24 August, 2017

જિનકો થા જબાં પે નાઝ, ચૂપ હૈ વો જબાં-દરાજ


અયુબ ખાન જાલિબને વારંવાર જેલમાં ધકેલી દેતા પણ જાલિબ વધુ દૃઢ મનોબળ લઈને જેલમાંથી બહાર આવતા. ફક્ત સરકાર વિરોધી કવિતાઓ લખવાના કારણે ૬૪ વર્ષની જિંદગીમાંથી ત્રીસેક વર્ષ જાલિબે જેલમાં વીતાવવા પડ્યા હતા. સરમુખત્યારો જાલિબની કવિતાઓથી એટલા ડરતા હતા કે, જેલમાં તેમને કાગળ-પેન ના પહોંચી જાય તેનું પણ ધ્યાન રાખતા. એકવાર જાલિબને જેલમાં કવિતા લખતા રોકાયા તો તેમણે જેલરને કહ્યું કે, તમે મને કાગળ-પેન નહીં આપો તો કંઈ નહીં. હું તમારી જેલનું રક્ષણ કરતા પહેરેદારોને મારી કવિતા સંભળાવીશ. એ લોકો ચાર રસ્તે જઈને મારી કવિતાઓ ગાશે અને પછી એ શબ્દો લાહોર પહોંચી જશે...

વર્ષ ૧૯૮૧માં ઝિયા ઉલ હકના જુલમી શાસનનો વિરોધ કરવા લાહોરમાં યોજાયેલી
એક રેલીમાં પાકિસ્તાની સેનાના જવાનોએ જાલિબને ધક્કે ચઢાવ્યા અને માર માર્યો એ ક્ષણ. 


એકવાર જાલિબે અયુબ ખાનની સાથે સાથે પાકિસ્તાનની પ્રજાની પણ મજાક ઉડાવી હતી. કેવી રીતે? વિખ્યાત નજમ 'મુશીર' લખીને. આ નજમની શરૂઆત જુઓ.

મૈને ઉસસે યે કહા
યે જો દસ કરોડ હૈ, જૈહલ કા નિચોડ હૈ
ઈનકી ફિક્ર સો ગઈ, હર ઉમ્મીદ કિ કિરન
જુલ્મતો મેં ખો ગઈ, યે ખબર દુરસ્ત હૈ
ઈનકી મૌત હો ગઈ, બે શઉર લોગ હૈ
જિંદગી કા રોગ હૈ, ઔર તેરે પાસ હૈ
નકે દર્દ કી દવા...

જાલિબ અયુબ ખાનને સંબોધીને કહે છે કે, આ દસ કરોડ (પાકિસ્તાનની વસતી) લોકો અવગણનાઓનો નિચોડ છે. તેમની ચિંતાઓ, સપનાં અંધકારમાં ખોવાઈ ગયા છે. આ સાચા સમાચાર છે. આ બધી જીવતી લાશો છે, મગજ વિનાના લોકો છે. આ લોકોનું જીવન જ રોગ છે. ફક્ત તારી પાસે આ લોકોના દર્દની દવા છે...

જાલિબ લોકપ્રિય હતા એ બરાબર, પણ સાચા સર્જક-વિચારકના નસીબમાં હંમેશા સામા પાણીએ તરવાનું  હોય છે. આપણે દરેક કાળમાં જોયું છે કે, સત્યવાદીને રાજાનો તો ઠીક, પ્રજાનો સાથ ના હોય એવું પણ બને! સામાન્ય માણસો હંમેશા સરકારના પ્રોપેગેન્ડાનો શિકાર થઈ જાય છે અને ક્રાંતિની મશાલ લઈને નીકળનારા સર્જકો બદનામ થઈ જતા હોય છે. આ પ્રકારના દુ:ખમાંથી 'મુશીર' જન્મી હતી. આ નજમના આગળના શબ્દો વાંચો.

મૈને ઉસસે યે કહા
તુ ખુદા કા નૂર હૈ, અકલ કે શઉર હૈ
કૌમ તેરે સાથ હૈ, તેરે હી વજુદ સે,
મુલ્ક કી નજાત હૈ, તુ હૈ મેહરે સુબ્હે નૌ
તેરે બાદ રાત હૈ, બોલતે જો ચંદ હૈ
સબ યે શર પસંદ હૈ, ઈનકી ખીંચ લે જબાં, ઈનકા ઘોંટ દે ગલા...

