાર્યકરો ટોળાશાહી પર ઉતરી આવે છે. આ સંજોગોમાં રાજકીય વ્યક્તિના જીવન પરથી 'સારી' ફિલ્મ બનાવીને તેને રિલીઝ કરવામાં સાત કોઠા ભેદવા જેવો ઘાટ સર્જાય છે. ‘લાઈફ ઈન અ મેટ્રો’ અને ‘બરફી’ જેવી સુંદર ફિલ્મો બનાવનારા અનુરાગ બાસુ છેલ્લાં બે વર્ષથી કિશોર કુમારની બાયોપિકનું શૂટિંગ શરૂ થાય એની રાહ જોઈ રહ્યા છે. કિશોર કુમારના પરિવારજનોને પણ આ ફિલ્મ સામે વાંધો હતો. જોકે, તેમને તો બાસુએ મનાવી લીધા છે પણ હવે કિશોર કુમારના પરિવારજનોને ફિલ્મ પસંદ પડે એવી રીતે તેની સ્ક્રીપ્ટ પર કામ કરવું અઘરું થઈ ગયું છે. જો કિશોર કુમાર જેવા 'સીધાસાદા અને ફિલ્મી' વ્યક્તિ પર ફિલ્મ બનાવવી અઘરી હોય તો રાજકીય હસ્તી પર ફિલ્મ બનાવવી કેટલી અઘરી હોય એ સમજી શકાય એમ છે.

આ પહેલાં ફિલ્મ દિગ્દર્શક જબ્બાર પટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા પ્રમાણમાં 'અઘરા' કહી શકાય એવા વિષય પર ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં ગાંધીના પાત્રને લઈને વિવાદ થવો સ્વાભાવિક હતો. આ અંગે પટેલે કહ્યું હતું કે, “મેં આંબેડકર પર ફિલ્મ બનાવી છે. ગાંધી કે મહાત્મા પર નહીં. તેઓ દરેક કામ પોતાની રીતે કરતા હતા અને આંબેડકર એવું નહોતા કરતા. આપણે આ મુદ્દે સ્વસ્થ ચર્ચા કરવી જોઈએ...”  જોકે, આપણે દરેક રાજકીય વ્યક્તિત્વોનું સ્વતંત્ર મૂલ્યાંકન નથી કરી શકતા અને એટલે જ કદાચ ‘સાચા ઈતિહાસ’થી પણ મહદ્અંશે અજાણ રહી ગયા છીએ. શ્યામ બેનેગલ જેવા ધુરંધર ફિલ્મ દિગ્દર્શકે ‘નેતાજી સુભાષચંદ્ર બોઝઃ ધ ફોરગોટન હીરો’ ફિલ્મમાં નેતાજીનું વર્ષ ૧૯૪૫માં પ્લેન ક્રેશમાં અવસાન થયું હતું (કે નહોતું થયું) એ વિવાદથી જ દૂર રહેવાનું પસંદ કર્યું હતું. આ ફિલ્મ સાવચેતીપૂર્વક બનાવાઈ હોવા છતાં કેટલાક સંશોધકોએ ફિલ્મ સામે અદાલતમાં કેસ કર્યો છે કારણ કે, ફિલ્મમાં નેતાજીને ઓસ્ટ્રિયન યુવતી એમિલી શેન્કલ સાથે પરણ્યા હોવાનું બતાવાયું છે. સંશોધકોનો દાવો છે કે, નેતાજીએ તેમની સેક્રેટરી એમિલી સાથે લગ્ન નહોતા કર્યા એના અમારી પાસે પુરાવા છે. આમ, ઐતિહાસિક તથ્યોના મતભેદોના કારણે પણ બાયોપિક બનાવવામાં વિવાદોને આમંત્રણ મળે છે.

