15 March, 2016

રામ, આખિર તેરી ગંગા મૈલી ક્યું હો ગઈ?


ગંગા નદીમાં વિસર્જન, સ્નાન, દાંત સાફ કરવા, કોગળા કરવા, કાનમાંથી મેલ કાઢવો, માથું ધોવું, ફૂલહાર ફેંકવા, રમતો રમવી, કપડાં ધોવા-ફેંકવા અને બિભત્સ ચેનચાળા કરવા વર્જ્ય છે. ગંગા સામે બીજા પવિત્ર તીર્થોના વખાણ પણ ના કરી શકાય. ગંગાના પાણીમાં તરતા તરતા સામે કિનારે પણ જવું પ્રતિબંધિત છે...

આ શબ્દો આજકાલના કોઈ પર્યાવરણવાદીએ નહીં પણ છેક ૧૬મી સદીમાં એક સંસ્કૃત શ્લોકમાં લખાયેલા છે. આ શ્લોકનો ભાવાર્થ એ છે કે, ગંગામાં ફક્ત પવિત્ર ડૂબકી જ મારી શકાય. બંગાળમાં ૧૬મી સદીમાં થઈ ગયેલા હિંદુ તત્ત્વજ્ઞાનના પ્રકાંડ પંડિત રઘુનંદનાએ 'પ્રાયશ્ચિત તત્ત્વ' નામના પુસ્તકમાં ગંગામાં શું ના કરી શકાય એ કહેવા આ શ્લોક લખ્યો હતો. રઘુનંદના જેવા વિદ્વાને લખેલા શ્લોક પરથી અનુમાન કરી શકાય કે, ૧૬મી સદીથી પણ ઘણાં સમય પહેલાં ગંગા દુષિત થવાનું શરૂ થઈ ગયું હશે! ગંગા હિંદુ ધર્મ-સંસ્કૃતિનું અભિન્ન અંગ હોવા છતાં તે આટલી ગંદી કેમ થઈ ગઈ? કે પછી ગંગા હિંદુ ધર્મ-સંસ્કૃતિ સાથે ગાઢ રીતે સંકળાયેલી હોવાથી જ પ્રદૂષિત છે? હજુ બીજી માર્ચે જ વારાણસી મ્યુનિસિપાલિટીએ જાહેરાત કરી છે કે, ગંગામાં પેશાબ કરનારાને રૂ. ૫૦૦ દંડ ફટકારાશે. આવો નિયમ બનાવવો પડે એ જ આપણા માટે શરમજનક નથી?

ગંગામાં થઈ રહેલા પ્રદૂષણના કારણોને બે ભાગમાં વહેંચી શકાય. એક સાંસ્કૃતિક અને બીજું આપણી કંગાળ-ખોખલી સિસ્ટમના કારણે થઈ રહેલું પ્રદૂષણ. ગંગાની આસપાસના હજારો નાના-મોટા કારખાના કચરાનો નિકાલ સીધો ગંગામાં કરે છે અને ગટરોનું પાણી ય ગંગામાં વહેવડાવાય છે. એ સાંસ્કૃતિક નહીં પણ આપણી બોદી સિસ્ટમની મુશ્કેલી છે. આ પ્રકારની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવું સહેલું છે, એ દિશામાં ગોકળગતિએ કામ પણ શરૂ થઈ ગયું છે, પણ સાંસ્કૃતિક મુશ્કેલીઓના ઉકેલો લાવવા એટલા સરળ નથી. શું આપણે નથી જાણતા કે, ગંગા પવિત્ર નદી છે? તો પણ ગંગાના વિવિધ ઘાટની આસપાસ ભયાનક ગંદકી કેમ છે? શું ગંગાની આસપાસના મંદિરોના પૂજારીઓ, મઠાધિપતિઓને હિંદુ ધર્મનું પૂરતું જ્ઞાન નથી? ગંગાને સ્વચ્છ કરવી તેમની જવાબદારી છે કે નહીં? આ પ્રકારના સવાલોમાંથી જ જવાબ મળે છે કે, કદાચ હિંદુઓ બધું જાણે જ છે પણ ગંગા પ્રત્યેની તેમની શ્રદ્ધા અને માન્યતાઓના કારણે જ ગંગા આટલી હદે પ્રદૂષિત છે અને હજુ વધારે થઈ રહી છે. જેમ કે, ગંગામાં માણસો અને પશુઓના મડદાં તરતા જોવા મળે છે. જે ગરીબ ખેડૂતોને ગાયના અગ્નિ સંસ્કાર કરવા પોસાય એમ ના હોય તેઓ ગાયનું શબ ગંગામાં પધરાવી દે છે કારણ કે, સ્વર્ગમાંથી ઊતરેલી ગંગાને શબ આપ્યા પછી કોઈ હિંદુ વિધિની જરૂર જ નથી. ગંગા એ તો માતા છે, એ બધું જ સ્વીકારી લે છે એવી હિંદુ ધર્મની માન્યતા છે.