આ કડીમાં જાલિબ અયુબ ખાન અને પાકિસ્તાનની પ્રજાને એકસાથે આડે હાથ લીધી છે. દુર્જનોની સક્રિયતા કરતા સજ્જનોની નિષ્ક્રિયતા વધારે ખતરનાક સાબિત થતી હોય છે. આ વાત જાલિબ જબરદસ્ત રીતે રજૂ કરે છે. અયુબ ખાનને સંબોધીને જાલિબ કહે છે કે, તુ જ ઈશ્વરનું કિરણ છુ. ડહાપણ અને જ્ઞાનની મૂર્તિ છુ. દેશની પ્રજા તારી સાથે છે. હવે ફક્ત તારી કૃપાથી જ આ દેશ બચી શકશે. તુ જ નવી સવારનું કિરણ છુ. તારા પછી અંધકાર જ છે. જે લોકો ઓછું બોલે છે. એ બધા જ ઘાતક ઉપદ્રવીઓ છે. એ લોકોની જીભ ખેંચી લે. ગળુ ઘોંટી દે...

આમ, જાલિબ હિંસાનું કામ અયુબ ખાનને સોંપીને તેમના પર પણ વ્યંગ કરે છે. વિચાર અને વ્યંગની ફટકાબાજીમાં જાલિબે મહારત હતી. જાલિબના મિત્ર અને ઉર્દૂના મશહૂર શાયર હાફિઝ જલંધરી અયુબ ખાનના સલાહકાર હતા. જલંધરી સાહેબ એટલે પાકિસ્તાનના રાષ્ટ્રગીતના રચિયતા. પાકિસ્તાનમાં તેમના માનપાન પણ વધારે. એકવાર તેમણે જાલિબને આડકતરી રીતે ફરિયાદ કરી કે, '... આજકાલ તો હું અયુબ ખાનના સલાહકાર તરીકે કામ કરું છું. બહુ કામ રહે છે. રાત્રે ત્રણ વાગે પણ ફોન કરીને જગાડે છે...'

જલંધરી સાહેબ ઉત્તમ સર્જક ખરા, પરંતુ તેમનામાં જાલિબ જેવી નિસબત અને હિંમત ન હતી. આ વાત સાંભળીને જાલિબ 'મુશીર'ની પાછળની કડીઓમાં અયુબ ખાન અને જલંધરી પર પણ ફટકાબાજી કરે છે. વાંચો અને સાંભળો. 

મૈને ઉસસે યે કહા
જિનકો થા જબાં પે નાઝ, ચૂપ હૈ વો જબાં-દરાજ
ચૈન હૈ સમાજ મેં, બે-મિસાલ ફર્ક હૈ
કલ મેં ઓર આજ મેં અપને ખર્ચ પે હૈ કેદ
લોગ તેરે રાજ મેં, આદમી હૈ વો બડા
દર પે જો રહે પડા, જો પનાહ માંગ લે, ઉસકી બક્ષ દે ખતા... 



જાલિબ ઓછા શબ્દોમાં બહુ મોટી વાત કરી દે છે. જાલિબ અયુબ ખાનને સંબોધીને જલંધરી પર ઈશારો કરતા કહે છે કે, જેમને પોતાની વાકપટુતા પર ગર્વ હતો, એવા તોછડા લોકોની જીભ શાંત છે. સમાજમાં શાંતિ છે, પણ કાલની અને આજની શાંતિના ઉદાહરણોમાં ફર્ક છે. તારા રાજમાં કેટલાક લોકો પોતાના ખર્ચા-પાણીના ગુલામ છે. એ પણ મોટા માણસ જ છે, જે તારા દરવાજે પડ્યા રહે છે. જે તારા શરણે આવી જાય, તેમની ભૂલોને તુ માફ કરી દેજે...

