15 December, 2017

ઝિમ્બાબ્વેમાં મુગાબેના પતન માટે ચીનના 'ગોરખધંધા' જવાબદાર


ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેના ૩૭ વર્ષના લોહિયાળ શાસનનો આખરે અંત આવ્યો એ સ્વાભાવિક રીતે જ ભારત માટે મોટા સમાચાર ન હતા. પરંતુ 'મુગાબેના પતન પાછળ ચીન જવાબદાર છે' એવા અહેવાલો આવતા જ ભારત સહિત દુનિયાભરના દેશોએ ઝિમ્બાબ્વેની રાજકીય સ્થિતિનું માઈક્રો સ્કેનિંગ શરૂ કરી દીધું. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા 'રોયટરે' કેટલાક પુરાવા અને તથ્યોના આધારે અહેવાલ આપ્યો છે કે, ઝિમ્બાબ્વેમાં બળવો કરીને મુગાબેની સત્તા ઉથલાવી દેવાનું કાવતરું આફ્રિકાથી હજારો કિલોમીટર દૂર ચીનમાં ઘડાયું હતું. આ સમાચાર પછી અમેરિકા સહિતની વૈશ્વિક સત્તાઓના પણ એન્ટેના ઊંચા થઈ ગયા. અમેરિકા અને યુરોપના અનેક દેશોને આફ્રિકામાં 'બિઝનેસ' કરીને બધું જ લૂંટી લેવું છે, પરંતુ હવે ચીન અને રશિયા જેવો દેશો સ્પર્ધામાં છે. ઝિમ્બાબ્વેની વાત છે તો આ બિઝનેસ વૉરમાં ચીનની જીત થઈ છે.

સેનાને વિશ્વાસમાં લઈ સત્તા પરિવર્તન

ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેનું શાસન ઉથલાવી દઇ નવી સરકારની રચના કરવામાં ઝિમ્બાબ્વેની સેનાના વડા કોન્સ્ટેન્ટિનો ચિવેન્ગાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ચિવેન્ગા સારી રીતે જાણતા હતા કે, મુગાબેને હટાવવા ચીનની મદદ લેવી જરૂરી છે કારણ કે, ઝિમ્બાબ્વેમાં સૌથી વધુ રોકાણ કરનારો દેશ ચીન છે. ચીનની મદદ વિના ઝિમ્બાબ્વેમાં સત્તા પરિવર્તન થાત તો ફરી એકવાર લોહિયાળ સંઘર્ષ ફાટી નીકળવાની શક્યતા હતી. આ સ્થિતિમાં દુનિયાના બીજા દેશોની નજર (વાંચો અમેરિકા) પણ ઝિમ્બાબ્વે પર જાય અને તેઓ પણ દખલગીરી કરે. ચીન જેવા દેશને તો દખલગીરી પોસાય જ કેવી રીતે? એટલે ચીને ઝિમ્બાબ્વેની સેનાની મદદથી જ ચૂપચાપ બળવો કરાવ્યો અને નવા પ્રેસિડેન્ટ તરીકે ઇમર્સન મનગાગ્વાની નિમણૂક પણ કરી દીધી.

ઝિમ્બાબ્વેની સેનાના વડા ચિવેન્ગા ચીનના સંરક્ષણ મંત્રી ચેંગ વાંકુઆન

હવે સમાચાર છે કે, ઝિમ્બાબ્વેના નવા પ્રેસિડેન્ટે તેમની કેબિનેટમાં સેનાના ઉચ્ચ અધિકારીઓને પણ મહત્ત્વના કામ સોંપ્યા છે. કહેવાની જરૂર નથી કે, નવા પ્રેસિડેન્ટ અને સેનાના ઉચ્ચ અધિકારીઓ ચીનની જ કઠપૂતળીઓ છે. આ બળવા પછી ચિવેન્ગાએ કોઈ સીધા લાભ લીધા નથી, પરંતુ ઝિમ્બાબ્વેની અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, મુગાબેને હટાવીને કરાયેલું સત્તા પરિવર્તન કાયદેસરનું જ છે.