આવા કારણોસર જ આપણે ત્યાં અત્યાર સુધી આંગળીના વેઢે ગણી શકાય એટલી બાયોપિક બની છે. છેક વર્ષ ૧૯૩૩માં પુરન ભગત’, ૧૯૩૬માં સંત તુકારામઅને ૧૯૪૬માં ડૉ. કોટનીસ કી અમર કહાનીજેવી બાયોપિક બની હતી. ભારતમાં સંતોના જીવન પરથી ફિલ્મ બનાવવી સરળ છે અને આર્થિક રીતે પણ ફાયદાકારક છે કારણ કે, એમાં જે તે વ્યક્તિની ‘આરતી’ ઉતારવાની હોય છે અને ધર્મભીરુ દર્શકોની પણ કોઈ કમી નથી હોતી. ખેર, આવી કેટલીક ફિલ્મો પછી વર્ષ ૧૯૬૫માં ભગતસિંહના જીવન પર આધારિત મનોજકુમાર અભિનિત શહીદઆવી. વર્ષ ૧૯૮૨માં બહુચર્ચિત ગાંધી રિલીઝ થઈ અને ત્યાર પછી અનેક વર્ષો સુધી બાયોપિકનો લગભગ શૂન્યાવકાશ સર્જાયો. જોકે, નેવુંના દાયકાથી ફરી એકવાર બાયોપિક બનવાનો દોર શરૂ થયો અને વર્ષ ૧૯૯૩માં સરદારઅને ૧૯૪૪માં બેન્ડિટ ક્વિનજેવી ઉત્તમ બાયોપિક આપણને માણવા મળી. એ પછી ઝુબૈદા (ઝુબૈદા બેગમ), વીર સાવરકર, ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ, મંગલ પાંડે : ધ રાઈઝિંગ, ગુરુ (ધીરુભાઈ અંબાણી), રંગરસિયા (રાજા રવિ વર્મા), જોધા અકબર, ડર્ટી પિક્ચર (સિલ્ક સ્મિતા), શાહીદ (શાહીદ આઝમી), પાન સિંઘ તોમર, ભાગ મિલ્ખા ભાગ અને મેરી કોમ જેવી અનેક બાયોપિક આવી. ટૂંક સમયમાં આમિરખાનની દંગલ’ અને સોનમ કપૂરની નીરજા ભનોતએમ બે બાયોપિક પણ આવી રહી છે.

જો ભારતીય દર્શકોએ રાજકીય હસ્તીઓની ઉત્તમ બાયોપિક માણવી હશે તો બાયોપિક અને પૌરાણિકફિલ્મો વચ્ચેનો ભેદ સમજવો પડશે કારણ કે, બાયોપિકમાં રાજકીય વ્યક્તિત્વોને ‘સંત’ તરીકે ચીતરી ના શકાય. જો એવું કરવામાં આવે તો એ ફિલ્મ નહીં ‘આરતી’ થઈ જાય એવી સીધીસાદી સમજ ભારતીય દર્શકોએ કેળવવી પડશે. 

09 July, 2015

૬૬૯ બાળકોના 'પિતા'ને હૃદયાંજલિ


આ દુનિયામાં રોજેરોજ કેટલાક સારા કર્મો થાય છે અને કેટલાક ખરાબ. જોકે, નાનામાં નાના સારા કર્મની અસર ખરાબ કર્મ કરતા અનેકગણી વધારે શક્તિશાળી હોય છે. એક નાનકડું સારું કર્મ ક્યારે 'મહાનતા'માં ખપી જશે એ કહી શકાતું નથી. આ વાતનું સૌથી ઉત્તમ ઉદાહરણ કોઈ હોય તો તે છે, સર નિકોલસ વિન્ટન. નિકોલસના જીવનમાં પણ એક એવી ક્ષણ આવી હતી જ્યારે તેમણે નૈતિક હિંમત દાખવીને અઘરો અથવા તો સામેથી મુશ્કેલીઓને આમંત્રણ નહીં આપીને સુરક્ષિત રસ્તો અપનાવવાનો હતો. જોકે, તેમણે અઘરો રસ્તો પસંદ કરીને મધ્ય યુરોપના ઝેકોસ્લોવેકિયા દેશમાં ફસાયેલા ૬૬૯ યહૂદી બાળકોને નાઝી કેમ્પમાં કમોતે મરતા બચાવ્યા હતા. નિકોલસે બાળકોને બચાવવા શું કર્યું હતું એ ઈતિહાસ કલ્પના કરતા પણ વધારે રોચક છે. આ બાળકો આજે ૭૦થી ૮૦ વર્ષની ઉંમરના થઈ ગયા છે, જે આજે પણ 'વિન્ટન્સ ચિલ્ડ્રન્સ' તરીકે ઓળખાય છે. આ યહૂદી બાળકોની બે-ત્રણ પેઢી પણ લગ્ન કરીને ઠરીઠામ થઈ ગઈ છે અને તેમના વંશજોની સંખ્યા છ હજારને પાર થઈ ગઈ છે. નાઝી યુગમાં જબરદસ્ત શૂરવીરતા દાખવનારા સર નિકોલસ વિન્ટનનું પહેલી જુલાઈ, ૨૦૧૫ના રોજ ૧૦૬ વર્ષની વયે અવસાન થયું છે.

