30 September, 2015

અમદાવાદનો ‘કાલ્પનિક’ ટ્રાવેલોગ : એક વિદેશીની કલમે...


આચાર્ય રજનીશ કહેતા હતા કે, ભારત એક તરસ છે. આ વાત મારા જેવા સીધાસાદા બ્રિટિશરને સમજાઈ ન હતી પણ ઉત્તર અને ઉત્તર પૂર્વીય ભારતમાં એક મહિનો રખડપટ્ટી કર્યા પછી વાયા રાજસ્થાન ગુજરાત જતી વખતે સહન કરેલી ગરમીથી આ વાત થોડી થોડી ગળે ઉતરી. પહેલાં તો હું ઈન્ડિયા તરસ કેમ છે એ સમજવા છેક રજનીશના પૂણે આશ્રમમાં જવા ઉતાવળો હતો પણ નોર્થ અને નોર્થ-ઈસ્ટના મેટ્રોથી લઈને નાના શહેરોની મુલાકાત પછી મને કંઈક અજબ પ્રકારની લાગણી થઈ હતી. ભારતમાં આટલા બધા વૈવિધ્ય અને અસમાનતા સાથે જીવતા લોકો, ગરીબાઈ, કુદરતની અપાર સુંદરતામાં પ્રદૂષણનું કલંક, આધ્યાત્મિક સંસ્કૃતિ, કુટુંબ વ્યવસ્થા અને સાંસ્કૃતિક ધરોહરોના હાલહવાલ થયેલા જોઈને હું સ્થિતપ્રજ્ઞ થઈ ગયો હતો. હવે મારે થોડો સમય બધાથી ક્યાંક દૂર જવું હતું. મારે શારીરિક અને માનસિક રીતે ફરી એકવાર તરોતાજા થવું હતું. એટલે જ મેં, જેમ્સે અને એની ગર્લફ્રેન્ડ વેસ્પરે થાક ઉતારવા સૌથી છેલ્લે પૂણે જવાનું નક્કી કર્યું.

જેમ્સ નામ જેવા જ ગુણ ધરાવે છે. અમદાવાદમાં તકલીફ ના પડે એટલે જેમ્સે 'ડેઈલી મેઈલ'ના દિલ્હીના કોરસપોન્ડન્ટ શાન્તનુ મુખરજી સાથે વાત કરી હતી. શાન્તનુની જેમ જેમ્સ પણ 'ડેઈલી મેઈલ'માં દિલ્હીનો કોરસપોન્ડન્ટ રહી ચૂક્યો છે. મુખરજી બિઝી હોવાથી અમને જોઈન કરી શકે એમ ન હતો પણ મુખરજીનો અમદાવાદી ફ્રેન્ડ રાજુ પટેલ અમારી સાથે રહ્યો હતો. આ વખતનું અમારું ટ્રાવેલિંગ થોડું અલગ હતું. લાઈક, કલ્ચરલ ટુર જેવું.

સૌથી પહેલાં અમારી ઈચ્છા જૂના અમદાવાદમાં રખડપટ્ટી કરવાની હતી. યુરોપ જાઓ કે ભારત, કોઈ પણ મોટા શહેરોમાં જાઓ ત્યારે જૂના વિસ્તારો હોય તો અચૂક મુલાકાત લો. જૂના શહેરોના બજારો જોવા જેવા હોય છે અને એ જ મુખ્ય બજાર હોય છે. અમદાવાદમાં પણ જૂના શહેરમાં સંખ્યાબંધ બજારો છે. અમે જાણતા હતા કે, ભારતમાં લગભગ બધે જ અમારા જેવા વિદેશીઓને જોઈને દુકાનદારો બહુ ઊંચા ભાવ વસૂલે છે. બાર્ગેઇન કરીએ ત્યારે પણ દુકાનદારો એક બોર્ડ બતાવતા. અમદાવાદમાં પણ અમને આવો અનુભવ થયો. ત્યાં પણ ઘણી દુકાનોમાં ગુજરાતીમાં આવા બોર્ડ માર્યા હતા. રાજુ ગાઈડે અમને કહ્યું કે, એ બોર્ડ પર 'એક જ ભાવની દુકાન' અથવા 'મહેરબાની કરીને ભાવમાં રકઝક કરવી નહીં' એવું લખ્યું હશે!. હા, અમે એને રાજુ ગાઈડ કહેતા હતા. મુખરજીએ કહ્યું હતું કે, રાજુ તમારો ગાઈડ છે, રાજુ ગાઈડ. રાજુ ગાઈડ બોલી બોલીને એ બંને જોરજોરથી હસ્યા હતા પણ અમને એમની વાત ખાસ સમજાઈ ન હતી. પછી એકવાર રાજુએ એ રહસ્યનો ઘટસ્ફોટ કર્યો હતો અને અમે ફરી વાર ખૂબ હસ્યા હતા.

રાજુ ગાઈડ કહેતો કે, ભારત આવો ત્યારે બાર્ગેઇન કરી શકાય એવી દુકાનોમાંથી ખરીદી કરવાનું ટાળવું અને એક જ ભાવની દુકાનમાંથી શોપિંગ કરવું કારણ કે, ‘એક જ ભાવ’માં વિશ્વાસ ધરાવતા દુકાનદારો પડતર પર વ્યાજબી નફો લેવામાં વિશ્વાસ રાખતા હોય છે. એ લોકો પાસે છેતરાઈ જવાની શક્યતા ઓછી રહે છે. અમે દિલ્હીમાં એક ગાઈડની મદદથી બાર્ગેઇન શોપિંગ કર્યું હતું. અમે સાત હજારનું જેકેટ ફક્ત ૭૦૦ રૂપિયામાં લીધું હતું. આ જેકેટ ખરીદ્યા પછી હું અને જેમ્સ થોડી વાર સુધી બોલી પણ શક્યા ન હતા. જોકે, બાર્ગેઇન કરીને ખરીદી કરવાનો નક્કામો અનુભવ લેવાનો ચસકો વેસ્પરને વધારે હતો, પણ હવે એ હોશિયાર થઈ ગઈ છે. વેસ્પરે જૂના અમદાવાદના પાનકોરનાકામાં જૂતાથી લઈને રીલિફ રોડ પર ઈલેક્ટ્રોનિક્સ અને ઢાલગરવાડ, રતનપોળમાં ટ્રેડિશનલ ઈન્ડિયન ડ્રેસીસની ધૂમ ખરીદી કરી હતી.

રતનપોળની એન્ટ્રી? અંદર જવાનું ક્યાંથી?
આવા પ્રશ્નો વિદેશીને થાય, આપણને નહીં ;)

અહીંના બજારોમાં કપડાંની કે જૂતાની નાની-નાની દુકાનોમાં લાખો રૂપિયાનો સામાન ભર્યો હોય છે. દુકાનદારો સામાનને માલ કહે છે. રાજુ ગાઈડ દુકાનદારોને પૂછી પૂછીને કહેતો કે, આ દુકાનમાં ૨૫ લાખનો માલ છે, ફલાણી દુકાનમાં ૫૦ લાખનો માલ છે. ઢાલગરવાડ અને પાનકોરનાકાની નાનકડી દુકાનોમાં ઊંડા માળિયા હોય છે, જેમાં માલ ભર્યો હોય છે. ઘરાકી વધારે હોય તો એક સેલ્સમેન સીધો માળિયામાં જતો રહે અને નીચેથી બીજો સેલ્સમેન જે કહે એ ખોખા ઉપરથી સીધા નીચે નાંખે. એક પણ ખોખાનો કેચ ના થયો હોય એવું અમે ક્યારેય જોયું નથી. આટલી નાની દુકાનોમાં દસેક યુવકો નોકરી કરતા હોય એ બહુ સામાન્ય વાત છે. આ યુવકો મોટા ભાગે વારાફરતી જમવા બેસે છે પણ ચ્હા એકસાથે જ પીવે છે. તેઓ ખૂબ જ નાનકડી સ્ટિલની પ્યાલીમાં ચ્હા પીતા હોય છે. એ પ્યાલીની સાઈઝ જોઈને અમને એવું લાગ્યું હતું કે, એ ચ્હા બહુ જ સ્ટ્રોંગ હશે, એસપ્રેસો જેવી.

ટ્રેડિશનલ ડ્રેસ ખરીદ્યા પછી વેસ્પર માટે ટ્રેડિશનલ જ્વેલરી ખરીદવા અમે ત્રણ દરવાજા ગયા હતા. અહીંના સાંકડા રોડ અને ગલીઓમાં ઈમિટેશન જ્વેલરીના સંખ્યાબંધ સ્ટોલ્સ છે. બધા જ લોકોએ પોતાનો માલ દીવાલ પર લટકાવ્યો હોય છે. ત્રણ દરવાજા ઐતિહાસિક સ્થાપત્ય છે પણ તેમાંય લોકોએ ખીલ્લાં માર્યા છે. આ ગલીઓનું તાપમાન બહાર કરતા ઘણું ઓછું હોય છે કારણ કે, ત્યાં સૂર્યના કિરણો પણ બહુ ઓછા પહોંચી શકે છે. ઢાલગરવાડ કે પાનકોરનાકાની દુકાનોમાં ઘરાકી હોય ત્યારે દુકાનનો માલિક એ.સી. ચાલુ કરે છે. અહીંના લોકો ગરમીથી પરેશાન થાય છે પણ તેઓ ટેવાઈ ગયા છે. કાળઝાળ ગરમીમાં પણ મહિલાઓ ફૂલ મેકઅપ અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને શોપિંગ કરવા આવે છે.