મુગાબેને સ્વદેશી વિચારધારા ભારે પડી

મુગાબેને તો ચીન સાથે વર્ષો જૂની મિત્રતા હતી અને એટલે જ ચીન ઝિમ્બાબ્વેમાં કરોડો ડૉલરનું રોકાણ કરી શક્યું હતું. તો પછી ચીનને અચાનક શું વાંધો પડ્યો?

વાત એમ છે કે, ચીન માટે મુગાબે 'જવાબદારી' બની ગયા હતા. (ચીન માટે ઉ. કોરિયાનો સરમુખત્યાર કિમ જોંગ પણ એ જ રસ્તે છે) મુગાબેએ ચીનને ઝિમ્બાબ્વેમાં બિઝનેસ કરવાની લાલ જાજમ બિછાવી હતી, પરંતુ મુગાબેની સ્વદેશી વિચારધારાથી ચીનને નુકસાન થઈ રહ્યું હતું. ઝિમ્બાબ્વેમાં કેટલાક કાયદા એવા છે, જે સ્થાનિક બિઝનેસને વિદેશોના ભોગે વધુ પ્રોત્સાહન આપે છે. ચીનને એ કાયદા પસંદ ન હતા. આ કાયદાના કારણે ઝિમ્બાબ્વેમાં બિઝનેસ કરતી વિદેશી કંપનીઓનો કાબૂ મૂળ ઝિમ્બાબ્વેના નાગરિકો પાસે રહે છે. આ કાયદા સામે ચીનને પણ વાંધો હતો.

ડિસેમ્બર ૨૦૧૫માં ચીની પ્રમુખ જિંગપિંગે ઝિમ્બાબ્વેની
મુલાકાત લીધી ત્યારે પ્રમુખ રોબર્ટ મુગાબે સાથે 

ઝિમ્બાબ્વેમાં પ્રેસિડેન્ટ તરીકે મનગાગ્વાની નિમણૂક થતાં જ ચીનની થિંક ટેંક 'ચાઇનીઝ એકેડેમી ઓફ સોશિયલ સાયન્સ'એ સત્તાવાર નિવેદન કર્યું હતું કે, અમને આશા છે કે નવા પ્રેસિડેન્ટ જૂના સ્વદેશી કાયદાને મર્યાદિત કરશે અથવા નાબૂદ કરી દેશે.

૨૧મી સદીમાં બિઝનેસ એજ સર્વસ્વ

મોટા દેશો નાના દેશોમાં સતત દખલગીરી કરે એ ઈતિહાસ બહુ જૂનો છે. અમેરિકા, ચીન અને ભારત પણ તેમાંથી બાકાત નથી. વર્ષ ૧૯૫૪માં ભારત અને ચીને પંચશીલના કરારો કર્યા હતા, જે પ્રમાણે બંને દેશે એકબીજાની આંતરિક બાબતોમાં દખલીગીરી નહીં કરવા સહમતિ દાખવી હતી. આ કરારો કર્યાના એક વર્ષ પછી ચીનના તત્કાલીન વડાપ્રધાન ઝોઉ એનલાઇએ પંચશીલના કરારોના આધારે એશિયા અને આફ્રિકાના દેશો સાથે મજબૂત સંબંધો બનાવવાની શરૂઆત કરી. એ વખતે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના અધ્યક્ષ માઓ ઝેદોંગ ઉર્ફે માઓ ત્સે તુંગ હતા. આ બંને નેતાઓને પંચશીલના સિદ્ધાંતો સાથે ઝાઝી લેવાદેવા ન હતી. એ વર્ષોમાં દુનિયાના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારા ફેલાવવાનું આંદોલન ચાલી રહ્યું હતું. એટલે ચીને પંચશીલના સિદ્ધાંતોની ઐસીતૈસી કરીને એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો સહિત ભારતમાં પણ સામ્યવાદી આંદોલનને ટેકો આપ્યો. આ રીતે બહારથી ટેકો આપવાથી ચીનને બીજા દેશો સામે ફક્ત વ્યૂહાત્મક ફાયદો મળતો, આર્થિક લાભ નહીં.

વર્ષ ૧૯૫૪માં ચીનના પેકિંગ સ્થિત રાજ દૂતાવાસમાં
માઓ ઝેદોંગ સાથે જવાહરલાલ નહેરુ 

ઝેદોંગ યુગમાં પણ ચીન ફક્ત એજ દેશોમાં સામ્યવાદી વિચારધારા ફેલાવવામાં સફળ થયું, જેમની સાથે તેને મિત્રતા હતી. જે દેશો સાથે ચીનને ખાટા સંબંધ હતા ત્યાંની આંતરિક બાબતોમાં માથું મારવું ચીન માટે અઘરું હતું કારણ કે, કોઈ પણ વિચારધારા ફેલાવવા માટે જે મૂડી જોઈએ એ 'સામ્યવાદીઓ' પાસે ક્યાંથી હોય! આ એ વખતના સામ્યવાદીઓની વાત છે. એ જમાનો સામ્યવાદના 'રોમેન્ટિઝમ'માં રાચવાનો હતો, પરંતુ આ ૨૧મી સદી છે. દુનિયામાં મૂડીવાદની બોલબાલા છે. હવે બીજા દેશોમાં આંદોલન કે બળવો વ્યૂહાત્મક લાભ લેવા નહીં પણ 'બિઝનેસ' કરવા થાય છે.

મેક ઇન ચાઇના અભિયાનની શરૂઆત

ચીન પણ હવે પૈસાના જોરે સત્તા પરિવર્તન કરાવી શકે છે અને ઝિમ્બાબ્વે તેનું જ તાજું ઉદાહરણ છે. ચીનમાં જ સામ્યવાદ, મૂડીવાદ અને સમાજવાદના મિશ્રણ જેવું મોડેલ અસ્તિત્વમાં આવ્યું છે એટલે તેઓને બીજા દેશમાં રાજકીય સ્તરે સામ્યવાદી વિચારધારા ફેલાવવામાં ક્યાંથી રસ હોય? ઝેદોંગ યુગ પછી ચીનમાં કેટલાક દાયકાઓ સુધી એવા નેતાઓએ શાસન કર્યું, જેમણે વિશ્વ સાથે બહુ ઓછો સંપર્ક રાખ્યો અને ચીનમાં શું થઈ રહ્યું છે- એ વિશ્વને ખ્યાલ ના આવે એ રીતે ચીનની અંદર ક્રાંતિકારી પરિવર્તનો લાવવાનો પ્રયાસ કર્યો. એ યુગમાં ચીનના કુદરતી સ્રોતોનો પણ મહત્તમ ઉપયોગ થયો. આ દરમિયાન ચીને વિદેશોમાં થતાં (અને કરાવાતા) આંદોલનો-બળવા પર ધ્યાન આપવાનું સંપૂર્ણ બંધ કરી દીધું, જેના લાભ ચીનને જ મળ્યા.

આજે આઈફોન જેવા સ્માર્ટફોનનું ઉત્પાદન પણ ચીનમાં થાય છે

ચીનના નેતાઓ દેશમાં પરિવર્તન લાવવા ક્રાંતિકારી સુધારા કરતા ચીનની આર્થિક સ્થિતિ મજબૂત થવાની શરૂઆત થઈ. ચીને 'મેક ઇન ચાઇના' અભિયાન શરૂ કર્યું. એ માટે ચીની ઉત્પાદકોને સતત વીજળી, કાચો માલ અને આંતરરાષ્ટ્રીય બજારની જરૂર હતી. આ સ્થિતિમાં રાજકારણીઓ, કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો અને લશ્કરી અધિકારીઓ સાથે ચીની કોર્પોરેટ્સની એક મજબૂત ધરી રચાઈ. જે ચીન છ-સાત દાયકા પહેલાં નાના દેશોમાં સામ્યવાદનો ફેલાવો કરી વ્યૂહાત્મક લાભ ખાટવાના પ્રયાસ કરતું, એ ચીન  હવે કોર્પોરેટ્સની મદદથી બીજા દેશોમાં બિઝનેસ માટે સત્તા પરિવર્તન કરાવે છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં ચીની કંપનીઓએ આફ્રિકન દેશોમાં કરોડોની સંપત્તિ ખરીદી છે અને ત્યાં ચીની નાગરિકો કામ પણ કરે છે. આફ્રિકાના અનેક આપખુદ અને શંકાશીલ નેતાઓને ડૉલર કરતા ચીનનો યુઆન વ્હાલો છે કારણ કે, પશ્ચિમી દેશોને રોકાણના બદલામાં રાજકીય અને આર્થિક સ્તરે ઉદારીકરણ જોઈએ છે. એ માટે આફ્રિકન નેતાઓ તૈયાર નથી એટલે ચીન ફાવી ગયું છે. માનવાધિકાર જેવી પાયાની બાબતોથી લઈને પારદર્શક વહીવટમાં પશ્ચિમી કંપનીઓનો ટ્રેક રેકોર્ડ સારો છે, તેઓને યુએનની થોડી ઘણીયે શરમ છે, પરંતુ ચીનને બિઝનેસ સિવાય કંઈ પડી નથી.

આફ્રિકાના નાના દેશોના નેતાઓનું હોર્સ ટ્રેડિંગ

આ પ્રકારના ગોરખધંધાની અસર ચીનની વિદેશનીતિ પર પણ પડે છે. યુએનમાં આફ્રિકન દેશોના કોઈ સરમુખ્યાર સામે ખરડો પસાર કરાય ત્યારે ચીન વિટોનો ઉપયોગ કરે છે અને અમેરિકા જેવા દેશોએ મ્હોં વકાસીને ઊભા રહી જાય છે. ઝિમ્બાબ્વે, ઇથોપિયા, બુરુન્ડી, નાઇજિરિયા, ઘાના, ટાન્ઝાનિયા, મોઝામ્બિક, કેન્યા, રવાન્ડા, ગેબન, ટયુનિશિયા, સિએરા લિયોન અને કોંગો જેવા દેશોના નેતાઓ પણ ચીનની તરફેણમાં મતદાન કરે છે અને ચીન પાસેથી 'ઇનામ' લઈ લે છે. આ નાના-પછાત આફ્રિકન દેશોના નેતાઓને ખબર પણ નથી હોતી કે, તેઓ કયા ખરડા વિરુદ્ધ મતદાન કરીને ચીનને સાથ આપી રહ્યા છે. આ અનેક દેશોમાં સિવિલ વૉર ચાલુ રાખવા ચીન શસ્ત્રો પણ પહોંચાડે છે. જેમ કે સુદાન.


વર્ષ ૨૦૦૨માં ચીની પ્રમુખ જિઆંગ ઝેમિન
લીબિયાના સરમુખત્યાર મુઅમ્મર ગદ્દાફી સાથે 

લીબિયામાં પણ ચીને મુઅમ્મર ગદ્દાફીને સાથ આપ્યો હતો, જેની દુનિયાભરમાં ટીકા થઈ હતી. સીરિયામાં પણ ચીન બશર અલ-અસદને સાથ આપી રહ્યું છે. બિલકુલ રશિયાની જેમ. ટૂંકમાં ચીન આફ્રિકાના 'સરમુખત્યાર' નેતાઓની સેવા કરીને મેવા ખાઈ રહ્યું છે. અમેરિકા અને તેના મિત્ર દેશો પણ બીજા દેશોમાં દખલગીરી કરીને ભાગ્યેજ કશું સારું કરે છે. ઈરાક અને લીબિયા તેના ઉત્તમ ઉદાહરણ છે. આ જ માર્ગે ચીની ડ્રેગન આગળ વધી રહ્યો છે.

મહાસત્તાઓને દખલગીરી ભારે પડી છે

એંશીના દાયકામાં મુગાબેએ ઝિમ્બાબ્વેનું વડાપ્રધાનપદ સંભાળતા પહેલાં ગોરા લોકોની લઘુમતી સામે આક્રમક 'મુક્તિ સંઘર્ષ' ખેલ્યો હતો. એ આંદોલનમાં પણ ચીને મુગાબેને પૂરેપૂરો સાથ આપ્યો હતો. જુલમી શાસકોને સાથ આપવામાં આર્થિક લાભ થતો હોય તો ચીન બીજું કશું વિચારતું નથી. જરૂર પડે ત્યાં ચીન સત્તાધારી પક્ષોના વિરોધીઓ સાથે પણ સાંઠગાંઠ કરે છે. થોડા સમય પહેલાં ચીને નેપાળમાં ભારતની કઠપૂતળી સરકાર સામે અવાજ ઉઠાવતા વિપક્ષોનું જોડાણ મજબૂત કરવા દલાલી કરી હતી. એનું કારણ પણ રસપ્રદ છે. એવું કહેવાય છે કે, ભારતે નેપાળમાં વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીની સરકાર ઉથલાવીને પુષ્પ કમલ દહલ (પ્રચંડ)ને વડાપ્રધાન બનાવ્યા હતા. રાજકીય વિશ્લેષકોના મતે, નેપાળની પ્રચંડ સરકાર ભારત તરફ ઘણું કૂણું વલણ ધરાવે છે. આ જ કારણથી ચીનને પણ શંકા છે કે, ભારતે જ નેપાળમાં ઓલીને ઉથલાવીને પ્રચંડને વડાપ્રધાન બનાવ્યા છે.   

ચીન નૈતિકતાને નેવે મૂકીને ફક્ત 'બિઝનેસ ઇન્ટરેસ્ટ' પર ધ્યાન કેન્દ્રિત કરીને વિદેશ નીતિ નક્કી કરી રહ્યું છે અને ભારત પણ એ જ માર્ગે છે. આ પ્રકારની વિદેશ નીતિમાં સામેના દેશ કરતા થોડો વધારે ફાયદો થઈ જાય તો ભારત કે ચીનને સ્થાનિક મીડિયામાં સારું એવું કવરેજ પણ મળે છે, જેનો સીધો ફાયદો જે તે દેશના રાજકારણીઓ ઉઠાવે છે. 


માર્ચ ૨૦૧૭માં નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલે બેજિંગની
મુલાકાત લીધી ત્યારે ચીની પ્રમુખ જિનપિંગ સાથે 

પ્રજા પણ મનલુભાવન અખબારી અહેવાલો જોઈને વિચારે છે કે, મેરા દેશ મજબૂત હો રહા હૈ, આગે બઢ રહા હૈ ઓર વિકાસ હો રહા હૈ... જો રોકડિયા પાકોની ખેતી કરીને ઓછી મહેનતે વધારે 'ધંધો' મળતો હોય તો મહેનત કોણ કરેકંઈક આવું જ વિચારીને રાજકારણીઓ આવું લોલીપોપ રાજકારણ છોડતા નથી અને અમેરિકા-ચીન જેવા દેશોના કારણે આ દુષચક્ર ચાલ્યા જ કરે છે. 

***

વિશ્વની જુદી જુદી થિંક ટેન્કે કરેલા અભ્યાસ પ્રમાણે, અમેરિકાએ ૧૯૪૬થી ૨૦૦૦ વચ્ચે બીજા દેશોમાં સત્તા પરિવર્તન અને તોડફોડ કરવા સરેરાશ ૮૦ પ્રયાસ કર્યા હતા, જ્યારે રશિયાએ ૩૬ વાર. હવે અમેરિકા તેના જ કર્મોના ફળ ભોગવી રહ્યું છે. રશિયાએ પણ અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને ફાયદો થાય એ રીતે હિલેરીને બદનામ કરવા જેવા ઘણાં બધા કામ કર્યા હતા. મહાસત્તાઓએ કરેલી દખલગીરીની આખી દુનિયાએ કિંમત ચૂકવવી પડે છે. અફઘાનિસ્તાનમાં રશિયાને હંફાવીને (કહેવાતા) વ્યૂહાત્મક લાભ લેવાના બહાને અમેરિકાએ જ તાલિબાનોને ઊભા કર્યા હતા એય ઇતિહાસ જાણીતો છે. અલ કાયદા અને ઇસ્લામિક સ્ટેટના આતંકનો ભોગ એકલું અમેરિકા નહીં, આપણે પણ બન્યા છીએ.

સુપરપાવર બનવાના ખ્વાબ જોતા ચીને ઇતિહાસ યાદ રાખવો જોઈએ કે કૂટનીતિને ધ્યાનમાં રાખીને કરેલા કુનીતિથી કોઈનો ઉદ્ધાર થયો નથી, પરંતુ આશાવાદીઓ ઈતિહાસની હંમેશા અવગણના કરતા હોય છે!

No comments:

Post a Comment