નૈતિકતાની કસોટી કરતો નિર્ણય

વર્ષ ૧૯૩૮માં દ્વિતિય વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે નિકોલસ વિન્ટન લંડન સ્ટોક એક્સચેન્જમાં ક્લાર્ક હતા. એ વખતે ઝેકોસ્લોવેકિયામાં શિક્ષક તરીકે નોકરી કરતા નિકોલસના ખાસ મિત્ર માર્ટિન બ્લેકે તેમને સ્કિઈંગ વેકેશન પર આવવાનું આમંત્રણ આપ્યું હતું. નિકોલસે ખુશ થઈને આ આમંત્રણ સ્વીકારી લીધું હતું પણ આ દરમિયાન માર્ટિને નિકોલસને ફોન કરીને કહ્યું કે, ''હવે હું સ્કિઈંગ કરવા નહીં પણ પ્રાગ (એ વખતે ઝેકોસ્લોવેકિયાની અને અત્યારે ઝેક રિપબ્લિકની રાજધાની) જઈ રહ્યો છું અને તારે પણ મારી સાથે આવવું જોઈએ.'' માર્ટિન પ્રાગ જઈને યહૂદીઓને બચાવવાના કામમાં જોડાવવા માગતા હતા કારણ કે, હિટલરના નાઝી લશ્કરે યહૂદીઓની સામૂહિક કત્લેઆમ કરવા તેમને શોધી શોધીને બંદી બનાવવાનું શરૂ કરી દીધું હતું. હવે નિકોલસે નિર્ણય કરવાનો હતો કે, સ્કિઇંગ કરવાના વિચારો પડતા મૂકીને માર્ટિન સાથે યહૂદીઓની મદદે જવું કે પછી લંડન સ્ટોક એક્સચેન્જમાં બેસીને શેરબજારના ઈન્ડેક્સની ચિંતા કરવી? જોકે, નિકોલસ માર્ટિન સાથે પ્રાગ જવાનો નિર્ણય કરે છે અને એ વખતે તેમની ઉંમર હોય છે, ૨૯ વર્ષ.


નાઈટહૂડના ખિતાબ સાથે નિકોલસ વિન્ટન 

નિકોલસ ઝેકોસ્લોકેવિયા પહોંચીને ત્યાંની સ્થિતિ જોતા દંગ રહી ગયા હતા. જે યહૂદીઓ નાઝી લશ્કરના હાથમાં નહોતા આવ્યા તેઓ કોઈ પણ ભોગે ઝેકોસ્લોવેકિયા છોડીને સુરક્ષિત સ્થળે જવા માગતા હતા. જર્મનીના ક્રિસ્ટલ નાઈટ શહેરમાં નવ અને દસ જાન્યુઆરી, ૧૯૩૮ના રોજ હિટલરના લશ્કરે યહૂદીઓની સામૂહિક કત્લેઆમ શરૂ કરી દીધી હતી. આ ઘટનાએ ભયાનક ખૌફનો માહોલ સર્જ્યો હતો. મોતનો ભયાનક ડર, લાચારી અને અવ્યવસ્થાની સ્થિતિમાં હજારો યહૂદી પરિવારો ઘરવિહોણાં થઈને વિખરાઈ ગયા હતા. નાઝી લશ્કરે હજારો યહૂદીઓને ઝડપી લીધા હતા અને તેથી અનેક બાળકો અનાથ થઈ ગયા હતા.