મોટા ભાગની દુકાનોમાં બિલિંગ ખુદ માલિક કરે છે. દુકાનના માલિક દુકાનના પ્રવેશદ્વારની બાજુમાં જ બેસે છે. તેમના બેસવાની જગ્યાએ તેમના પૂર્વજો અને ભગવાનની તસવીરો હોય છે. આ તસવીરોની તેઓ રોજ સવારે દુકાન ખોલતી વખતે અને સાંજે પૂજા કરે છે, જેને તેઓ દીવાબત્તી પણ કહે છે. રાજુ ગાઈડ કહેતો કે, અખબારોની ઓફિસમાં પણ દીવાબત્તી થાય છે. અખબારોમાં એક દીવાબત્તી પાનું પણ હોય છે એમ કહીને એ હસ્યો હતો. પછી એણે કહ્યું હતું કે, શ્રદ્ધાંજલિની જાહેરાતો જે પાને સૌથી વધારે આવતી હોય એને દીવાબત્તી પાનું કહે છે... રાજુ ગાઈડ તેના છાપામાં સેટાયર કોલમ પણ લખે છે એટલે અમે તેની વાત પર બહુ વિશ્વાસ નહોતા કરતા પણ આ વાત સાચી છે. ભારતીય અખબારોમાં દીવાબત્તીની જાહેરાતો પુષ્કળ હોય છે અને પ્રાદેશિક અખબારોનો ફેલાવો માપવાનો સૌથી સરળ ઉપાય આવી જાહેરાતો છે.

ત્રણ દરવાજા સ્ટ્રીટ માર્કેટ

આ પ્રકારના બજારોમાં રોડ ટચ દુકાનોના ભાવ સૌથી ઊંચા હોય છે. ભારતમાં લગભગ બધે જ રોડ ટચ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવ ઊંચા હોય છે. ભારતીયો કદાચ રોડને બહુ પ્રેમ કરતા હશે! ભારતમાં રોડ બનાવીને ચૂંટણી પણ જીતી શકાય છે એવું રાજુ ગાઈડ કહેતો હતો. રોડ ટચ પ્રોપર્ટીના ભાવ ઊંચા હોવા છતાં ત્યાં પાર્કિંગની જગા ના હોય એવું હોઈ શકે છે. ખાણીપીણીની રોડ ટચ દુકાનો અને કિટલીઓની સામે રોડ પર જ લોકો પાર્કિંગ કરે છે. પાર્કિંગ નથી હોતું એનો વાંધો નહીં પણ લોકોને ટ્રાફિક અને પાર્કિંગ સેન્સ પણ નથી. કદાચ એટલે જ આ મુશ્કેલીએ વધારે મોટું અને ગંભીર રૂપ ધારણ કર્યું છે.

જોકે, દુકાનોમાં ખરીદી કરવા જઈએ ત્યારે દુકાન સામે જ કાર પાર્ક કરીએ તો કોઈ વાંધો ઉઠાવતું નથી. કદાચ પાર્કિંગનો ચાર્જ ખરીદીમાંથી જ વસૂલાતો હશે! જૂના અમદાવાદમાં લાઈનબંધ દુકાનોની સાથે મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સ પણ છે. આ કોમ્પ્લેક્સમાં અમારા જેવા ટુરિસ્ટને ફ્રેશ થવું હોય તો સ્વચ્છ વોશ રૂમ નથી હોતા, જે બહુ ખૂંચે એવી વાત છે. સ્વચ્છ પબ્લિક ટોઈલેટ નહીં હોવાથી ખાસ કરીને વેસ્પરને વધારે તકલીફ પડી હતી. જે કોમ્પ્લેક્સમાં ભોંયરામાં પણ દુકાનો હોય ત્યાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. ઉપર દુકાન ધરાવતા લોકો પાનમસાલા ખાઈને નીચે થૂંકે છે. કોમ્પ્લેક્સમાં લોકો થૂંકે નહીં એટલે ભગવાનની તસવીરો લગાવાઈ હોય છે પણ કોઈક જગ્યાએ તો ગંદકીના કારણે તસવીરો પણ દેખાતી નથી. આ કોમ્પ્લેક્સો અને તેની આસપાસ બ્રેકફાસ્ટની સંખ્યાબંધ દુકાનો હોય છે અને લોકો રોડ પર જ હોંશે હોંશે ખાય છે.

જૂના અમદાવાદમાં રખડપટ્ટી કરવા સીદી સૈયદની જાળીની આસપાસની બજેટ હોટેલોમાં સ્ટે કરવો હિતાવહ છે. જૂના અમદાવાદના ખાનપુર વિસ્તારની થ્રી સ્ટાર હોટેલો પણ સારો વિકલ્પ છે. હોટેલ નક્કી કરતી વખતે બપોરની ગરમી સહન કરવી ના પડે એ માટે ઝડપથી હોટેલ પર પાછા આવી શકાય એ વાતનું ધ્યાન રાખવું. જો થ્રી સ્ટાર હોટેલમાં સ્ટે કરો તો પણ એકવાર વહેલી સવારે લકી રેસ્ટોરન્ટમાં અચૂક બ્રેકફાસ્ટ લો. અહીં બ્રેકફાસ્ટ લઈને જૂના અમદાવાદમાં રખડપટ્ટી કરવા નીકળી જવું જોઈએ, જેથી દિવસની ગરમી સહન ના કરવી પડે. ભારતની મોસ્ટ અનયુઝુઅલકે વિયર્ડહોટેલમાં આ હોટેલના રિઝલ્ટ્સ મળે છે કારણ કે, આ હોટેલ કબરોની આસપાસ ડિઝાઈન કરાઈ છે.

માણેકચોકનો એરિયલ વ્યૂ

એ પછી રાત્રે ફરવા નીકળો ત્યારે અહીંના માણેકચોક સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં અચૂક જાઓ. આ માર્કેટ પણ સીદી સૈયદની જાળીથી વોકિંગ ડિસ્ટન્સ પર છે. ખરેખર આ બજાર રાત્રે સ્ટ્રીટ ફૂડ માર્કેટ હોય છે પણ વહેલી સવારે તો એ ગોલ્ડ-સિલ્વર માર્કેટ હોય છે. આ માર્કેટ માણેકચોકના સોના-ચાંદી બજાર તરીકે ઓળખાય છે. બપોરે અહીં વેજિટેબલ માર્કેટ ભરાય છે. અહીંની દુકાનો પણ ખૂબ નાની છે. અહીં અમે રાત્રે ભાજી ખાધી હતી, જે બધા જ શાકભાજીને ક્રશ કરીને બનાવાય છે. અમદાવાદીઓ ભાજી સાથે પાંઉ ખાય છે. ભાજી પાંઉ એ ગુજરાતી ફૂડ નથી પણ મુંબઈથી આવેલું એક ફાસ્ટફૂડ છે. આપણા જેવા યુરોપિયનો માટે સ્પાઈસી ભાજી પછી ડેઝર્ટમાં પાઈનેપલ કેડબરી સેન્ડવિચ બેસ્ટ ઓપ્શન છે.

અને હા, અહીં દેશી આઈસક્રીમ પણ મળે છે, જેને તેઓ મટકા આઈસક્રીમ કે કુલ્ફીકહે છે. સામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં વાહનો પર પ્રતિબંધ હોય છે પણ અહીં લોકો વાહનો લઈને જોખમી રીતે અવરજવર કરે છે. અહીં પણ ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નો છે. આ પ્રશ્નોની વચ્ચે રખડતા ઢોરોનો પ્રશ્ન છે. રાજુ ગાઈડ કહેતો હતો કે, આ તો ગાય માતા છે, એેને કેટલ નહીં કહેવાનું. બજારની થોડે દૂર જ બધો જ કચરો ડમ્પ કરાય છે. ક્યારેક અહીંની વાસ આખા માણેકચોકમાં આવે છે. ખાસ કરીને ચોમાસામાં એવું વધારે થાય છે. ગાયો અહીં જ ખાઈ લે છે. કદાચ ગાયનું વિચારીને જ લોકો ડિશમાં થોડું ફૂડ બાકી રાખતા હશે! અહીં પશ્ચિમ વિસ્તારમાં લો ગાર્ડન નામના વિસ્તારમાં પણ ટ્રેડિશનલ ડ્રેસ અને સ્ટ્રીટ ફૂડના સ્ટોલ્સ છે. અહીં પણ સિવિક સેન્સને લગતા ગંભીર પ્રશ્નો છે. અહીંનું ફૂડ માર્કેટ જોઈને એવું લાગ્યું કે, ગુજરાતીઓ સાંજનું ભોજન મોટા ભાગે બહાર જ લેતા હશે!

જોકે, ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો ગરમીની જેમ બધી જ મુશ્કેલીઓથી ટેવાઈ ગયા છે. અમે એક સામાન્ય લગ્નથી લઈને મોડર્ન પાર્ટીપ્લોટમાં યોજાયેલા લગ્ન એટેન્ડ કર્યા હતા. લગ્નોમાં અમે ગુજરાતી ડિશનો સ્વાદ માણ્યો હતો. હોટેલોમાં ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવા જઈએ ત્યારે એક મોટી ડિશમાં બહુ બધા શાક, કચુંબર, ફરસાણ અને રોટી સર્વ કરાય છે. એમાં મીઠાઈથી લઈને દાળ, કઢી અને છાશ પણ હોય છે. આ પ્રકારની ડિશમાં બહુ ઓછા ફૂડનો સ્વાદ એન્જોય કરી શકાય છે. રાજુ ગાઈડે કહ્યું હતું કે, આવી ગુજરાતી ડિશ તમારા જેવા વિદેશી એન્જોય નહીં કરી શકે. એટલે અમે અમુક હેરિટેજ રેસ્ટોરન્ટ અને લગ્નોમાં જવાનું નક્કી કર્યું હતું. ગુજરાતીઓના લગ્નોમાં ભીડ બહુ જ હોય છે અને કદાચ એટલે જ ડિશ લઈને લાઈનોમાં ઊભું રહેવું પડે છે. ગુજરાતી લગ્નોમાં મેઇન કોર્સ લેતા પહેલાં ખાણીપીણીના સ્ટોલ રાખવાની ફેશન છે, જ્યાં જબરદસ્ત ભીડ હોય છે. એક સરેરાશ ગુજરાતી ખૂબ ઝડપથી ખાય છે. તેઓ ખાતી વખતે પરસેવે રેબઝેબ થઈ જાય છે. ફૂડ અને ટેબલ એટિકેટ સમાજના અમુક જ વર્ગ પૂરતી મર્યાદિત છે. પાણી પીવાની જગ્યાએ ગંદકી ખૂબ જ સામાન્ય છે, જે સભ્ય ગુજરાતી સમાજે પણ સ્વીકારી લીધી છે. આજેય ભારતમાં અનેક લોકો ભૂખથી મૃત્યુ પામે છે પણ લગ્નો હોય કે સ્ટ્રીટ ફૂડ માર્કેટ- બધે જ હજારો ટન ફૂડ સીધું ગટરમાં જાય છે. 

અમદાવાદમાં અમે સરખેજ રોજા, કેલિકો મ્યુઝિયમ, સંસ્કાર કેન્દ્ર અને નગીના વાડીની અછડતી મુલાકાત લીધી હતી. નગીના વાડી કાંકરિયા તળાવની વચ્ચે છે. અહીં બાળકોના એન્ટરટેઈનમેન્ટ ઝોન અને સ્ટ્રીટ ફૂડ મુખ્ય આકર્ષણો છે. અમે બાઈક લઈને વસ્ત્રાપુર લેક પણ ગયા હતા. અમે ત્યાં લાંબો સમય રોકાઈ શક્યા ન હતા. અમદાવાદને મેટ્રો કહેવાય છે પણ અહીં નાઈટ લાઈફ નથી. રાત્રે ચ્હા પીતા લોકોને પણ ક્યારેક દંડા પડે છે એવું રાજુ ગાઈડ કહેતો હતો.

વર્લ્ડ ફેમસ 'લોન્લી પ્લેનેટ' ટ્રાવેલ ગાઈડમાં લખ્યું છે કે, અમદાવાદમાં ઓલ્ડ એજ ચાર્મ છે પણ આ શહેર ૨૧મી સદીના ટ્રાફિક, ગિરદી, પ્રદૂષણ તેમજ અમર્યાદ સંપત્તિ અને ગરીબી વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. મોટા ભાગના ટ્રાવેલર્સ રાજસ્થાન કે મુંબઈ જતી વખતે ત્યાં નાનકડી મુલાકાત લે છે. ખાસ કરીને સાબરમતી આશ્રમ (ગાંધી'ઝ ફોર્મર હેડ ક્વાર્ટર) જોવા. જોકે, આ શહેરને સમજવા તમારી પાસે પૂરતો સ્ટેમિના હોવો જરૂરી છે...

અમે પણ ચિત્ત શાંત કરવા સૌથી છેલ્લે ગાંધી આશ્રમ ગયા હતા.

નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે.

24 September, 2015

શરણાર્થીઓની વાત છે તો ‘વર્લ્ડ લીડર’ ભારત છે


સીરિયન દંપત્તિના ત્રણ વર્ષીય પુત્ર આયલાન કૂર્દીની ભૂમધ્ય મહાસાગરના દરિયા કિનારે પડેલી લાશની તસવીર પ્રકાશિત થયા પછી આખું વિશ્વ હચમચી ગયું છે. આ તસવીર પ્રકાશિત થતા જ દુનિયાને ભાન થયું છે કે, મધ્ય પૂર્વના સીરિયા અને ઈરાક, આફ્રિકાના નાઈજિરિયા, સુદાન, ગામ્બિયા, સોમાલિયા, દક્ષિણ પૂર્વીય યુરોપના કોસોવો, અલ્બેનિયા, સર્બિયા, બોસ્નિયા, મેસેડોનિયા તેમજ દક્ષિણ એશિયાના પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોના લોકોની હાલત આતંકવાદના કારણે કેટલી બદતર છે! આતંકથી ત્રસ્ત લોકો જીવન ગુજારવા બિસ્તરા-પોટલાં બાંધીને, સ્વદેશમાં મિલકતો નોંધારી મૂકીને, રસ્તામાં જ રામ રમી જાય એવી દરિયાઈ-જમીની મુસાફરી ખેડીને તેમજ સરહદો પર નિરાધાર થઈ જવાની પૂરેપૂરી શક્યતા હોવા છતાં બીજા દેશોની સરહદો સુધી આવી રહ્યા છે કારણ કે, આ લોકોને આશા છે કે એક દિવસ તેમને શરણાર્થી વસાહતોમાં આશરો મળી જશે! આ શરણાર્થીઓમાં મોટા ભાગના લોકો 'સિવિલ વોર માઈગ્રન્ટ્સ' એટલે કે ઘરઆંગણે ગૃહયુદ્ધ કે આતંકવાદથી ત્રસ્ત થઈને વતન છોડનારા લોકો છે. આ દેશોમાં સામાન્ય લોકોની હાલત આતંકના કારણે કેવી હશે એ સમજવા આટલી જાણકારી પૂરતી છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યૂજીઝના આંકડા પ્રમાણે, વર્ષ ૨૦૧૪માં વિશ્વમાં છ કરોડ લોકો સ્વદેશમાં જ વિસ્થાપિત તરીકે અથવા વિદેશમાં શરણાર્થી છાવણીઓમાં જીવી રહ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો, દુનિયાના દર ૧૨૨ વ્યક્તિમાંથી એક શરણાર્થી છે.

પશ્ચિમી દેશોને ભય છે કે, ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા જેવા આતંકવાદી જૂથના આતંકવાદીઓ શરણાર્થીના રૂપમાં આવીને સ્લિપર સેલ ઊભા કરી શકે છે. આ દેશોને રોગચાળો અને ઈસ્લામિક આતંકવાદના ગઢ જેવી શરણાર્થીઓની ઝૂંપડપટ્ટીઓ (ઘેટ્ટો) ઊભી થવાનો પણ ડર છે. જોકે, વેરાન રણપ્રદેશમાં કુંડ મળે એવી ટાઢક આપનારી વાત એ છે કે, શરૂઆતમાં આવા કારણોસર થોડા ખચકાટ પછીયે અમેરિકા અને યુરોપના મોટા ભાગના દેશો વધુને વધુ શરણાર્થીઓને આશરો આપવા તૈયાર થઈ રહ્યા છે. આ દેશોએ યુનાઈટેડ નેશન્સ રેફ્યૂજી કન્વેન્શન અને પ્રોટોકોલ પર સહી કરી છે, જે અંતર્ગત શરણાર્થી છાવણીઓની સ્થિતિથી લઈને તેમની સાથે કેવી રીતે વર્તન કરવું એના નીતિનિયમો બનાવાયા છે. આ દેશોની વિદેશ નીતિમાં શરણાર્થીઓની નીતિ મહત્ત્વનો મુદ્દો હોય છે અને એટલે જ ચૂંટણીઓમાં પણ આ મુદ્દો ચગાવાય છે. કેનેડામાં ૧૯મી ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ યોજાનારા ફેડરલ ઈલેક્શનમાં પણ આયલાન કૂર્દીનું મોત મહત્ત્વના મુદ્દા તરીકે છવાઈ ગયું છે.

આયલાન કુર્દીની એ પ્રખ્યાત તસવીર અને આ તસવીર લેનારા નિલોફર દેમિર

હજુયે હજારો શરણાર્થીઓની હાલત કફોડી છે એ વાત ખરી પણ પશ્ચિમી મીડિયામાં શરણાર્થીઓ સાથે માનવતાભર્યું વર્તન કરવાની વાત ભારપૂર્વક કહેવાઈ રહી છે. શરણાર્થીઓ યુરોપનું અર્થતંત્ર બચાવવામાં મદદરૂપ થઈ શકે એમ છે એવી થિયરી પણ રજૂ કરાઈ રહી છે. અનેક ખામીઓ છતાં પશ્ચિમી દેશોમાં શરણાર્થીઓને સમાવવાની સિસ્ટમ છે. અહીં શરણાર્થીઓને કાયદેસરનું 'રેફ્યૂજી સ્ટેટસ' મળે છે અને એટલે જ એ ત્યાં ભાગેડુની જેમ નહીં પણ સામાન્ય વ્યક્તિની જેમ જીવી શકે છે. યુરોપિયન યુનિયનના મતે, વર્ષ ૨૦૧૬ના અંત સુધી યુરોપિયન દેશોએ દસ લાખ શરણાર્થીઓને પોતાના દેશોમાં સમાવી લીધા હશે! એપ્રિલ ૨૦૧૫થી મીડિયામાં 'યુરોપિયન રેફ્યુજી ક્રાઈસીસ-૨૦૧૫' કે 'યુરોપિયન માઈગ્રન્ટ ક્રાઈસીસ-૨૦૧૫' નામના શબ્દો ઊછળી રહ્યા છે, જેના માટે આ સ્થિતિ જવાબદાર છે.