હાફિઝ જલંધરી રાષ્ટગીતના રચયિતા હોવાના કારણે પાકિસ્તાનીઓને યાદ છે, પરંતુ જાલિબની કવિતાઓ  પાકિસ્તાનના 'લાલ બેન્ડ'ના યુવાન રોકસ્ટાર ગાઈ રહ્યા છે. જાલિબના શબ્દોનો ખૌફ હજુયે એવો છે. આ બેન્ડ પર પણ અવારનવાર પ્રતિબંધ મૂકાય છે, તેમનું ફેસબુક પેજ બ્લોક કરાય છે અને જાહેર ચર્ચામાં ભાગ લેતા રોકાય છે. તેમનો વાંક એટલો જ છે કે, તેઓ પ્રોગ્રેસિવ છે. લાલ બેન્ડ જાલિબ અને ફૈઝ અહેમદ ફૈઝના ક્રાંતિકારી શબ્દોને સંગીતમાં મઢીને ઘરે ઘરે પહોંચાડીને ચર્ચા જગાવે છે કે, રાજકારણમાં લશ્કરની દખલગીરી ના હોવી જોઈએ, સ્ત્રીઓને પણ પુરુષો જેટલા જ હક હોવા જોઈએ વગેરે. જાલિબ ખરા અર્થમાં જીવે છે, જ્યારે જલંધરી અપ્રસ્તુત છે.     

અયુબ ખાને વિરોધને પગલે ૧૯૬૫માં ચૂંટણીઓ યોજવી પડી હતી, જેમાં જાલિબ ફાતિમા ઝીણાની તરફેણમાં હતા. જાલિબ જાણતા હતા કે, ચૂંટણી ફક્ત નામની છે, જીત તો અયુબ ખાનની જ થશે. અયુબ ખાને અમેરિકાને સોવિયેત યુનિયન સામે લડવા પાકિસ્તાનમાં એરબેઝ ઊભા કરવાની મંજૂરી આપી હતી. આ રીતે અયુબ ખાને અમેરિકાને પણ પટાવી લીધું અને પાકિસ્તાની સેનાના હિંસાચારની વિરુદ્ધમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભો થયેલો અવાજ પણ ધીમો પાડી દીધો. આ દરમિયાન અયુબ ખાને ફાતિમા ઝીણાની વિરુદ્ધમાં જડસુ માનસિકતા ધરાવતા પુરુષો અને મૌલાનાઓને ઊભા કર્યા. આ પુરુષો જાહેરમાં મૌલાનાઓને સવાલ કરતા કે, એક ઔરત દેશની હુકુમત ચલાવી શકે? આવા સવાલોના જડસુ જવાબો સાંભળીને જાલિબે મૌલાનાઓ પર પ્રહાર કરતી 'મૌલાના' નામની કવિતા લખી. આ વ્યંગબાણ પણ સાંભળો. 




હકીકત ક્યાં હૈ આપ જાને ઔર ખુદા જાને
સુના હૈ જિમી કાર્ટર આપકા હૈ પીર મૌલાના
જમીનેં હો વડેરો કી, મશીને હો લૂટેરો કી
ખુદાને લિખ કે દી હૈ આપકો તહરીર મૌલાના.

જાલિબ જિમી કાર્ટરને મૌલાનાઓના પીર ગણાવે છે અને પછી કહે છે કે, મૌલાનાઓ પાસે જમીનો વડવાઓની છે, લૂંટારુઓના હથિયાર છે. ખુદાએ તમને મિલકતો લખીને આપી દીધી છે... આજેય પાકિસ્તાનમાં ઈશ નિંદા કરનારાને સીધી ફાંસી થાય છે, જ્યારે જાલિબે અયુબ ખાનના પાકિસ્તાનમાં આ શબ્દો લખ્યા હતા. 'મુસલમાનો પર ખતરો છે' એવો પ્રચાર કરીને હિંસાને પ્રોત્સાહન આપતા લોકો સામે પણ જાલિબે 'ઈસ્લામ ખતરે મેં' નામની નજમ લખી હતી.