બાળકો બચાવવા શરૂ કર્યું 'મેનેજમેન્ટ'

હિટલરનું લશ્કર યહૂદીઓની કત્લેઆમ કરી રહ્યું હતું ત્યારે બ્રિટન સિવાયના યુરોપના મોટા ભાગના દેશોએ યહૂદીઓ માટેની ઈમિગ્રેશન પ્રક્રિયા કડક બનાવી દીધી હતી. આ દરમિયાન બ્રિટન સહિતના યહૂદી અને બિન-યહૂદી જૂથોએ યહૂદી બાળકોને બચાવવા 'મૂવમેન્ટ ફોર ધ કેર ઓફ ચિલ્ડ્રન ફ્રોમ જર્મની' નામનું સંગઠન સ્થાપ્યું હતું. આ સંગઠનની ઉગ્ર રજૂઆતોને પગલે બ્રિટને યહૂદી શરણાર્થીઓની ઈમિગ્રેશન પ્રક્રિયા અત્યંત ઝડપી કરવાની ખાતરી આપી હતી. આ જૂથના પ્રયાસોથી જ બ્રિટનમાં કિન્ડરસ્પોર્ટ્સ પ્રોગ્રામ શરૂ થયો હતો. દ્વિતિય વિશ્વયુદ્ધના નવેક મહિના પહેલાં જર્મની, ઓસ્ટ્રિયા, ઝેકોસ્લોવેકિયા, પોલેન્ડ અને દાનઝિમાં ફસાયેલા યહૂદી બાળકોને સલામત રીતે બ્રિટન પહોંચાડવા શરૂ કરાયેલી યોજના કિન્ડસ્પોર્ટ્સ તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ યહૂદી બાળકો બ્રિટનમાં યજમાન પરિવારોને સોંપાતા હતા. જે બાળકોને હંગામી ધોરણે પણ કોઈ પરિવાર ના મળે તેમને હોટેલો, સ્કૂલો, હોસ્ટેલો અને ખેતરોમાં શરણાર્થી કેમ્પ ઊભા કરીને રખાતા હતા. આ યોજના હેઠળ ૧૭ વર્ષથી મોટા બાળકને બ્રિટન લાવવામાં આવે ત્યારે ૫૦ પાઉન્ડનો બોન્ડ કરવો ફરજિયાત હતો, જેનો હેતુ યહૂદી બાળકો ખતરો ટળ્યા પછી 'વતન'માં પાછા જતા રહે એ હતો.



ઝેકોસ્લોવેકિયામાંથી બચાવેલી એક બાળકી સાથે નિકોલસ વિન્ટન

યહૂદીઓને બચાવવાનું કામ શરૂ કર્યું ત્યારે નિકોલસે અનુભવ્યું કે, જેમને પકડીને બંદી બનાવવા સૌથી સહેલા છે એવા હજારો બાળકોનું તો કોઈ રણીધણી જ નથી. આ કારણોસર તેણે બાળકો માટે કંઈક કરવાનું વિચાર્યું. ઝેકોસ્લોવેકિયામાં જે બાળકો પર જીવનું સૌથી વધારે જોખમ હતું એવા પાંચેક હજાર બાળકોની તેણે એકલા હાથે માહિતી એકત્રિત કરી. નિકોલસના કામકાજની નાઝી અધિકારીઓને ગંધ આવી ત્યારે તેણે ખિસ્સાખર્ચીમાંથી લાંચ આપીને પતાવટ કરી. આ કામમાં અંશતઃ સફળતા મળ્યા પછી વધુ ચુસ્ત કામ કરવા નિકોલસે એકલા હાથે શરણાર્થી સંસ્થા ચાલુ કરી, જેમાં તેણે સતત નવ મહિના રાત-દિવસ કામ કર્યું. આ માટે નિકોલસે પ્રાગ અને લંડન વચ્ચે પણ રઝળપાટ કરવી પડી.