અત્યારે વિવિધ દેશો પોતાની ક્ષમતા અને સ્વાર્થ ખાતર 'આઉટસાઈડર્સ' મતલબ 'બહારના'ને પોતાની જમીન પર શરણું આપી રહ્યા છે. હિટલરના આતંકના અપરાધભાવથી પીડાતા જર્મનીમાં શરણાર્થીઓને હૂંફાળો આવકાર મળી રહ્યો છે. ઝીણું કાંતનારા એવું કહી શકે છે કે, જર્મની પણ વિશ્વ સમક્ષ પોલિટિકલી કરેક્ટ રહેવા અને સ્વાર્થ ખાતર શરણાર્થીઓને આવકારી રહ્યું છે. જોકે, આખા જંગલમાં આગ લાગી હોય ત્યારે આવું વિચારવાનો સમય એ જ લોકો પાસે હોય છે જે પોતાના વતનના ઘરમાં 'સુરક્ષિત' બેઠા હોય છે. અમેરિકા અને યુરોપના મોટા ભાગના દેશોએ શરણાર્થીઓને સમાવવાનો ક્વૉટા વધારી દીધો છે. શરણાર્થીઓ મુદ્દે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી પડે એવી સ્થિતિ ધરાવતા ઈઝરાયેલમાં પણ શરણાર્થીઓ સાથે યોગ્ય વર્તન કરવાની માગ થઈ રહી છે.

આયલાન કૂર્દીનો પરિવાર ભૂમધ્ય મહાસાગરમાં મુસાફરી કરીને કેનેડામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેનું મોત થયું હતું. આયલાનના મોત પછી કેનેડા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકાનો સામનો કરી રહ્યું છે. કદાચ આ અપરાધભાવના કારણે જ કેનેડિયન મીડિયામાં અપીલ થઈ રહી છે કે, શરણાર્થીઓ મામલે કેનેડાએ બધાથી સારું કામ કરીને 'વર્લ્ડ લીડર' બનવાની તક ઊપાડી લેવી જોઈએ. કેનેડિયન મીડિયામાં રાજકારણીઓ, પત્રકારો અને લેખકો આંકડાકીય માહિતી આપીને કહી રહ્યા છે કે, દુનિયામાં શરણાર્થીઓ સંખ્યાની રીતે આપણે બહુ ઓછું કામ કરી રહ્યા છીએ. અહીં એ નોંધવા જેવું છે કે, આયલાન કૂર્દીના માતા-પિતાએ કેનેડામાં રેફ્યૂજી સ્ટેટસ મેળવવા કાયદેસરની અરજી પણ કરી નહોતી અને છતાં આયલાનના પિતા અબ્દુલ્લા કુર્દી આયલાન, આયલાનના પાંચ વર્ષીય ભાઈ ગાલિબ અને પત્ની રેહાનાના મોત માટે કેનેડા સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. આમ છતાં, કેનેડિયન મીડિયામાં 'કેનેડાએ શું કરવું જોઈએ' એવા હકારાત્મક અહેવાલો પ્રગટ થઈ રહ્યા છે.

આયલાન, ગાલિબ અને બાજુની તસવીરમાં બંને બાળકોની માતા રેહાના

શરણાર્થીઓ મુદ્દે વિકસિત અને અગ્રણી દેશો 'વર્લ્ડ લીડરબનવા તલપાપડ છે ત્યારે ભારતનું સ્થાન ક્યાં છે એ જાણવું પણ જરૂરી છે. વિશ્વમાં આંગળીના વેઢે ગણાય એટલા દેશોએ યુનાઈટેડ નેશન્સ રેફ્યૂજી કન્વેન્શન અને પ્રોટોકોલ પર સહી નથી કરીજેમાં સૌથી મોટો દેશ ભારત છે. ભારતમાં પણ જુદા જુદા કારણોસર વતન છોડીને આવેલા હજારો શરણાર્થીઓ વસે છે. અહીં બાંગ્લાદેશના ચિત્તગોંગમાં વિસ્થાપિત થયેલા ભુતાનીઝ બૌદ્ધોથી લઈને મ્યાંમારના રોહિંગ્યા મુસ્લિમોતિબેટિયનોશ્રીલંકાના તમિળ વિસ્થાપિતોપાકિસ્તાની હિંદુઓ-શીખોઅફઘાનિસ્તાનના મુસ્લિમો તેમજ આફ્રિકાના સુદાન-સોમાલિયા જેવા દેશોના શરણાર્થીઓ શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યૂજીઝના આંકડા પ્રમાણેવર્ષ ૨૦૧૧માં ભારતમાં શરણાર્થી હોય તેમજ ભારતમાં આશ્રય મેળવવા અરજી કરી હોય એવા કુલ ૨,૦૪,૬૦૦ લોકો હતા. શરણાર્થીઓને લગતા આંતરરાષ્ટ્રીય કરારો પર સહી નહીં કરી હોવાથી ભારત પોતાના ખર્ચે (યુએનની આર્થિક મદદ વિના) અને જોખમે શરણાર્થી યોજનાઓ ચલાવી રહ્યું છે. કોઈ કરારો નહીં કર્યા હોવા છતાં ભારતનો શરણાર્થીઓ સાથેનો વ્યવહાર આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે જ છે.

મહત્ત્વનો સવાલ એ છે કેઆખા દક્ષિણ એશિયામાં શરણાર્થીઓની સૌથી વધારે વસતી ભારતમાં છે. આમ છતાંભારત સરકાર રેફ્યૂજી કન્વેન્શન અને પ્રોટોકોલ પર કેમ સહી નથી કરતુંયુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યૂજીઝની વેબસાઈટ પર જે તે દેશોએ સહી કેમ નથી કરી એના કોઈ કારણો નથી અપાયા. જોકેજાણકારોનું માનવું છે કેભારતે મુખ્યત્વે સુરક્ષાના કારણોસર રેફ્યૂજી સંધિ પર સહી નથી કરી. ભારતની પાકિસ્તાનબાંગ્લાદેશનેપાળભુતાનમ્યાંમાર અને શ્રીલંકા સહિતની સરહદો વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિના કારણે અભેદ્ય છે. જો ભારત સરકાર કોઈ રેફ્યૂજી સંધિ પર સહી કરે તો આતંકવાદગૃહયુદ્ધ કે કુદરતી આફત જેવી સ્થિતિમાં ભારતમાં સામૂહિક સ્થળાંતર શરૂ થઈ શકે છે. જો આવું થાય તો સરહદો નજીક માળખાગત સુવિધાઓના અભાવના કારણે અંધાધૂંધી ફેલાઈ શકે છે. ભારતમાં ધાર્મિક અને જાતિગત કારણોસર સામૂહિક નરસંહાર ફેલાવાનો પણ ભય છે. કદાચ એટલે જ ભારત ચૂપચાપ શરણાર્થીઆને આશ્રય આપી રહ્યું છે. ભારતમાં વૈવિધ્યતાના કારણે મુશ્કેલીઓનું વૈવિધ્ય પણ દુનિયામાં ક્યાંય જોવા ના મળે એવું છે. અહીં વસતીવિષયક સંતુલન ના ખોરવાય એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કારણ કેબધા હળીમળીને રહે અને એકબીજાના ધર્મ-સંસ્કૃતિનું સન્માન કરે એ બધી માત્ર પુસ્તકિયા વાતો છે. આ બધી મુશ્કલીઓ વચ્ચે પણ ભારત પોતાની ધરતી પર વિવિધ દેશધર્મ અને જાતિના શરણાર્થીઓને સાચવી રહ્યું છે.

વર્ષ ૨૦૧૩માં યુએનના તત્કાલીન હાઈ કમિશનર ઓફ રેફ્યૂજીસ એન્ટોનિયો ગુટરેસે પણ કહ્યું હતું કેભારતે તેના ઈતિહાસસંસ્કૃતિ અને પરંપરાઓના આધારે તમામ લોકો માટે પોતાની સરહદો ખુલ્લી કરીને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. અહીં તિબેટિયનોઅફઘાનો અને મ્યાંમારના લોકો શરણાર્થી તરીકે સુરક્ષિત જીવન જીવી રહ્યા છે. તમામ લોકો સાથે સંબંધ રાખવામાં ભારતનું વલણ ઉમદા છે. ભારત શરણાર્થીઓ માટે લાંબા ગાળાના વિઝા મંજૂર કરી રહ્યું છે અને તેમને વર્ક પરમિટ આપી રહ્યું છે એ આ વાતની સાબિતી છે. અમે ખરેખર ભારતને બહુ વિશ્વાસુ ભાગીદાર તરીકે જોઈએ છીએ અને જેમને મદદ જોઈએ છે તેમને ગેરંટી આપીએ છીએ કેઅહીં તમને મદદ મળશે. સૌથી મહત્ત્વની વાત એ છે કેઆજે શરણાર્થીઓ માટે વિશ્વની મોટા ભાગની સરહદો બંધ છેલોકોને સુરક્ષા આપવાની ના પડાય છે પણ ભારત ઉદાર દેશ છે...

ભારત હજારો વર્ષોથી લોકોને પોતાનામાં સમાવતું આવ્યું છે. ભારત પોતાની જમીન પર લોકોને કેવી રીતે સમાવી લે છે એનું ઉત્તમ ઉદાહરણ પારસીઓ છે. એવી જ રીતેનવા દેશમાં ગયા પછી પોતાનો ધર્મ-સંસ્કૃતિ-વારસો સાચવીને કેવી રીતે પારકાને પોતાના બનાવી લેવા એનું ઉત્તમ ઉદાહરણ પણ પારસીઓ જ છે. એવું પણ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી કેશરણાર્થીઓ મુદ્દે અત્યારે કોઈ 'વર્લ્ડ લીડરહોય તો તે ભારત છે.

નોંધઃ તસવીરો ગૂગલ પરથી લીધી છે. 

17 September, 2015

ભુતાનનું અનોખું 'વાઘ બચાવો અભિયાન'


શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, ભુતાનમાં પણ વાઘની સારી એવી વસતી છે? દરિયાઈ સપાટીથી સાત હજાર મીટર (૨૩ હજાર ફૂટ) ઊંચા ભુતાન જેવા નાનકડા પહાડી દેશમાં ઝડપથી લુપ્ત થઈ રહેલા વાઘ મોજથી વિચરતા હોય એ પ્રકૃતિપ્રેમીઓ માટે ખરેખર રોમાંચક વાત છે. સપ્ટેમ્બર ૨૦૧૦માં બીબીસીના નેચરલ હિસ્ટરી યુનિટે ત્રણ ભાગમાં 'લોસ્ટ લેન્ડ ઓફ ધ ટાઈગર' નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં બીબીસીએ દાવો કર્યો છે કે, ''ભુતાનમાં દરિયાઈ સપાટીથી આશરે ૪,૧૦૦ મીટર ઊંચાઈ પર વાઘની સારી એવી વસતી હોવાના અમને પુરાવા મળ્યા છે...'' આ સમાચાર પશ્ચિમી દેશો માટે ખરેખર નવા હતા. પશ્ચિમી દેશોના વિજ્ઞાનીઓ તો ઠીક, ભારતમાં વાઘ બચાવવા આટઆટલા ધમપછાડા કરાતા હોવા છતાં ભુતાને વાઘની વસતી કેવી રીતે વધારી હતી, એ વાત ભારત સરકાર પણ જાણતી ન હતી. ભુતાન સરકારે આ વર્ષે ૨૯મી જુલાઈ-વૈશ્વિક વાઘ દિવસે વાઘની વસતીના તાજા આંકડા જાહેર કરતા કહ્યું છે કે, ભુતાનમાં અત્યારે ૧૦૩ વાઘ છે. અગાઉના અંદાજ પ્રમાણે આ આંકડો ૭૫ હતો. હા એ અંદાજ હતો. જોકે, આ વખતે ભુતાનના વિજ્ઞાનીઓએ જંગલોમાં રઝળપાટ કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી વાઘની સંખ્યા નોંધી છે. ભુતાને વાઘ સહિતની સમગ્ર જીવસૃષ્ટિ બચાવવા જે કોઈ પ્રયાસ કર્યા છે તે ખરેખર કાબિલેદાદ છે.

બીબીસીએ ભુતાનમાં વાઘની હાજરી હોવાના 'એક્સક્લુસિવ' સમાચાર આપ્યા પછી ભુતાનની રાજાશાહી સરકાર અને સ્થાનિક વિજ્ઞાનીઓ ગુસ્સે થયા હતા. ભુતાનનું કહેવું હતું કે, ભુતાનના જંગલોમાં રહેતા વાઘોનું અમે નિયમિત રીતે દસ્તાવેજીકરણ કરીએ છીએ. અહીં વાઘ છે એ પશ્ચિમના મોટા ભાગના વિજ્ઞાનીઓ માટે નવી વાત હશે, અમારા માટે નહીં... એવું નહોતું કે, ભુતાનમાં વાઘની હાજરી વિશે પશ્ચિમનો એકેય વિજ્ઞાની કશું જાણતો જ ન હતો, પણ આ વાત ખૂબ જ ઓછી જાણીતી હતી. વાઘ સહિતની જીવસૃષ્ટિના સંવર્ધન માટે નાનકડું ભુતાન શું કરે છે એ દિશામાં પણ પશ્ચિમના વિજ્ઞાનીઓ અજાણ હતા. બીજી તરફ, ભુતાન પણ આવા કોઈ મુદ્દે ગાઈવગાડીને કશું કહેતું નહોતું. બીબીસીની દસ્તાવેજી ફિલ્મોનો વિવાદ સામાન્ય હોવાથી ખૂબ ઝડપથી ભુલાઈ ગયો પણ તેની અસર ભુતાન અને પશ્ચિમી વિજ્ઞાનીઓના આદાનપ્રદાન પર પડી. ભુતાનને વાઘની વસતી ગણતરી કરવામાં વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ તકનિકી અને આર્થિક મદદ આપે છે. આમ છતાં, એ ઘટના પછી ભુતાને વાઘની વસતી ગણતરી કરવા સહિતના કોઈ પણ પર્યાવરણીય કામમાં એક પણ પશ્ચિમી દેશ કે પશ્ચિમી વિજ્ઞાનીની મદદ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. ભુતાન જેવો રાજાશાહી શાસન વ્યવસ્થા ધરાવતો નાનકડો દેશ હાઈ પ્રોફાઈલ પશ્ચિમી મીડિયાને શંકાથી જોતો હોય એના અનેક કારણો હોઈ શકે છે.


ભુતાનની પારો વેલીમાં 900 મીટર ઊંચાઈએ ખીણની ધાર પર આવેલો તાકસાંગ ગોએમ્બા (ટાઈગર્સ નેસ્ટ) નામનો બૌદ્ધ મઠ


હવે સૌથી મોટો સવાલ એ છે કે, ભારત જેવો દેશ પણ વાઘની વસતી વધારતા હાંફી ગયો છે ત્યારે  ભુતાનમાં વાઘની વસતી વધી કેવી રીતે? વિશ્વ પર્યાવરણીય સમસ્યાઓની 'ફક્ત ચિંતા' કરતું હતું ત્યારથી ભુતાને 'જંગલોના ભોગે કશું નહીં'ની નીતિ બનાવી હતી. છેક ૧૯૭૦માં ભુતાનના લોકતાંત્રિક નેતાઓએ બંધારણીય ફેરફારો કરીને જાહેર કર્યું હતું કે, ભુતાનની ઓછામાં ઓછી ૬૦ ટકા જમીન પર ફરજિયાત જંગલો હોવા જોઈએ. ભુતાને આ લક્ષ્યાંક દસ ટકા વધારા સાથે હાંસલ કર્યું છે. ભુતાન ક્યારેય ભારત કે ચીન જેવી 'હરણફાળ' ભરવા નથી માંગતું. ભુતાનમાં ચકાચૌંધ થઈ જવાય એવા બહુમાળી મકાનો, રસ્તા અને પુલો નથી. ભુતાનમાં ‘ગ્રાહકવાદ’નો અભાવ હોવાથી આર્થિક નિષ્ણાતો તેને 'અલ્પવિકસિત' દેશ કહી શકે છે, પણ ગ્રોસ નેશનલ હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ભુતાન અવ્વલ છે. એંશીના દાયકામાં ભુતાનને ગરીબ દેશોની યાદીમાં પણ મૂકાતું હતું. વર્ષ ૨૦૦૬માં 'બિઝનેસ વિકમેગેઝિને એક સર્વેક્ષણ કરીને ભુતાન વિશ્વનો સૌથી સુખી દેશ હોવાનું નોંધ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, વર્ષ ૨૦૦માં આખી દુનિયાનો જીડીપી ઘટી રહ્યો હતો ત્યારે, ભુતાનનો જીડીપી ૧.૪ ટકાના દરે વધ્યો હતો. જોકે, આ પ્રકારના આંકડાથી આખા દેશની પ્રજા કેટલી સુખી છે તે જાણી શકાતું નથી. આ સ્થિતિનો વિચાર કરીને વર્ષ ૧૯૭૨માં ભુતાનના રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકે 'ગ્રોસ નેશનલ હેપ્પીનેસ'નો વિચાર આપ્યો હતો. રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકનું માનવું હતું કે, આપણે પશ્ચિમની જેમ ભૌતિકવાદના ગુણગાન ગાતું નહીં પણ એવા અર્થતંત્રનું નિર્માણ કરવું છે, જે બૌદ્ધવાદના પાયા પર ઊભેલી ભુતાનની આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતું હોય.

ગ્રોસ નેશનલ હેપ્પીનેસ ઈન્ડેક્સ માપવાના ચાર મુખ્ય માપદંડ છે. ૧. સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ એટલે એવો વિકાસ જેનાથી ભવિષ્યમાં નુકસાન ના થાય અને માનવજાત પર ખતરો તોળાયેલો ના રહે. ૨. પ્રિઝર્વેશન એન્ડ પ્રમોશન ઓફ કલ્ચરલ વેલ્યૂઝ એટલે કે સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન અને તેને પ્રોત્સાહન. ૩. કન્ઝર્વેશન ઓફ નેચરલ એન્વાયર્મેન્ટ એટલે કુદરતનું સંવર્ધન. ૪. ગુડ ગવર્નન્સ એટલે કે યોગ્ય શાસનવ્યવસ્થા. ભુતાન છેલ્લાં ચાર દાયકાથી પણ વધુ સમયથી રાષ્ટ્રીય આયોજન અને નીતિવિષયક નિર્ણયોમાં આ ચારેય માપદંડને ગંભીરતાથી લઈ રહ્યું છે. ભુતાન મકાનો બાંધે અથવા કુદરતી સ્રોતોનો ઉપયોગ કરે ત્યારે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એનું ધ્યાન રાખે છે. ભુતાનની જમીનનો ચોથો ભાગ રક્ષિત એટલે કે નેશનલ પાર્ક જેવા કડક નીતિનિયમો હેઠળ આવરી લેવાયો છે. આ પ્રકારના રક્ષિત વિસ્તારો સાથે એક જમીન માર્ગ જોડાયેલો છે, જેને બાયોલોજિકલ કોરિડોર નામ અપાયું છે. આ બાયોલોજિકલ કોરિડોરનો વાઘ જેવા પ્રાણીઓ અવરજવર માટે ઉપયોગ કરતા હોવાથી ભુતાને તેને પણ રક્ષિત જાહેર કરી છે. આ બાયોજિકલ કોરિડોર દેશની જમીનનો નવ ટકા હિસ્સો આવરી લે છે.

