07 October, 2015

ઈલોન મસ્ક : ધ ગોડ ઓફ સિલિકોન વેલી


અમેરિકા-યુરોપમાં આતંકથી ત્રાસીને દુનિયાભરના શરણાર્થીઓ આવી રહ્યા છે, જેમાં 'ક્લાઈમેટ રેફ્યૂજીઝ'નો પણ સમાવેશ થાય છે. દરિયાઈ સપાટી ઊંચી આવવાથી વિસ્તારો ડૂબી જાય, રણપ્રદેશો આગળ વધે અને ખૂબ લાંબા સમય સુધી વરસાદ-પાણીનો અભાવ સર્જાય ત્યારે મજબૂર થઈને બેવતન થનારા લોકોને ક્લાઈમેટ અથવા એન્વાયર્મેન્ટલ રેફ્યૂજીના ખાનામાં મૂકવામાં આવે છે. આખરે કોઈએ પર્યાવરણના કારણે પોતાનું ઘર-વતન કેમ છોડવું પડે? આવી સ્થિતિ કેમ સર્જાય છે? આ મુશ્કેલીના મૂળમાં પેટ્રોલ-ડીઝલ જેવા બળતણોથી પર્યાવરણને થતું નુકસાન, ઊર્જા-પાણી-જમીનની અછત, વસતી વધારો, ટ્રાફિક, શહેરીકરણ અને ગંદકી જેવા માથાદુખ્ખણ પ્રશ્નો છે. આ તમામ મુશ્કેલીઓ એકબીજા સાથે સંકળાયેલી છે અને આ બધામાં એક વાત કોમન છે. ક્લાઈમેટ રેફ્યૂજીથી લઈને ઊર્જા સહિતના કોઈ પણ પ્રશ્ને એક વ્યક્તિના અભિપ્રાયનું ખાસ્સું વજન પડે છે. આવા કોઈ પણ મુદ્દે તેઓ શું કહે છે એ સાંભળવા અમેરિકન પ્રમુક બરાક ઓબામાથી માંડીને સિલિકોન વેલીના આંત્રપ્રિન્યોર, ઈનોવેટર, ઈન્વેન્ટર, સાયન્ટિસ્ટ, ફ્યૂચરોલોજિસ્ટ અને બિઝનેસમેન આતુર હોય છે. આ વ્યક્તિ એટલે ટેસ્લા મોટર્સ, સોલાર સિટી અને સ્પેસ-એક્સના સીઈઓ ઈલોન રીવ મસ્ક.

અમેરિકાની સિલિકોન વેલીમાં ઈલોન મસ્ક ફ્યૂચરિસ્ટિક બિઝનેસમેન, એન્જિનિયર, ઈન્વેન્ટર અને ઈનોવેટર તરીકે જાણીતા છે. ઈલોન પર્યાવરણને લગતા પ્રશ્નો ટેક્નોલોજી ક્ષેત્રે ઈનોવેટિવ બિઝનેસ કરીને ઉકેલવા માગે છે. ટેસ્લા મોટર્સ ઓટોમોટિવ અને એનર્જી સ્ટોરેજ ઈક્વિપમેન્ટ કંપની છે. આ કંપની વર્ષ ૨૦૧૭ સુધીમાં સામાન્ય વ્યક્તિને પરવડે એવા ભાવે ઈલેક્ટ્રિક કારનું ધમધોકાર ઉત્પાદન કરીને બજારમાં મૂકવા માગે છે. રિચાર્જેબલ બેટરી કે એનર્જી સ્ટોરેજ ડિવાઈસથી ચાલતી કારને ઈલેક્ટ્રિક કાર કહેવાય. ડિસેમ્બર ૨૦૧૪ સુધીમાં વિશ્વભરમાં કુલ સાત લાખ, ૧૨ હજાર ઈલેક્ટ્રિક કાર વેચાઈ છે, જેમાં જાપાનની નિસાન લીફ કંપનીની જ બે લાખથી પણ વધારે ઈલેક્ટ્રિક કાર કુલ ૪૬ દેશોના રસ્તા પર દોડી રહી છે. નિસાન લીફે ડિસેમ્બર ૨૦૧૦માં પહેલી હાઈટેક ઈલેક્ટ્રિક કાર બજારમાં મૂકી હતી. એ પછી વર્ષ ૨૦૧૨માં ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં આવેલી ટેસ્લા મોટર્સે નેવું હજાર કારનું વેચાણ સાથે બીજા નંબરે છે. આપણે લાંબી મુસાફરી પર લઈ જઈ શકાય એવી તેમજ હાઈ સ્પિડ ઈલેક્ટ્રિક કારની વાત કરી રહ્યા છીએ, ગોલ્ફ કોર્સ કે રિસોર્ટમાં વપરાય છે એવા નાનકડા ઈલેક્ટ્રિક વ્હિકલની નહીં. એ પ્રકારની લૉ સ્પિડ કાર ટેકનિકલ ભાષામાં લાઈટ-ડયૂટી ઈલેક્ટ્રિક વ્હિકલ તરીકે ઓળખાય છે. એવા વ્હિકલ પણ અત્યાર સુધી છ લાખ કરતા વધારે વેચાઈ ચૂક્યા છે.