બાળકોને પ્રાગથી લંડન મોકલવા ટ્રેનો કરાઈ

નિકોલસ પ્રાગની એક હોટેલમાં રોકાઈને આ બધું કામ કરતા હતા. હોટેલના રૂમમાં રહીને નાઝીઓના નરસંહાર કાર્યક્રમની વિરુદ્ધમાં કામ કરવું જોખમી હતું. આ કારણોસર તેણે પ્રાગમાં સ્વખર્ચે એક ઓફિસ શરૂ કરી. નિકોલસે પ્રાગ અને લંડન વચ્ચે ધક્કા ખાઈને મહિનાઓ પછી કિન્ડરસ્પોર્ટ્સ પ્રોગ્રામ માટે ૯૦૦ બાળકોના દસ્તાવેજો તૈયાર કર્યા. હવે નિકોલસ માટે સૌથી મોટી મુશ્કેલી લંડનનું સરકારી તંત્ર હતું કારણ કે, ૯૦૦ બાળકોને પ્રાગથી લંડન લઈ જવા નવ મહિનામાં ઓછામાં ઓછી આઠ ટ્રેનોની જરૂર હતી. બ્રિટનમાં દરેક બાળક માટે યજમાન પરિવાર અને શરણાર્થી કેમ્પની મંજૂરી લેવામાં સરકારી ટેબલો પર બહુ વાર લાગતી હતી. વળી, નિકોલસ પાસે અનેક બાળકોના પૂરતા દસ્તાવેજો પણ ન હતા. આ કામ પતાવવા તેઓ લંડન ગયા, જ્યાં યજમાન પરિવારો શોધવામાં નિકોલસને તેની માતાનો પણ ભરપૂર સાથ આપ્યો હતો.


કિન્ડરસ્પોર્ટ્સ પ્રોગ્રામની ઉજવણી  નિમિત્તે દોડાવાયેલી ખાસ ‘વિન્ટન્સ ટ્રેન’

લંડનમાં યહૂદી બાળકોને રાખવા તૈયાર થનારા પરિવારોમાં યહૂદી જ નહીં બિન-યહૂદી પણ હતા. આ મામલે નિકોલસને બ્રિટનના યહૂદી રાજકારણીઓ સાથે તકરાર થઈ રહી હતી. લંડન પહોંચનારા તમામ બાળકોના ૫૦ પાઉન્ડની જામીનગીરી પણ નિકોલસ ભરતો હતો. અનેક બાળકોને પ્રાગથી લંડન જવાનું ભાડું ચૂકવવા તેણે ફાળો ઉઘરાવવો પડતો હતો કારણ કે, કેટલાક બાળકો અનાથ હતા તો કેટલાક યહૂદી માતા-પિતા પાસે કાણી પાઈ પણ ન હતી. આ બધી જ મુશ્કેલીઓને પાર કરીને નિકોલસે પ્રાગથી વાયા હોલેન્ડ થઈને લંડન જતી એક ટ્રેનમાં કેટલાક બાળકોને મોકલવાની ગોઠવણ કરી. જોકે, હોલેન્ડ સરકાર 'વિવાદ'માં પડવા માંગતી ન હોવાથી પોતાની ટેરિટરીમાંથી યહૂદીઓને લઈ જતી ટ્રેનને મંજૂરી ના આપી. છેવટે ડચ અધિકારીઓએ લંડન જતી ટ્રેનને વાયા જર્મની મોકલી. જોકે, સદ્નનસીબે બાળકો બચી ગયા. બાદમાં નિકોલસે ડચ અધિકારીઓને સફળતાપૂર્વક સમજાવી લીધા કે, ભવિષ્યમાં બાળકોના જીવ ખાતર તેઓ આવું નહીં કરે.

આવી મુશ્કેલીઓ વચ્ચે  ચોથી માર્ચ, ૧૯૩૯ના રોજ બાળકોને લઈને પહેલી ટ્રેન રવાના થઈ. એના એક જ દિવસ પછી નાઝી લશ્કરે આખું ઝેકોસ્લોવેકિયા ધમરોળી નાંખ્યું. આ સ્થિતિમાં પણ નિકોલસે ઠંડે કલેજે આયોજન કલેજે આયોજન કરીને ઓગસ્ટ સુધીમાં બીજી સાત ટ્રેનમાં અનેક યહૂદી બાળકોને પ્રાગથી લંડન મોકલી દીધા હતા. હવે, ૨૫૦ બાળકો સાથેની નવમી ટ્રેન ત્રીજી સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ લંડન જવાની હતી. આ પહેલાં એકેય ટ્રેનમાં આટલા બધા બાળકો ન હતા. જોકે, પ્રાગ રેલવે સ્ટેશનેથી આ ટ્રેન ઉપડી જ નહીં કારણ કે, કિન્ડરસ્પોર્ટ્‌સ પ્રોગ્રામને ખેદાનમેદાન કરવા નાઝી લશ્કર પહેલી સપ્ટેમ્બરે જ તમામ સરહદો બંધ કરાવી દીધી હતી. આ ૨૫૦ બાળકોનું શું થયું એ વાત આજ સુધી જાણી શકાઈ નથી. જોકે, એ પહેલાં નિકોલસે ૬૬૯ બાળકને લંડન પહોંચાડી દીધા હતા.

૫૦ વર્ષ સુધી રહસ્ય અકબંધ રાખ્યું

નિકોલસ વિન્ટને ૫૦ વર્ષ સુધી પોતાની શૂરવીરતાની વાત છુપાવી રાખી હતી. આ દરમિયાન એંશીના દાયકામાં હોલોકોસ્ટ (સામૂહિક નરસંહાર) રિસર્ચર ડૉ. એલિઝાબેથ મેક્સવેલ વિન્ટન દંપતિના સંપર્કમાં આવ્યા. મેક્સવેલે સંશોધન માટે નિકોલસની પત્ની ગ્રેટે જેલ્સટ્રપ પાસેથી કેટલાક જૂના દસ્તાવેજો મેળવ્યા હતા, જેમાં નિકોલસે બચાવેલા બાળકોના નામ-સરનામાં પણ હતા. આ ઘટના પછી નિકોલસની ૬૬૯ યહૂદી બાળકોને બચાવવાની વાત બહાર આવી અને આગની જેમ ફેલાઈ ગઈ. આ વાત નિકોલસે ૫૦ વર્ષ સુધી છુપાવી રાખી હતી. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે, ''એવી ઘણી વાતો હોય છે જે તમે પરિવારજનોને પણ કરી શકતા નથી. એ બધું યુદ્ધ વખતે થયું હતું અને મને યુદ્ધ સહિત આવી કોઈ વાત મહત્ત્વની નથી લાગી રહી...''

વર્ષ 2009માં નિકોલસ વિન્ટનના માનમાં પ્રાગ રેલવે સ્ટેશને મૂકાયેલું વિન્ટનનું પૂતળું

વર્ષ ૨૦૦૩માં બ્રિટિશ ક્વિને નિકોલસ વિન્ટનને નાઈટહૂડના ખિતાબથી સન્માનિત કર્યા હતા. વર્ષ ૨૦૧૪માં ઝેક ખગોળશાસ્ત્રીઓએ શોધેલા એક ગ્રહને નિકોલસ વિન્ટનનું નામ અપાયું છે. તેમના માનમાં પહેલી સપ્ટેમ્બર, ૨૦૦૯ના રોજ કિન્ડરસ્પોર્ટ્સની ૭૦મી જન્મજયંતિએ પ્રાગથી લંડન ખાસ 'વિન્ટન્સ ટ્રેન' દોડાવાઈ હતી. આ ટ્રેનમાં એ 'મોટા બાળકો' બેઠા હતા, જેમને નિકોલસે બચાવ્યા હતા. આ ટ્રેન લંડન પહોંચી ત્યારે ૧૦૦ વર્ષના સર નિકોલસ વિન્ટને તેમનું સ્વાગત કર્યું હતું. આ બાળકોએ એ દિવસે પણ આંખોમાં હર્ષાશ્રુ સાથે પોતાને 'વિન્ટન્સ ચિલ્ડ્રન્સ' તરીકે ઓળખાવીને નિકોલસને સૌથી મોટું સન્માન આપ્યું હતું.