ભુતાને ઉત્તરીય હિમાલયની દુર્ગમ બર્ફીલી પર્વતમાળાઓથી લઈને તળેટી સુધીના ગીચ ઉષ્ણકટિબંધીય (ગરમ, ભેજવાળા) જંગલોમાં આપબળે સર્વેક્ષણ કરીને ૧૦૩ વાઘ હોવાનું નોંધ્યું છે. રસપ્રદ વાત એ છે કે, અહીંના જંગલોમાં ભુતાન સરકાર દાવો કરે છે એના કરતા વધારે, આશરે ૧૧૫થી ૧૫૦ જેટલા વાઘ હોઈ શકે છે, એવી જાણકારો શંકા વ્યક્ત કરી રહ્યા છે. આ વાઘોમાં ૮૦ ટકા જેટલા વાઘ પુખ્તવયના છે. અહીંના જંગલોમાં વાઘ સહિત બિલાડી વર્ગના બીજા પણ પાંચ પ્રાણીઓનો વસવાટ છે, જેમાં ગોલ્ડન કેટ, માર્બલ્ડ કેટ, લેપર્ડ કેટ, ક્લાઉડેડ લેપર્ડ અને કોમન લેપર્ડનો સમાવેશ થાય છે. ભુતાનમાં સ્નો લેપર્ડ અને ક્લાઉડેડ લેપર્ડનો વસવાટ છે એ વાત નવી નથી પણ અહીં બિલાડી વર્ગના આટલા બધા પ્રાણીઓ પણ મોટા પ્રમાણમાં વસે છે એ પશ્ચિમી વિજ્ઞાનીઓને રોમાંચક લાગે છે. વળી, બૌદ્ધ ધર્મના પ્રભાવના કારણે પ્રાણીઓને સ્થાનિકોથી શિકારનો ઓછામાં ઓછો ખતરો છે. આમ, વાઘને પણ બૌદ્ધ ધર્મનું આડકતરું રક્ષણ મળ્યું છે. જંગલો સાચવવાથી ભુતાનને લાંબા ગાળાના લાભ મળ્યા છે. અહીંની નદીઓ અને હવા પણ શુદ્ધ છે. સ્વિત્ઝર્લેન્ડની ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર કહે છે કે, ભુતાન પ્રોએક્ટિવ કન્ઝર્વેશનનું ઉત્તમ ઉદાહરણ છે.

જીવવિજ્ઞાનની ભાષામાં વાઘ 'અમ્બ્રેલા સ્પીસિસ' તરીકે ઓળખાય છે. વાઘનું જ ઉદાહરણ લઈને સીધીસાદી ભાષામાં કહીએ તો, વાઘ હરણનો શિકાર કરે છે. હરણ ઘાસ-પાંદડા વગેરે ખાય છે. આ પ્રકારની વનસ્પતિ પક્ષીઓ, ઉંદરો, પતંગિયા અને અન્ય સસ્તન પ્રાણીઓની મદદથી પરાગાધાન કરીને વિકસે છે. જો વાઘ હોય તો જ હરણોની વસતી કાબૂમાં રહે અને હરણો હોય તો વનસ્પતિની વસતી કાબૂમાં રહે. કોઈ કૃત્રિમ હસ્તક્ષેપ વિના વનસ્પતિ કુદરતી રીતે વિકસે તો બીજા નાના-મોટા પ્રાણીઓની વસતી પણ કાબૂમાં રહે. જીવવિજ્ઞાન કહે છે કે, વાઘ જેવા અમ્બ્રેલા સ્પીસિસ આડકતરી રીતે અન્ય જીવસૃષ્ટિનું પણ રક્ષણ કરે છે. ટૂંકમાં આ પોષણકડી બહુ જ ગૂઢ રીતે પરસ્પર જોડાયેલી હોય છે, જેમાં ભંગાણ પડવાથી સમગ્ર પર્યાવરણને નુકસાન થાય છે. ભુતાને વાઘ પર ધ્યાન કેન્દ્રિત કરીને બીજા પણ અનેક પ્રાણીઓનું આડકતરી રીતે સંવર્ધન કર્યું છે. અત્યારે વિશ્વમાં આશરે ૫,૧૪૮ જેટલા વાઘ છે, જે એશિયાના ૧૪ દેશોમાં ફેલાયેલા છે. ભારત ૨,૨૨૬ વાઘ સાથે વિશ્વમાં પહેલા નંબરે છે. એ પછી રશિયા, મલેશિયા, બાંગલાદેશ, નેપાળ, મ્યાંમાર અને ભુતાન જેવા દેશોનો નંબર આવે છે.

ભુતાનનો ગ્રોસ ડોમેસ્ટિક હેપ્પીનેસ ઈન્ડેક્સ ઊંચો છે એનો અર્થ એ નથી કે, ત્યાં બધાને 'બુદ્ધત્વ' પ્રાપ્ત થઈ ગયું છે. ભુતાનમાં બંધારણીય રાજાશાહી હોવા છતાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. અહીં બેકારી વધી છે અને નોકરીના અભાવે યુવાનોમાં અસંતોષ વધી રહ્યો છે. ભુતાનનો હેપ્પીનેસ ઈન્ડેક્સ વિશ્વભરમાં સ્વીકૃત હોવા છતાં આર્થિક નિષ્ણાતો તેને 'વિકાસશીલ'ના ખાનામાં જ મૂકી રહ્યા છે. ભુતાનમાં વર્ષ ૧૯૯૯ સુધી ટેલિવિઝન અને ઈન્ટરનેટ પર પ્રતિબંધ હતો કારણ કે, રાજાશાહીને ડર હતો કે, ટેલિવિઝન ભુતાનના મૂલ્યો ખતમ કરી નાંખશે. એ રીતે પણ ભુતાનના લોકો વિશ્વ કરતા પાછળ છે.

શાસનવ્યવસ્થાની ખામીઓ (રાજાશાહીની નહીં)ના કારણે ભુતાનમાં આવી કેટલીક મુશ્કેલીઓ છે, પરંતુ જ્યાં સુધી 'ટકાઉ વિકાસ'ની વાત છે ત્યાં સુધી ભુતાન બિલકુલ યોગ્ય દિશામાં જઈ આગળ વધી રહ્યું છે.

14 September, 2015

... અને બુરુને શોધવા અસલી જેમ્સ બોન્ડે હિમાલય ધમરોળ્યો


વિશ્વમાં ફક્ત કચ્છના નાના રણમાં જોવા મળતા જંગલી ગધેડા એટલે કે ઘુડખરનો ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે (આઈયુસીએન) લુપ્ત થતી પ્રજાતિઓની યાદીમાં સમાવેશ કર્યો  છે. છેલ્લાં ૧૬ વર્ષમાં ઘુડખરની વસતી ૫૨ ટકા ઘટી છે. આ વાત દર્શાવે છે કે, નજીકના ભવિષ્યમાં ઘુડખર લુપ્ત થઈ જશે અને આવનારી પેઢી માટે ઘુડખરની ફક્ત 'દુર્લભ' તસવીરો અને વીડિયો ફૂટેજ બચ્યા હશે. પર્યાવરણીય બાબતોમાં આપણી ઉદાસીનતા જોતા એવું લાગે છે કે, થોડા હજાર વર્ષ પછી એ દુર્લભ દસ્તાવેજો પણ લુપ્ત થઈ જશે અને ઘુડખરનો કદાચ 'ક્રિપ્ટિડ'માં સમાવેશ થઈ ગયો હશે! વનસ્પતિ સહિતના જે કોઈ સજીવોનું અસ્તિત્વ વૈજ્ઞાનિક પુરાવાના અભાવે સાબિત ના થઈ શક્યું હોય એને શોધવાનું વિજ્ઞાન ક્રિપ્ટોઝુલોજી કે ક્રિપ્ટોલોજી તરીકે ઓળખાય છે, જ્યારે ક્રિપ્ટોલોજીમાં સમાવાયેલા સજીવોને ક્રિપ્ટિડ કહે છે. આ પ્રકારના સજીવો લોકસાહિત્ય, લોકકળા, પ્રાચીન ગુફાચિત્રો કે હસ્તપ્રતોમાં અસ્તિત્વ ધરાવતા હોય છે. ભારતના યેતી (મહાકાય વાંદરા જેવો માણસ-હિમમાનવ), બ્લેક મંકી, પોગયાન (મહાકાય જંગલી બિલાડા), પિગ્મી એલિફન્ટ અને બુરુ નામના પ્રાણીઓનો ક્રિપ્ટિડમાં સમાવેશ કરાયો છે. ભારતમાં બુરુ સિવાય એક પણ પ્રાણીનું અસ્તિત્વ હતું કે નહીં એ જાણવાના ગંભીર પ્રયાસ કરાયા નથી. જોકે, આ પ્રયાસ પણ ભારતીયોએ નહીં, વિદેશીઓએ કર્યા હતા.

બુરુની પહેલવહેલી વૈજ્ઞાનિક નોંધો

બુરુ જેવું કંઈક હોઈ શકે છે એ વાત સૌથી પહેલાં ઓસ્ટ્રિયન એન્થ્રોપોલોજિસ્ટ (માનવઉત્પત્તિ શાસ્ત્રી) ક્રિસ્ટોફર વોન ફ્યૂરર-હેમનડોર્ફે નોંધી હતી. વર્ષ ૧૯૩૬માં ફક્ત ૨૭ વર્ષની વયે ક્રિસ્ટોફર ભારતની આદિ જાતિ સંસ્કૃતિ પર અભ્યાસ કરવા ભારત આવી ગયા હતા. ક્રિસ્ટોફરના ભારત આવી જવા પાછળ મુખ્યત્વે બે કારણો હતા. પહેલું કારણ એ હતું કે, તેઓ ઓસ્ટ્રિયાના એન્થ્રોપોલોજિસ્ટ રોબર્ટ વોન હેન-ગેલડર્નને ગુરુ માનતા હતા. રોબર્ટ હેન-ગેલડને વર્ષ ૧૯૧૦માં ભારતની મુલાકાત લઈને આસામ અને બર્માની આદિ જાતિઓ પર આધારિત 'ધ માઉન્ટેઇન ટ્રાઈબ્સ ઓફ નોર્થ-ઈસ્ટર્ન બર્મા' નામે થીસિસ લખ્યો હતો. બીજું કારણ એ છે કે, ક્રિસ્ટોફરે નાની વયથી જ રવિન્દ્રનાથ ટાગોરને વાંચવાનું શરૂ કરી દીધું હતું. આમ, ગુરુનો થીસિસ અને ટાગોર- આ બંને કારણથી ક્રિસ્ટોફર ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરવા ઉત્સુક હતા. ભારત આવીને ક્રિસ્ટોફરે નાગા આદિવાસીઓ વચ્ચે જીવન ગુજારવાનું શરૂ કર્યું હતું. ક્રિસ્ટોફરને ગુરુ રોબર્ટ હેન-ગેલડને સલાહ આપી હતી કે, આપણા જેવા માનવઉત્પત્તિ વિજ્ઞાનીઓએ સચોટ સંશોધનો માટે સ્થાનિકોની ભાષા શીખવી જરૂરી છે. આ વાત યાદ રાખીને ક્રિસ્ટોફરે પણ દુભાષિયાની મદદ વિના સતત પાંચ મહિના મહેનત કરીને નાગા લોકોની ભાષા શીખી લીધી હતી.

વર્ષ 1948માં ગુવાહાટી યુનિવર્સિટીના કેમ્પસમાં આસામીઝ ફેલો સાથે  ક્રિસ્ટોફર વોન ફ્યૂરર-હેમનડોર્ફ (વચ્ચે ખુરશીમાં)

બુરુનું કાલ્પનિક ચિત્ર

ક્રિસ્ટોફરે વર્ષ ૧૯૪૪-૪૫માં ઉત્તર-પૂર્વીય ભારતમાં આજના આસામ, અરૂણાચલ પ્રદેશ અને નેપાળમાં આપાતાની (અથવા આપા કે આપા તાનિ) નામની આદિ જાતિ સાથે સંશોધન કરતી વખતે બુરુ નામના પ્રાણીની વાતો સાંભળી હતી. બુરુ વિશે તેમણે નોંધ્યું છે કે, બુરુ એક વિચિત્ર પ્રાણી છે. તેનો રંગ ભૂરો-સફેદ છે, જે પંદરેક ફૂટ લાંબુ હોય છે. બુરુની ચામડી માછલી જેવી હોય છે પણ તેમાં ભીંગડા નથી હોતા. તેના શરીરની બાજુમાં અને પીઠ પર સંખ્યાબંધ કાંટા હોય છે. તેનું માથું ત્રિકોણાકાર અને નાક અણીદાર હોય છે. બુરુ નાના જાડા પગથી ચાલે છે. તે અણીદાર દાંત, નહોર અને મજબૂત પૂંછડીથી સામનો કરી શકે છે. આ બધા લક્ષણો વિચિત્ર જળચર પ્રાણીના છે. બુરુ ઘોઘરા અવાજમાં ગર્જતું હોય છે.

ક્રિસ્ટોફરે બુરુ જોયું ન હતું પણ આ બધી જ વાતો તેમણે આપાતાની લોકોના મોંઢે સાંભળી હતી. બુરુ નામનું કોઈ પ્રાણીનું અસ્તિત્વ છે કે હતું- એ વિશે વર્ષ ૧૯૪૭માં પહેલવહેલી વૈજ્ઞાનિક નોંધો ક્રિસ્ટોફરે કરી હતી. ક્રિસ્ટોફરે ઉત્તરપૂર્વીય ભારત સહિત તેલંગાણાની આદિ જાતિ પર પણ ઊંડા સંશોધનો કર્યા હતા. આ માટે તેમણે બે-ચાર નહીં પણ જીવનના ચાળીસ વર્ષ ભારતના જંગલોમાં રઝળપાટ કરી હતી.

બત્રીસલક્ષણાં પત્રકારની એન્ટ્રી

ભારતના ભાગલા પછીના વર્ષોમાં રાલ્ફ ઈઝાર્ડ નામનો એક પત્રકાર બ્રિટનના જાણીતા અખબાર 'ડેઈલી મેઈલ'ના ભારતીય પ્રતિનિધિ તરીકે દિલ્હીમાં સ્થાયી થયો હતો. યુરોપિયન વિજ્ઞાનીઓ અને બ્રિટીશ પ્રતિનિધિઓની બુરુ નામના પ્રાણી વિશે જાતભાતની વાતો સાંભળીને રાલ્ફને પણ તેમાં રસ પડ્યો હતો. રાલ્ફે દ્વિતિય વિશ્વયુદ્ધમાં બ્રિટન વતી નેવલ ઈન્ટેલિજન્સ અધિકારી તરીકે ફરજ બજાવીને સંખ્યાબંધ સન્માનો મેળવ્યા હતા. યુદ્ધમાં મહત્ત્વની કામગીરીને પગલે બ્રિટીશ સરકારે તેને 'ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર'ની પદવી પણ આપી હતી. રાલ્ફ 'ડેઈલી મેઈલ'ના પ્રતિનિધિ તરીકે ભારત આવે છે ત્યારે તેના બોસ હોય છે, ઈયાન ફ્લેમિંગ. હા, એ જ ઈયાન ફ્લેમિંગ જે જેમ્સ બોન્ડ નામનું કાલ્પનિક પાત્ર સર્જીને હજુયે લોકોના દિલોમાં જીવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, ઈયાન ફ્લેમિંગે પહેલી નવલકથા 'કેસિનો રોયલ'નું એક દૃશ્ય રાલ્ફ ઈઝાર્ડથી પ્રભાવિત થઈને લખ્યું હતું. રાલ્ફ આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરિસમાં પત્રકાર તરીકે ફરજ બજાવી રહ્યો હતો ત્યારે તેણે એડિટર ઈયાન ફ્લેમિંગને એક કેસિનોમાં મળવા બોલાવ્યા હતા. ઈયાન ફ્લેમિંગ કેસિનોમાં પ્રવેશતા જ જુએ છે કે, રાલ્ફ નાઝી અધિકારીઓ સાથે પોકર રમી રહ્યો છે. સિક્રેટ એજન્ટ અને પત્રકારનું કિલર કોમ્બિનેશન ધરાવતા મજબૂત બાંધાના સ્ટાઈલિશ રાલ્ફ ઈઝાર્ડને જોઈને ઈયાન ફ્લેમિંગ ફિદા થઈ ગયા હતા. 'કેસિનો રોયલ' નવલકથામાં જેમ્સ બોન્ડ નાઝી અધિકારીઓ સાથે પોકર રમે છે, એ દૃશ્ય ફ્લેમિંગને આવી રીતે સૂઝ્યું હતું.

રાલ્ફ ઈઝાર્ડ

સપ્ટેમ્બર ૧૯૩૯માં દ્વિતિય વિશ્વયુદ્ધ શરૂ થયું એ પહેલાં વર્ષ ૧૯૩૬માં રાલ્ફ જર્મનીમાં 'ડેઈલી મેઈલ'ના બર્લિન બ્યુરો ચિફ તરીકે કામ કરતો હતો. જોકે, દુનિયા જેને 'ડેશિંગ જર્નાલિસ્ટ' તરીકે ઓળખતી હતી એ રાલ્ફ ઈઝાર્ડ બ્રિટનનો સિક્રેટ સર્વિસ એજન્ટ પણ હતો. એ વખતે રાલ્ફે નાઝીઓએ સિક્રેટ કોડ ઉકેલવા બનાવેલા એનિગ્મા નામનું મશીન ચોરવાની યોજના બનાવી હતી. રાલ્ફે વિચાર્યું હતું કે, ફ્રાંસના દરિયા કિનારે જર્મનીના ફાઈટર પ્લેનના કાટમાળમાંથી નાઝી યુનિફોર્મ મળી જાય તો જલસો પડી જાય! આ યુનિફોર્મ પહેરીને નાઝી સિક્રેટ સર્વિસમાં ઘૂસી શકાય અને એનિગ્મા ચોરવું આસાન થઈ જાય. જોકે, રાલ્ફે વિચાર્યું હતું એવું કશું થતું નથી કારણ કે, એ પહેલાં જ બ્રિટીશ લશ્કરે નાઝીઓને ખદેડીને એનિગ્મા મશીન કબજે કરી લીધું હતું. આવા તોફાની વિચારો ધરાવતા 'અસલી બોન્ડ' પત્રકારને બુરુમાં રસ પડ્યો હતો એ વાત જ કેટલી રોમાંચક છે!