ઈલોન મસ્ક

જોકે, પેટ્રોલ-ડીઝલ કારની જેમ દર વર્ષે લાખો ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરવામાં હજારો અવરોધો છે. જો ઈલેક્ટ્રિક કારનું માસ પ્રોડક્શન કરાય તો જ પ્રતિ કારનો ઉત્પાદન ખર્ચ ઓછો આવે.  કંપનીનો એક કાર ઉત્પાદનનો ખર્ચ ઓછો આવે તો જ તે બજારમાં ઓછા ભાવે કાર વેચવા મૂકીને લોકોને આકર્ષી શકે. કારની કિંમત ઓછી (બહુ ઓછી) હોય તો જ લોકો સ્પિડ અને ચાર્જિંગની મર્યાદાઓને અવગણીને ઈલેક્ટ્રિક કાર ખરીદે. કારની કિંમત ઓછો રાખવી ત્યારે જ શક્ય બને જ્યારે ઈલેક્ટ્રિક કાર માટે સૌથી મહત્ત્વની રિચાર્જેબલ બેટરીનું પણ માસ પ્રોડક્શન શક્ય બને અને કંપનીને તે સસ્તામાં પડે. હા, ઈલેક્ટ્રિક બેટરીને એકવાર રિચાર્જ કરીને ૧૫૦ કિલોમીટર સુધી ડ્રાઈવ કરી શકાય એવી હાઈટેક બેટરી ટેક્નોલોજી વિકસાવી લેવાઈ છે પણ ૧૫૦ કિલોમીટર પર ચાર્જિંગ પૂરું થઈ જાય તો? આ માટે વિકસિત દેશોમાં પેટ્રોલ પંપની જેમ ચાર્જિંગ સ્ટેશનોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું છે પણ તેની પહોંચ હજુ ઓછી છે. વળી, ઈલેક્ટ્રિક કાર બેટરીને ચાર્જ થતાં બહુ સમય લાગે છે. હવે અડધો જ કલાકમાં ૮૦ ટકા ચાર્જ થઈ જાય એવી બેટરી વિકસાવી લેવાઈ છે પણ આવી બેટરી પણ ત્યારે જ સસ્તી પડે જ્યારે તેનું માસ પ્રોડક્શન શક્ય બને. માસ પ્રોડક્શન કરીને સસ્તી બેટરીનું ઉત્પાદન શક્ય બનાવીએ તો પણ તે ચાર્જિંગ કર્યા પછી ચાલે છે તો ૧૫૦ કિલોમીટર સુધી જ! આ સિવાય ઈલેક્ટ્રિક કાર માટે પૂરતી સરકારી સબસિડી અને કરવેરાને લગતા પ્રોત્સાહનોનો અભાવ તેમજ સંશોધનો કર્યા પછી તેના વ્યવહારુ અમલ જેવી મુશ્કેલીઓના કારણે રસ્તાઓ પર ઈલેક્ટ્રિક કારનો ટ્રાફિકજામ થાય એ દિવસો હજુ દૂર છે.