હિંદુ ધર્મમાં ગંગાને માતાના બદલે પુત્રીનો દરજ્જો હોત તો ગંગા ચોખ્ખી હોત? શું એટલે જ આપણે આપણી માતાની જેમ ગંગાને પણ 'ટેકન ફોર ગ્રાન્ટેડ' લઈ લીધી છે? ગંગાનો ઉલ્લેખ હજારો વર્ષો પહેલાંના વૈદિક સાહિત્યમાં પણ છે. હિંદુઓના સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદના 'નદીસ્તુતિ સુક્તા'માં નદીઓને માતા કહેવાઈ છે. તેમાં સિંધુ નદી વિશે કહેવાયું છે કે, સિંધુ ગાયની જેમ તેના વાછરડા પાછળ દોડી રહી છે... એટલે કે, સિંધુની સરખામણી ગાય સાથે કરી છે. એવું નથી લખ્યું કે, સિંધુ વાછરડાની જેમ તેની માતા પાછળ દોડી રહી છે. ગંગા સદીઓથી પ્રદૂષિત થઈ રહી છે એ પાછળ આ પ્રકારની સૂક્ષ્મ માન્યતાઓ જવાબદાર હોઈ શકે? કદાચ આપણો સમાજ આ પ્રકારના સવાલો ઊઠાવી શકે એટલો પરિપક્વ નથી. એનું કારણ શું હશે?

દેશની વસતીની સાથે ગંગા સહિતની નદીઓનું પ્રદૂષણ પણ સતત વધી રહ્યું હોવા છતાં ભારતીયોની શ્રદ્ધા અડગ છે. કમ્પ્યુટર એન્જિનિયરથી લઈને ખેડૂત સુધીના કરોડો લોકોને ગંગા સ્નાન કરીને પાપ ધોવા માંગે છે. ગંગાનું પાણી અનેક જગ્યાએ કાળું પડી ગયું છે, જેમાં કેમિકલ અને ગટરનો કચરો છે, હાનિકારક બેક્ટેરિયા છે અને માનવ મળ-મૂત્રની પણ ભરમાર છે. આમ છતાં, બેંગલુરુની આઈટી કંપનીમાં નોકરી કરતો યુવાન સોફ્ટવેર એન્જિનયર, હરિયાણાનો શ્રીમંત ખેડૂત, ગુજરાતનો બિઝનેસમેન કે દક્ષિણ ભારતનો કોઈ કલાકાર ગંગા ઘાટ પર ડૂબકી મારતો હોય એવા દૃશ્યો સામાન્ય છે. અમેરિકામાં જન્મેલો અને ઉછરેલો હિંદુ પણ ગંગામાં ડૂબકી મારે છે. આ ડૂબકીઓ વાગતી હોય ત્યારે બાજુમાં ગાયનું મડદું પણ તરતું હોઈ શકે છે. કરોડો હિંદુઓ માને છે કે, ગંગા પવિત્ર છે. ગંગામાં એટલી શક્તિ છે કે એ શરીર જ નહીં, મને અને આત્મા પણ શુદ્ધ કરે છે. એટલે તેમાં સ્નાન કરવાથી બિમાર પડાતું નથી... કરોડો હિંદુઓની આવી શ્રદ્ધા સામે તર્કસંગત વાતો અને પ્રદૂષણના અહેવાલો હારી જાય છે. શું આ શ્રદ્ધાના કારણે જ હિંદુઓને ગંગા માટે લાગણી નથી થતી?

જો તમે કાશી આવીને ગંગામાં ડૂબકી ના મારો તો તમારું તીર્થાટન નિરર્થક છે એવું પણ આપણે હજારો વાર સાંભળી ચૂક્યા છીએ. કાશીમાં ગમે એટલી ગંદકી હોય હિંદુઓને કોઈ ફર્ક નથી પડતો. હિંદુઓ માટે કાશી ગંગા જેટલું જ પવિત્ર છે. ગુજરાતીમાં કહેવત છે કે, કાશીનું મરણ અને સુરતનું જમણ. ગુજરાતીઓને જ નહીં દુનિયાભરના કરોડો હિંદુઓને કાશીમાં મરવું છે. કાશીનું સંસ્કૃત નામ મહાસ્મશાનમ્ છે. હિંદુ માન્યતા પ્રમાણે, કાશી એક એવું શહેર છે જ્યાં રાત્રે શિવજી ભૂત-પિશાચો સાથે ફરવા નીકળે છે. જે લોકોના જીવનને મૃત્યુ દસ્તક મારી રહ્યું છે એવા લાખો લોકો કાશી લાભ મુક્તિ ભવન જેવી સંસ્થાઓમાં મોક્ષ પ્રાપ્ત કરવા આવે છે. અહીં તમે વધુમાં વધુ ૧૫ દિવસ રહીને મૃત્યુની રાહ જોઈ શકો છો. જો ૧૫ દિવસમાં મોક્ષ ના મળે તો બીજાને 'લાભ' અપાય છે. લાખો હિંદુઓ તેમના સ્વજનોના મૃતદેહ વિમાનમાં, કારમાં, ટ્રકમાં અને બળદગાડામાં કાશી સુધી લાવે છે અને કરોડો લોકો ગંગામાં અસ્થિ વિસર્જન કરે છે.

જવાહરલાલ નહેરુએ પણ તેમના વસિયતમાં ઈચ્છા વ્યક્ત કરી હતી કે, મૃત્યુ પછી મારી થોડી રાખ અલ્હાબાદની ગંગામાં છાંટવામાં આવે. જોકે, મારે મને તેનું બહુ ધાર્મિક મહત્ત્વ નથી... હું નાનપણથી ગંગા અને યમુના સાથે લાગણીમય રીતે બંધાયેલો છું અને તેના જુદા જુદા સ્વરૂપોને હું ચાહું છું. એટલે હું મારા અસ્થિફૂલ ગંગામાં નાંખવા માંગુ છું... નહેરુના આ શબ્દો જ સાબિત કરે છે કે, તેમના જેવા વિદ્વાન પણ હિંદુ માન્યતાઓથી સંપૂર્ણપણે અળગા રહી શક્યા ન હતા. આખરે નહેરુએ અસ્થિફૂલ નાંખવા ગંગાને જ કેમ પસંદ કરી? યમુના, ઝેલમ, કાવેરી, ગોદાવરી કે નર્મદા કેમ નહીં? નહેરુએ ગંગા વિશે નોંધ્યું છે કે, આપણે ભારતીયો આપણામાંથી ભૂતકાળની સંપૂર્ણ બાદબાકી ના કરી શકીએ. ભારતના અતિપ્રાચીન ભૂતકાળમાં ઈતિહાસનો સૂર્યોદય થયો ત્યારથી સર્જાયેલી એક સાંકળ સાથે આપણે જોડાયેલા છીએ. સભાનપણે કે અભાનપણે આપણા જીવનમાં એ હકીકતનું પ્રતિબિંબ પડે છે...

નહેરુએ કરેલી વાત ખૂબ જ ગૂઢ છે. આપણી મોટા ભાગની પૌરાણિક માન્યતાઓ હજુયે જીવિત છે. ભારતની સિંધુ સંસ્કૃતિની જેમ બેબીલોન (ઈજિપ્ત), ગ્રીસ અને રોમમાં પણ વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાઓ વિકસી છે. જોકે, આ તમામ દેશોમાં આધુનિક જીવનની શરૂઆત સાથે પૌરાણિક કથાઓ, માન્યતાઓ અને તેના પાત્રો મ્યુઝિયમ, ઈતિહાસના પુસ્તકો, વાર્તાઓ અને નાટયકળા પૂરતા સીમિત થઈ ગયા, પરંતુ ભારત અપવાદ છે. આજેય ભારતમાં પૌરાણિક પાત્રોના મંદિરો-દેરીઓ, માન્યતાઓ, ધાર્મિક વિધિઓ, સંસ્કારો અને કર્મકાંડો જીવનનો અભિન્ન હિસ્સો છે. શું આ જ સ્થિતિએ આપણા સમાજને દંભી બનાવી દીધો છે? ગંગાના ૨,૫૧૦ કિલોમીટર લાંબા પટ્ટાની આસપાસ લાખો મંદિરો છે, જ્યાં લાખો લોકો તીર્થયાત્રાએ આવે છે. આરતી, દીવડાં, ધૂપ-અગરબત્તી, ફૂલહાર અને મીઠાઈઓના નામે આ મંદિરો રોજેરોજ ગંગાને પ્રદૂષિત કરે છે. આ લાખો તીર્થયાત્રીઓના કારણે હોટેલ સહિતના ઉદ્યોગો પણ ફૂલ્યાફાલ્યા છે અને એનાથી પણ ગંગામાં પારાવાર પ્રદૂષણ થાય છે. આપણે સમય-સંજોગો પ્રમાણે આપણી ધાર્મિક વિધિઓ-માન્યતાઓમાં વૈજ્ઞાનિક અભિગમ દાખલ ના કરી શકીએ?

વિશ્વના સૌથી ઉદાર ગણાતા હિંદુ ધર્મમાં તો એની પણ વ્યવસ્થા છે. કેવી રીતે? ધ્યાનથી વાંચો. હિંદુ સાહિત્ય મૂળ બે ભાગમાં છે, એક શ્રુતિ અને બીજુ સ્મૃતિ. વેદો-ઉપનિષદો એ શ્રુતિ એટલે કે પેઢી દર પેઢી સાંભળીને સંગ્રહેલું જ્ઞાાન છે. વેદોના કોઈ લેખક નથી અને એટલે જ તે અપૌરુષેય કહેવાય છે. વેદોમાં ફેરફારને અવકાશ નથી, પરંતુ સ્મૃતિ સાહિત્યના લેખકો છે. તેમાં સમય પ્રમાણે અનેક ફેરફારો થયા છે અને એટલે જ તેના એકથી વધારે લેખકો છે. વેદાંગ, રામાયણ-મહાભારત જેવા મહાકાવ્યો, પુરાણો, શ્રુતિ સાહિત્ય પર લખાયેલા ભાષ્યો, ધર્મસૂત્ર અને સંસ્કૃતિ-કળા-સમાજ પર લખાયેલા સંખ્યાબંધ નિબંધો સ્મૃતિ સાહિત્ય છે. 

લેખની શરૂઆતમાં જેમનો ગંગા વિશેનો શ્લોક ટાંક્યો છે એ રઘુનંદનાએ હિંદુ ધર્મના નીતિનિયમોની સમજ આપવા કુલ ૨૮ સ્મૃતિ લખી હતી. જેમ કે, દયા તત્ત્વ, દિક્ષા તત્ત્વ, એકાદશી તત્ત્વ, જન્માષ્ટમી તત્ત્વ, શુદ્ધિ તત્ત્વ, તિથિ તત્ત્વ, યજુ શ્રાદ્ધ તત્ત્વ વગેરે. આ પ્રદાન બદલ પશ્ચિમી દેશોના વિદ્વાનોએ રઘુનંદનાની સરખામણી જ્હોન કોમિન્સ સાથે કરતા કહ્યું છે કે, રઘુનંદના પૂર્વના જ્હોન કોમિન્સ છે. ૧૭મી સદીમાં થઈ ગયેલા સર જ્હોન કોમિન્સે કાયદાની સમજ આપવા 'અ ડાયજેસ્ટ ઓફ ધ લૉઝ ઓફ ઈંગ્લેન્ડ' નામનું દળદાર પુસ્તક લખ્યું હતું, જે આજેય ક્લાસિક ગણાય છે. એવી જ રીતે, હિંદુ ધર્મના વિદ્વાન રઘુનંદનાએ હિંદુ સંસ્કૃતિના રોજિંદા નીતિનિયમોને જમાના પ્રમાણે ઢાળવાનું ભગીરથ કામ કર્યું હતું. અત્યારના સંજોગોમાં આપણે રઘુનંદના જેવા વિદ્વાનોના સાહિત્યનો વધુને વધુ પ્રચાર કરવાની અને આ ધરતીમાં વધુને વધુ રઘુનંદના પાકે એવી સિસ્ટમ વિકસાવવાની રૂર છે.

શું કહો છો?

2 comments:

  1. વિશાલભાઇ ખુબસરસ અને સચોટ લખ્યુ છે.. ગયા અઠવાડીયે હુ બનારસ જ હતો.. નદી મા ઘાટો પર બળતી લાશો અને ફુલો ને કચરો જોઇ મારી પણ હિંમત મા થઇ નાવાની અને નાહયા વગરજ પાછો આવ્યો.. આજુ બાજુ ના ગામમાં જેટલા લોકો મળે અ બધા ની લાશો પણ ઘાટ પર જ આવે છે..
    આજે પર્યાવરણ વિશે જાર્ગુત નઈ થઇઅે તો ધર્મ અને સંસ્કુતિ ના નામે પર્યાવરણ ને જ નુકસ‍‍ાન કરીઅે છીઅે
    ધર્મ અને સંસ્કુતિ ના મર્મ અે હતો કે વુક્ષો અને નદીઅો નુ જતન કરવામાં આવે નઇ ક દુષીત..

    ReplyDelete
    Replies
    1. બિલકુલ સાચી વાત નિલેશ.

      Delete