રોમાંચક સફરની શરૂઆત

ચાળીસીના દાયકાના મધ્યમાં રાલ્ફ તેના સ્વભાવ પ્રમાણે ભારતમાં કોઈ પડકારજનક કામ નહીં હોવાથી થોડો ચિંતિત હતો. જોકે, બુરુ વિશે સાંભળીને તેને થોડી ટાઢક વળી હતી કારણ કે, તેને બુરુમાં 'એક્સક્લુસિવ ન્યૂઝ સ્ટોરી' દેખાતી હતી. કંઈક નવું કરવા ઉત્સુક રાલ્ફે બુરુ વિશે સાંભળતા જ આ પ્રાણી વિશે સંશોધન કરનારા વિજ્ઞાનીઓ સાથે પત્રવ્યવહાર કર્યો. બહુ બધી મગજમારી પછી રાલ્ફને ફક્ત એટલું જાણવા મળ્યું કે, બુરુ એક સરિસૃપ છે, જે ગરોળી કે ડાયનોસોર પ્રજાતિનું પ્રાણી હોઈ શકે છે! કોઈ પણ વિષયમાં ઠોસ તથ્યો અને ઊંડી છણાવટના આગ્રહી રાલ્ફને આટલી માહિતીથી સંતોષ ના થાય એ સ્વાભાવિક હતું. છેવટે રાલ્ફે બ્રિટિશ રાજ માટે ભારતમાં ફરજ બજાવતા ઝૂલોજિસ્ટ અને એગ્રિકલ્ચરલ ઓફિસર ચાર્લ્સ સ્ટોનર સાથે બુરુને શોધવા આજના અરુણાચલ પ્રદેશમાં રઝળપાટ શરૂ કરી, જે બ્રિટીશ રાજમાં 'અપર આસામ' તરીકે ઓળખાતું હતું.

‘ધ હંટ ફોર ધ બુરુ’ પુસ્તકનું કવર

ચાર્લ્સ સ્ટોનર

ચાર્લ્સ સ્ટોનર સાથે જવાનો ફાયદો એ હતો કે, તેઓ વર્ષ ૧૯૪૦માં બુરુને શોધવા ત્યાં રખડપટ્ટી કરી ચૂક્યા હતા. આ બંને બ્રિટીશરોએ જંગલો ખૂંદવાનું શરૂ કર્યું ત્યારે તેમણે ભયાનક વરસાદનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે જંગલમાં જળો અને મચ્છરોનો ઉપદ્રવ હતો. જળો તેમના શરીરનું લોહી ચૂસી લેતા હતા અને ડંખીલા મચ્છરો પણ તેમની ધીરજની કસોટી કરતા હતા. વર્ષ ૧૯૫૧માં પ્રકાશિત 'ધ હંટ ફોર ધ બુરુ' નામના પુસ્તકમાં રાલ્ફ ઈઝાર્ડે આ જંગલ પ્રવાસની અનેક રસપ્રદ ઘટનાઓ આલેખી છે.

જોકે, આ પ્રવાસમાં તેઓ બુરુ શોધી શક્યા ન હતા. છેવટે રાલ્ફ એવું માનીને સંતોષ માને છે કે, બુરુ ગરોળી કે મગર જેવા સરિસૃપ વર્ગનું પ્રાણી હોવાથી શિયાળાની ઋતુમાં જમીન નીચે કે બર્ફીલી ગુફાઓમાં નિષ્ક્રિય થઈ જતું હશે!

પર્વતારોહક તેનજિંગ નોર્ગેનો ભેટો

બુરુને શોધવામાં રાલ્ફને નિષ્ફળતા મળ્યાના બે વર્ષ પછી ૧૯૫૧માં બ્રિટીશ લશ્કરના બ્રિગેડિયર અને  જાણીતા પર્વતારોહક સર જ્હોન હંટે માઉન્ટ એવરેસ્ટ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનના રિપોર્ટિંગના આગોતરા હક્ક 'ટાઈમ' મેગેઝિને ખરીદ્યા હતા. આ દરમિયાન રાલ્ફ ઈઝાર્ડે જ્હોન હંટને એ અભિયાનમાં પોતાને સામેલ કરવા મનાવી લીધા. રાલ્ફે જ્હોનને ખાતરી આપી હતી કે, આ અભિયાનમાં જોડાવાનો મારો હેતુ ફક્ત 'ડેઈલી મેઈલ' માટે બુરુની 'સ્ટોરી' કરવાનો છે. હું પર્વતારોહણ વિશે કશું નહીં લખું...

મહાન પર્વતારોહકો એડમન્ડ હિલારી અને તિનજિંગ નોર્ગે

આમ છતાં, આ અભિયાન શરૂ થતાં પહેલાં કાઠમંડુના બ્રિટીશ રાજદૂતાવાસમાં માઉન્ટ એવરેસ્ટ જતી ટીમની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં રાલ્ફે તેનજિંગ નોર્ગેનો એક્સક્લુસિવ ઈન્ટરવ્યૂ કર્યો. આ ઈન્ટરવ્યૂમાં તેનજિંગે શેરપાઓને અપાતી અપૂરતી સગવડોની ફરિયાદ કરી હતી. આ બધી જ વાતો રાલ્ફે 'ડેઈલી મેઈલ'માં છાપી દેતા જ્હોન હંટ 'ટાઈમ' મેગેઝિનના કરારના કારણે બરાબરના ભેરવાયા હતા. આ ઈન્ટરવ્યૂ પછી રાલ્ફને વિશ્વભરમાં ખ્યાતિ મળી હતી કારણ કે, આ જ અભિયાન વખતે એડમન્ડ હિલારી અને તેનજિંગ નોર્ગે માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યા હતા. જોકે, આ ઈન્ટરવ્યૂ બદલ જ્હોન હંટે રાલ્ફને મણ મણની સંભળાવી હતી અને તેને 'માઉન્ટ એવરેસ્ટ એક્સપિડિશન'નો દુશ્મન ગણાવીને અભિયાનમાંથી બાકાત કરી દીધો હતો.

ખેર, રાલ્ફના દિલોદિમાગ પર બુરુને શોધવાની ઈચ્છા એટલી પ્રબળ હતી કે તેણે એકલપંડે માઉન્ટ એવરેસ્ટમાં રઝળપાટ કરવાનો નિર્ણય લીધો. નવાઈની વાત એ છે કે, રાલ્ફ હોકાયંત્ર કે નકશા લીધા વિના જ્હોન હંટે નક્કી કરેલા રસ્તે નીકળી પડ્યો હતો. રાલ્ફે કાઠમંડુથી ટેન્ગબોક નામના નેપાળી ગામની એક અઠવાડિયાની સફર એકલા જ ખેડી હતી, જે ખુંભુ પ્રદેશમાં ૧૨,૬૮૭ ફૂટની ઊંચાઈએ આવેલું છે. અહીં પહોંચ્યા પછી રાલ્ફે ત્રણ દિવસ રઝળપાટ કરીને જ્હોન હંટની ટુકડીનો બેઝ કેમ્પ પણ શોધી લીધો હતો. આ અંગે જ્હોનની ટીમના અમુક પર્વતારોહકોએ નોંધ્યું છે કે, રાલ્ફ બેઝ કેમ્પ સુધી પહોંચ્યો ત્યારે તેની પાસે બર્ફીલી ઠંડીથી બચવા માંડ એક સ્પોર્ટ્સ જેકેટ હતું. તેના હોઠ ભૂરા પડી ગયા હતા અને આંખો જોઈને લાગતું હતું કે, તે 'સ્નો બ્લાઈન્ડનેસ'નો ભોગ બનશે. જોકે, હિમાલયની વાદીઓમાં આટલી રઝળપાટ પછીયે રાલ્ફને બુરુ મળ્યું ન હતું. આ પ્રવાસના થોડા જ મહિનામાં રાલ્ફ અને ચાર્લ્સ સ્ટોનરે ફરી એકવાર માઉન્ટ એવરેસ્ટમાં રખડપટ્ટી કરવાનું અભિયાન શરૂ કર્યું. જોકે, આ વખતે તેમનું લક્ષ્યાંક બુરુ નહીં પણ 'હિમમાનવ’ શોધવાનું હતું. આ પ્રવાસમાં પણ તેમને હિમમાનવના કોઈ પુરાવા મળ્યા ન હતા.

હિમાલયના પ્રવાસોમાં રાલ્ફને બુરુ કે યેતીના પુરાવા સુદ્ધાં મળતા નથી એ વાતનો બહુ અફસોસ કરવા જેવો નથી કારણ કે, આ સાહસિક પ્રવાસો પછી રાલ્ફે વર્ષ ૧૯૫૪માં 'ધ ઈનોસન્ટ ઓન એવરેસ્ટ' અને ૧૯૫૫માં 'ધ એબઓમિનેબલ સ્નોમેન એડવેન્ચર' નામના બે અમૂલ્ય પુસ્તકોની આપણને ભેટ જરૂર આપી છે. આ પુસ્તકો ક્યારેય થઈ નહીં શકેલી ન્યૂઝ સ્ટોરી માટે કરેલા ‘ફર્સ્ટ હેન્ડ રિપોર્ટિંગ’ના ઉત્તમ નમૂના છે.

નોંધઃ તમામ તસવીરો ગૂગલ પરથી લીધી છે.