... પણ આ દિવસોને નજીક લાવવા જે કંઈ મથામણ થઈ રહી છે એના 'પોસ્ટર બોય' ઈલોન મસ્ક છે. મસ્ક પાસે આ દરેક મુશ્કેલીઓના ઉપાય માટે પદ્ધતિસરની યોજના છે. કોમ્યુનિકેશન ક્ષેત્રે જે રીતે સ્ટિવ જોબ્સે એપલ કંપનીમાં ઈનોવેશન કલ્ચર સર્જ્યું કર્યું હતું એવી રીતે, મસ્કે ઓટોમોબાઈલ, એનર્જી અને સ્પેસ ક્ષેત્રે ઈનોવેશન કલ્ચર ઊભું કર્યું છે. મસ્ક પણ વર્ષ ૨૦૧૪ સુધી ફક્ત એક ડોલર (સ્ટિવ જોબ્સની જેમ) પગાર લેતા હતા. મસ્કની સોલારસિટી કંપનીએ પાવરવૉલ નામની બેટરી બજારમાં મૂકી છે, જે સૂર્યઊર્જાનો સંગ્રહ કરીને આખા ઘરને વીજળી પૂરી પાડવા સક્ષમ છે. આ ડિવાઈઝ ભારત જેવા મહાકાય દેશોની વીજઅછતની મુશ્કેલીને ઉકેલી નાંખે એવું પણ શક્ય છે! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા મુલાકાત વખતે કેલિફોર્નિયામાં ટેસ્લા મોટર્સની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મોદી અને મસ્કે ઈલેક્ટ્રિક કાર અને ઊર્જા ક્ષેત્રમાં ભારતમાં રહેલી સંભાવનાઓ મુદ્દે ચર્ચા કરી હતી. સોલારસિટી વધુમાં વધુ અમેરિકનોના ઘરમાં સૂર્યઊર્જાનો ઉપયોગ થાય એ માટે સોલાર એનર્જી સર્વિસ પણ આપી રહી છે. જો ટેક્નોલોજીની મદદથી ઈલેક્ટ્રિક કારનું સપનું પૂરું કરી શકાય અને સૂર્યઊર્જાના ઉપયોગનો વ્યાપ વધારી શકાય તો દુનિયાની કેટલી બધી મુશ્કેલીઓનો અંત આવી જાય? મસ્ક લિથિયમ બેટરી અને સોલારપાવર બેટરી ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે કારણ કે, એનાથી તેમની કંપનીને અત્યારે જ નહીં ભવિષ્યમાં પણ ફાયદો છે. જેમ કે, ભવિષ્યમાં ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપનીઓએ મસ્કની કંપની પાસેથી કદાચ બેટરી ખરીદવી પડે એવું પણ થઈ શકે છે! 

મસ્કની યોજનાઓ અત્યારે અશક્ય લાગતી હોઈ શકે પણ ગૂગલના સીઈઓ લેરી પેજ અને સર્ગેઈ બ્રીન જેવા સિલિકોન વેલીના ભેજાબજો તેમના માટે પૂજ્યભાવ ધરાવે છે. એક સમયે સિલિકોન વેલીના મોટા ભાગના બડિંગ આંત્રપ્રિન્યોરને સ્ટિવ જોબ્સ જેવું બનવું હતું અને અત્યારે બધાને ઈલોન મસ્ક જેવા બનવું છે. મસ્કને એપલના સ્ટિવ જોબ્સનું સાઈ-ફાઈ વર્ઝન કહી શકાય કારણ કે, તેઓ ટ્રાન્સપોર્ટની સાથે સ્પેસ ટ્રાન્સપોર્ટેશન જેવા અત્યંત જટિલ ક્ષેત્રમાં પણ આવી જ રીતે આગળ વધી રહ્યા છે. મસ્કની સ્પેસએક્સ કંપનીમાં ઓછામાં ઓછા ખર્ચે અવકાશમાં કેવી રીતે જવાય એ દિશામાં સંશોધન થઈ રહ્યું છે. ઈલોન મસ્ક એન્ડ કંપનીએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પુરવઠો પૂરો પાડવા ડ્રેગન સ્પેસક્રાફ્ટ ડિઝાઈન કર્યું છે, જેને અવકાશમાં તરતું મૂકવા સ્પેસએક્સે ફાલ્કન સીરિઝના બે રોકેટ પણ ડિઝાઈન કર્યા છે. હવે સ્પેસએક્સમાં ડ્રેગન સ્પેસક્રાફ્ટનું મેન્ડ વર્ઝન (સમાનવ આવૃત્તિ) પણ વિકસાવાઈ રહ્યું છે, જેમાં અવકાશયાત્રીઓ પણ સુરક્ષિત સફર કરી શકશે. મંગળ પર ઓછામાં ઓછા ખર્ચે માનવ વસાહતો સ્થાપી શકાય એ માટે સ્પેસએક્સ બીજીવાર ઉપયોગમાં લઈ શકાય એવા રોકેટ બનાવી રહી છે, જેથી ઓછામાં ઓછા ખર્ચે લોકો મંગળ પરથી આવનજાવન કરી શકે. સ્પેસએક્સના ઈનોવેશનો અને ઈલોન મસ્કની કૃતનિશ્ચયતા જોઈને વર્ષ ૨૦૦૬માં ‘નાસા’એ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કાર્ગો રિસપ્લાય કરવા ડિઝાઈન અને ડેમોસ્ટ્રેશન કરવાનો કરાર સ્પેસક્રાફ્ટને આપ્યો હતો.

જૂન ૨૦૧૫માં સ્પેસક્રાફ્ટે અમેરિકન સરકાર પાસે ચાર હજાર ઉપગ્રહોનું નક્ષત્ર અવકાશમાંથી જ સમગ્ર વિશ્વને ઈન્ટરનેટ પૂરું પાડતું હોય એવી યોજનાનું પરીક્ષણ કરવાની મંજૂરી માંગી છે. જો આ યોજના સફળ થશે તો જ્યાં કલ્પના પણ ના થઈ શકે ત્યાં ત્યાં ઈન્ટરનેટ પહોંચી જશે. અત્યારે કેલિફોર્નિયામાં આકાર લઈ રહેલી 'કેલિફોર્નિયા હાઈસ્પિડ રેલ' નામની યોજનાથી ઈલોન મસ્ક નિરાશ છે. આ કારણોસર મસ્ક અને તેમના એન્જિનિયરોએ મહિનાઓ સુધી રાત-દિવસ મહેનત કરીને 'હાયપરલૂપ' નામની અનોખી યોજના રજૂ કરી છે. કેલિફોર્નિયા હાઈસ્પિડ રેલમાં લોસ એન્જલસથી સેન ફ્રાન્સિસ્કો વચ્ચેનું ૬૧૫ કિલોમીટરનું અંતર પ્રતિ કલાક ૩૫૦ કિ.મી.ની ઝડપે એટલે કે બે કલાક અને ૪૦ મિનિટમાં કાપી શકાશે. જોકે, મસ્કે રજૂ કરેલી હાયપરલૂપ ટેક્નોલોજીનો અમલ થાય તો ૫૬૦ કિલોમીટરનું અંતર ૩૫ મિનિટમાં કાપી શકાશે. આ યોજના કાગળ પર તો સારી છે પણ તેનો યોગ્ય ખર્ચે-જોખમે અમલ કરી શકાય છે કે નહીં એ વિશે શંકા છે. જોકે, મસ્ક કહે છે કે, આ યોજના સફળ થઈને રહેશે. જાન્યુઆરી ૨૦૧૫માં મસ્કે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, અમે ટૂંક જ સમયમાં ટેક્સાસમાં વિદ્યાર્થીઓ માટે આઠ કિલોમીટર લાંબો હાયપરલૂપ બનાવવા પર કામ કરી રહ્યા છે.

મસ્ક જેવા વિઝનરી લોકો જે કંઈ વિચારે છે એના ફળ આખી માનવજાતને ચાખવા મળે છે. છેક ૧૮૮૪માં બ્રિટીશ ઈલેક્ટ્રિક એન્જિનિયર થોમસ પાર્કરે ઈલેક્ટ્રિક કાર બનાવી હતી કારણ કે, લંડનની પ્રદૂષિત હવા અને તેની આરોગ્ય પર થતી અસરોની તેને ચિંતા હતી. ૧૯મી સદીના અંતકાળમાં પાર્કરે ડિઝાઈન કરેલી ઈલેક્ટ્રિક કારનો સુવર્ણયુગ હતો પણ પેટ્રોલ-ડીઝલ કાર સામે તે લોકપ્રિય ના થઈ શકી. આ કાર લોકપ્રિયતામાં આગળ હતી પણ એનાથી માનવજાતને કેવું નુકસાન થઈ શકે છે એ સમજતા બીજા થોડા દાયકા નીકળી ગયા. આજે પણ મસ્ક જેવા ગણ્યાગાંઠયા બિઝનેસમેન જ આ વાતને સમજીને આગળ વધી રહ્યા છે. ઈલોન મસ્ક 'વન મેન આર્મી'ની જેમ ભવિષ્યની ઊર્જા કટોકટી, ટ્રાફિક, વસતી વધારો અને આ બધાના કારણે સર્જાતા પર્યાવરણીય અને માનવીય પ્રશ્નોને ઉકેલવા 'બિઝનેસ' કરી રહ્યા છે. વસતી વધારાના કારણે જ જમીન માટે યુદ્ધો થાય છે અને કદાચ એટલે જ ઊર્જાની વધારે જરૂર પડે છે. ઊર્જાની વધારે જરૂર પડે છે એટલે જ પર્યાવરણના પ્રશ્નો સર્જાય છે.

મસ્કની યોજનાઓનો અભ્યાસ કરતી વખતે સમજાય છે કે, તેમનું વિઝન શું છે!

4 comments:

  1. Dear Vishal Somting Different artical for our People Good Job Done !
    Great !!!!!!!!!!!!!!!!!

    ReplyDelete
    Replies
    1. Thanks a Lot dost. Keep Reading, Keep Sharing. :)

      Delete
  2. એક્સક્લુસિવ ઇન્ફર્મેશન.. શાર્પ ઓબ્ઝર્વેશન.. ક્લાઇમેટર રેફ્યુજીની વાત જ નવી છે અને તેવા પ્રશ્નો પર વિચાર કરનારું કોઈ છે એ વાત જ જોરદાર છે. ઇલેક્ટ્રિક કારથી માંડીને સ્પેસએક્સ સુધીની સિરિઝ, હાઇપરલૂપ સુધીની રેન્જ... રિયલી વન મેન આર્મિ જેવું કામ... બ્રેવો.. સુપર લાઇક ધીસ આર્ટિકલ

    ReplyDelete
    Replies
    1. યસ્સ. સંદીપ. અમેરિકા કેમ સુપરપાવર છે એનું કારણ છે. એ મહેનતુ પ્રજા છે. અમેરિકાની પણ આગવી મુશ્કેલીઓ છે પણ અમેરિકા એ અમેરિકા છે. સુપરપાવર એમ જ નથી બનાતું. એક જ દેશે કેટલી બધી બ્રાન્ડને જન્મ આપ્યો છે, એના પાછળ ત્યાંના લોકો છે, ત્યાંનું વર્ક કલ્ચર છે. ખાલી ભારત નહીં, પણ દુનિયાના બધા જ દેશોના મહેનતુ અને મેઘાવી લોકોને ત્યાં જઈને કામ કરવું છે કારણ કે, ત્યાં એવું વાતાવરણ અપાય છે. ઈલોન મસ્કની ટેસ્લા મોટર્સમાં પણ સૌથી ઊંચા ચાર હોદ્દામાંથી બે તો ભારતીયો છે. એની વાત પણ કરીશ ક્યારેક ડિટેઈલમાં... અમેરિકાની ટીકા કરતા લોકો કહે છે કે, એ તો બિઝનેસ કરે છે. લાલો લાભ વગર લોટે નહીં વગેરે. એ જે હોય તે, કોઈ કશું મફતમાં આપતું નથી. એશિયાના ઘણાં વિકાસશીલ દેશોમાં ભારતની મહાકાય કંપનીઓનું વર્ચસ્વ છે જ. આપણેય બિઝનેસ કરવા જ જઈએ છીએ ત્યાં. મૂળ વાત એ છે કે, સિસ્ટમ હોવી જોઈએ. જર્મન કંપની ફોક્સવેગનને અમેરિકાએ પોતાના દેશમાં તગડો બિઝનેસ કરતા રોકી નથી, પણ પોલ્યુશન સોફ્ટવેરનું કૌભાંડ બહાર આવ્યું પછી આપણે જાણીએ છીએ કે શું કર્યું અમેરિકાએ. અમેરિકન નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાના આવા હાલ થાય છે. ફૂડ પ્રોડક્ટમાં ઘાલમેલ કરનારા પર એવો દંડ ફટકારાય છે કે જિંદગીમાં બિઝનેસ કરવાને લાયક રહેતો નથી. આ પણ અમેરિકા જ છે. વારંવાર અમેરિકાનો કાળો ચહેરો બતાવનારાઓએ આ બધું પણ યાદ રાખવું જોઈએ.

      Delete