ખતરા હૈ દરબારો કો, શાહો કે ગમખારો કો, નવાબો ગદ્દારો કો
ખતરે મેં ઈસ્લામ નહીં

જાલિબ કહે છે કે, હવે પાકિસ્તાનમાં ઈસ્લામ નહીં પણ દરબારીઓ, રાજાઓના હમદર્દો અને નવાબો સાથે ગદ્દારી કરે એ લોકો પર ખતરો છે. જાલિબને સપ્ટેમ્બર ૧૯૭૮થી ઓગસ્ટ ૧૯૮૮ વચ્ચે ઝિયા ઉલ હકના શાસનમાં સૌથી વધારે અત્યાચાર સહન કરવો પડ્યો. કટ્ટર ઈસ્લામિક રાજના તરફદાર એવા ઝિયાનું શાસન બૌદ્ધિકો માટે ગૂંગળાવનારું હતું. ઝિયાએ જાલિબને દસ વર્ષ જેલમાં ધકેલી દીધા હતા. એ ગાળામાં જાલિબે એક 'માસ્ટરપીસ'નું સર્જન કર્યું.

ઝુલ્મત કો ઝિયા, સર સર કો સબા, બંદે કો ખુદા ક્યાં લિખના
પત્થર કો ગુહર, દીવાર કો દર, કર્ગસ કો હુમા ક્યાં લિખના
ઈક હશ્ર બપા હૈ ઘર ઘર મૈં, દમ ઘુંટતા હૈ ગુમ્બદ-એ-બે-દર મૈં
ઈક શખ્સ કે હાથોં મેં મુદ્દત સે રુસ્વા હૈ વતન દુનિયા ભર મૈં
એ દીદા-વરો ઈસ જિલ્લત કો કિસ્મત કા લિખા ક્યાં લિખના
ઝુલ્મત કો ઝિયા...

જાલિબની કલમમાંથી આ શબ્દો કેમ નીતર્યા હતા એ સમજીએ. ઝિયાના શાસનમાં પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધ આતંકી સંગઠનોને જબરદસ્ત પ્રોત્સાહન અપાતું. પાકિસ્તાનની ગલીએ ગલીએ કાલાશ્નિકોવ કલ્ચર અને ડ્રગ માફિયાનું રાજ ચરમસીમાએ પહોંચી ગયું હતું. ઘર ઘરમાં યુવા પેઢીની બરબાદી થઈ ગઈ હતી અને છતાં ઝિયા ઈચ્છતા હતા કે, સાહિત્યકારો સરકારના વખાણ કરે. આ સ્થિતિને બયાં કરવા જાલિબ શબ્દોની સુંદર કરામત કરે છે. 'ઝિયા' શબ્દનો અર્થ પ્રકાશનું કિરણ, તેજસ્વિતા એવો થાય. એટલે જાલિબ ઝુલ્મત કો ઝિયા’ નજમમાં પહેલી જ લીટીથી ઝિયા પર શાબ્દિક ફટકાબાજી કરે છે. આ પણ વાંચો અને સાંભળો. 




જુલ્મની રાતને હું પ્રકાશનું કિરણ (ઝિયા) કેવી રીતે કહું?
ઝેરી ધુમાડાને સવારની તાજી હવા કેવી રીતે કહું?
હું શેતાનને ભગવાન કેવી રીતે કહું?
પથ્થરને રત્ન, દીવાલને દરવાજો અને ગીધડાંને એક સુંદર પક્ષી કેવી રીતે કહું?
ઘરે ઘરે આફત આવી છે, દીવાલો વિનાના ગુંબજમાં પણ ગૂંગળામણ થાય છે
એક માણસના કારણે મારું વતન દુનિયાભરમાં બદનામ છે
હે ચક્ષુઓ, આ અપમાનને હું નસીબની બલિહારી કેવી રીતે કહું?

***

લાલ બેન્ડના કારણે આજેય આ પાકિસ્તાની યુવાનોમાં લોકપ્રિય છે. અખંડ ભારતમાં પંજાબના હોશિયાપુરમાં ૨૪મી માર્ચ, ૧૯૨૮ના રોજ હબીબ જાલિબનો જન્મ થયો હતો, પરંતુ ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જાલિબનો પરિવાર પાકિસ્તાન પહોંચી ગયો. તેમના પિતા પણ  પંજાબી ભાષામાં લખતા કવિ, શાયર હતા. જાલિબને પિતા પાસેથી શાયરાના મિજાજ અને ડાબેરી કર્મશીલો પાસેથી ક્રાંતિકારી વિચારો મળ્યા.

જાલિબે  'ડેઈલી ઈમરોઝ' નામના અખબારથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ યુવાકાળથી જ પ્રગતિશીલ ડાબેરી લેખક સંગઠનના સભ્ય હતા. ડાબેરી વિચારોના પ્રભાવના કારણે જાલિબ જીવનભર અમેરિકાની નીતિઓ અને મૂડીવાદને વખોડતા રહ્યા. એશિયાઈ દેશો અમેરિકાને સાથે આપી અંદરોદર ઝઘડતા ત્યારે જાલિબે 'કામ ચલે અમેરિકા કા' નજમ લખી.

નામ ચલે હરનામદાસ કા, કામ ચલે અમેરિકા કા
મૂરખ ઈસ કોશિષ મેં હૈ, સૂરજ ન ઢલે અમેરિકા કા
નિર્ધન કિ આંખો મેં આંસુ આજ ભી હૈ ઓર કલ ભી થે
બિરલા કે ઘર દીવાલી હૈ, તેલ જલે અમેરિકા કા...

અહીં બિરલા એક પ્રતીક માત્ર છે. જાલિબે 'સરકારી કવિઓ' સાથે પણ અંગત દ્વેષ-વેર નહોતું રાખ્યું. ભારત પ્રત્યે પણ તેમને ઊંડો લગાવ હતો. દુ:ખદર્દના દિવસોમાં શક્તિ મેળવવા જાલિબ લતા મંગેશકરને સાંભળતા. જાલિબે તેમની પ્રશંસા કરતી એક કવિતા પણ લખી હતી.  
 
ક્યાં ક્યાં તુને ગીત હૈ ગાયે, સુર જબ લાગે મન ઝુક જાયે
તુજકો સુનકર જી ઉઠતે હૈ, હમ જૈસે દુ:ખ દર્દ કે મારે
તેરે મધુર ગીતો કે સહારે, બીતે હૈ દિન-રૈન હમારે...     

***

આખરે ૧૨મી માર્ચ, ૧૯૯૩ના રોજ ૬૪ વર્ષની વયે જાલિબનું મૃત્યુ થયું અને પાકિસ્તાનના રૂઢિચુસ્ત શાસકો, લશ્કરી અધિકારીઓ અને મૌલાનાઓએ હાંશકારો અનુભવ્યો. જોકે, જાલિબના શબ્દો તો હજુયે પ્રસ્તુત છે. જૂન ૨૦૦૧થી ઓગસ્ટ ૨૦૦૮ દરમિયાન જનરલ મુશર્રફના શાસનનો વિરોધ કરવા કરાચી, લાહોર, ઈસ્લામાબાદ અને પંજાબના પ્રગતિશીલ મુસ્લિમોને જાલિબની કવિતાઓમાંથી શક્તિ મેળવી હતી. ૨૩મી માર્ચ, ૨૦૦૯ના રોજ આસિફ અલી ઝરદારી સરકારે જાલિબને પાકિસ્તાનના સર્વોચ્ચ પુરસ્કાર 'નિશાન-એ-ઈમ્તિયાઝ' (મરણોત્તર)થી નવાજ્યા હતા.

જ્યારે પણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું ગળું ઘોંટાય, સરકાર હિંસા-દ્વેષને પ્રોત્સાહન આપે, ગરીબના આંસુની કોઈને પડી ના હોય અને મૂડીવાદીઓનું પેટ વધુને વધુ મોટું થયા કરે ત્યારે સમજવું કે જાલિબ હજુયે પ્રસ્તુત છે.

આશા રાખીએ, જાલિબ જેવા કવિઓ ઝડપથી અપ્રસ્તુત થાય! (પૂર્ણ)

નોંધઃ પહેલા વીડિયોમાં ‘મુશીર’ નજમ સાંભળી શકાશે, બીજામાં મૌલાનાઓની ખબર લીધી એ વીડિયો છે, જ્યારે ત્રીજો વીડિયો લાલ બેન્ડે ગાયેલી જાલિબની માસ્ટર પીસ નજમ ‘દસ્તૂર’નો છે. આ લેખનો ભાગ-1

1 comment: