29 January, 2018

...અને જ્યાં કોઈ ના પહોંચી શક્યું, ત્યાં એક ગુજરાતી પહોંચ્યો


બ્રહ્મપુત્રના અગાઉના ત્રણ લેખમાં આપણે આ નદીના પૌરાણિક મહત્ત્વથી માંડીને તેના રૂટનો અધકચરો નકશો કેવી રીતે તૈયાર કરાયો, એ વિશે વાત કરી. આજે તો ભારત પાસે નદીઓ-પર્વતોની ભૂગોળ સમજવા સેટેલાઈટ ટેક્નોલોજી છે, પરંતુ દાયકાઓ પહેલા બ્રહ્મપુત્રના રૂટની માહિતી મેળવવા નૈન સિંઘ રાવત, મણિ સિંઘ, દોલ્પા, નેમ સિંઘ અને કિંથુપ જેવા અનેક ભારતીય સાહસિકોએ હિમાલયમાં જીવના જોખમે મહિનાઓ સુધી રઝળપાટ કરી હતી. આ બધા જ પ્રવાસીઓમાં સૌથી જાણીતું નામ એટલે નૈન સિંઘ રાવત. બ્રહ્મપુત્રનો રૂટ જ નહીં, પરંતુ ભારતની પૂર્વે પથરાયેલી હિમાલય પર્વતમાળાની દુર્લભ માહિતી ભેગી કરવા બદલ રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૭૭માં નૈન સિંઘનું પેટ્રન્સ મેડલ આપીને સન્માન કર્યું હતું.

કટ ટુ ૨૦૦૪.

માઉન્ટેઇનિયરિંગની દુનિયાના ઓસ્કર ગણાતા
પિઓલેટ્સ ડિ’ઓર એવોર્ડ સાથે હરીશ કાપડિયા 

નૈન સિંઘને પેટ્રન્સ મેડલ મળ્યાની ઘટનાને ૧૪૦ વર્ષના વ્હાણા વીતી ગયા પછી ૨૦૦૪માં ફરી એક ભારતીય સાહસિકને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું. એ ભારતીય એટલે મુંબઈસ્થિત ગુજરાતી માઉન્ટેઇનિયર, એક્સપ્લોરર, હિમાલયન એક્સપ્લોરેશનને લગતા ડઝનેક પુસ્તકોના લેખક તેમજ 'હિમાલયન જર્નલ'ની ભારતીય આવૃત્તિના એડિટરનો હોદ્દો સળંગ ૨૮ વર્ષ સુધી શોભાવનારા હરીશ કાપડિયા. હરીશ કાપડિયા એટલે સિઆંગ નદી ચોક્કસ ક્યાંથી ભારતમાં પ્રવેશે છે એ સ્થળે પહોંચનારા પહેલા સાહસવીર. ગુજરાત માટે ગૌરવની વાત છે કે, જે સ્થળે પહોંચવા દુનિયાભરના એક્સપ્લોરર્સ દોઢ સદીથી પ્રયાસ કરતા હતા, ત્યાં એક ગુજરાતી નરબંકો પહોંચી ગયો. રસપ્રદ વાત એ છે કે, હરીશ કાપડિયાએ આ ઐતિહાસિક સિદ્ધિ પેટ્રન્સ મેડલ મળ્યાના એક વર્ષ પછી, ૨૬મી નવેમ્બર ૨૦૦૪ના રોજ, નોંધાવી હતી.

એ વિશે વાત કરતા પહેલાં થોડી જાણકારી.  

અરુણાચલ પ્રદેશના પહાડી જંગલોમાં રખડપટ્ટી

હરીશ કાપડિયાનું નામ એક સરેરાશ ગુજરાતી માટે અજાણ્યું હોઈ શકે, પરંતુ હિમાલયન એક્સપ્લોરેશનની દુનિયામાં તેમનું નામ ખૂબ આદરથી લેવાય છે. ૭૨ વર્ષીય હરીશ કાપડિયા ૫૦ વર્ષની કારકિર્દીમાં હિમાલયના અનેક પ્રદેશો ધમરોળી ચૂક્યા છે. તેઓ ૨૦૦૩થી દર વર્ષે એકવાર અરુણાચલ પ્રદેશના પ્રવાસે જઈને નવા વિસ્તારો ખૂંદે છે અને એ વિશે લખે છે.


અરુણાચલ પ્રદેશનો જિલ્લા નકશો. છેલ્લાં કેટલાક વર્ષોમાં
વહીવટી સરળતા માટે અમુક જિલ્લાને બે ભાગમાં વહેંચી દેવાયા છે 

હિમાલય પર્વતમાળામાં સૌથી અજાણ્યો વિસ્તાર એટલે ૨ જિલ્લામાં ફેલાયેલો અરુણાચલ પ્રદેશ. આજેય અહીંના અનેક પહાડી જંગલ વિસ્તારો અતિ દુર્લભ છે. એક યોજનાના ભાગરૂપે ૨૦૦૩માં તેમણે તવાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ખેડાણ કર્યું અને બુમ લા નામના વિસ્તાર સુધી પહોંચ્યા. દરિયાઈ સપાટીથી ૪,૬૦૦ મીટર ઊંચે આવેલા બુમ લાના ગાઢ જંગલોમાં ભારત-ચીનની સરહદ છે. આ દરમિયાન તેઓ પશ્ચિમ કામેંગ જિલ્લામાં આવેલો પોશિંગ લા માઉન્ટેઇન પાસ ઓળંગીને બોમડિલાથી તુલુંગ લા થઈને 'બેઇલી ટ્રેઇલ' સુધી પણ ગયા. આ વિસ્તારોમાં ભ્રમણ કરીને તેમણે અરુણાચલ પ્રદેશના સૌથી ઊંચા શિખર કાંગટોની (૭૦૬૦ મીટર) તસવીરો પણ ક્લિક કરી, જે ભારત-ચીન સરહદની વચ્ચે આવેલું છે. આ શિખરને ચીન દક્ષિણ તિબેટનો હિસ્સો ગણાવીને દાવો કરી રહ્યું છે.

બોમડિલા નજીક ઇગલ્સ નેસ્ટ વાઇલ્ડલાઇફ અને સેસા ઓર્કિડ નામના ભારતના બે અનોખા અભયારણ્ય આવેલા છે. બોમડિલામાં આકાશવાણીનું કેન્દ્ર પણ છે. આમ છતાં, એક સરેરાશ ભારતીય અહીંના મોટા ભાગના રાજ્યોથી અજાણ છે. હરીશ કાપડિયાએ અહીંના પહાડી જંગલોમાં અનેક ખીણો અને માઉન્ટેઇન પાસમાંથી આગળ જવાના રસ્તા શોધી કાઢ્યા છે. ખીણોની ધાર પર આવેલા પર્વતોમાંથી નીકળતી કેડીઓને 'માઉન્ટેઇન પાસ' કહેવાય. વેપાર અને સ્થળાંતરનો ઈતિહાસ જાણવા, લશ્કર માટે ચોકીઓ ઊભી કરવા, યુદ્ધને ધ્યાનમાં રાખીને રસ્તા બનાવવા તેમજ નવી વનસ્પતિઓ અને પશુ-પંખીઓની જાણકારી મેળવવા આ પ્રકારના રૂટ ઘણું મહત્ત્વ ધરાવે છે. અરુણાચલ પ્રદેશ આજેય વનસ્પતિશાસ્ત્રીઓનું સ્વર્ગ ગણાય છે.  

બિશિંગની ખીણમાં ઉતર્યા તો ઉપર નહીં આવી શકો!

અરુણાચલમાં એકાદ વર્ષના વૉર્મ અપ સેશન પછી હરીશ કાપડિયાએ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વી. કે. શશીન્દ્રન, પર્વતારોહક મોટુપ ચેવાંગ તેમજ યોનતોન અને શેરિંગ નામના બે સ્થાનિક સાથે એક એક્સપિડિશનનું આયોજન કર્યું. આ પ્રવાસના મુખ્ય બે હેતુ હતા. પહેલો- સાંગપો નદી ચોક્કસ ક્યાંથી ભારતમાં પ્રવેશે છે એ સ્થળની સંપૂર્ણ ભૌગોલિક માહિતી ભેગી કરવાનો અને બીજો- સિઆંગ ખીણ ઉપરથી નામચા બારવા પર્વત દેખાય છે કે નહીં એ તપાસવાનો.
તિબેટમાંથી દેખાતો નામચા બારવા પર્વત
નામચા બારવા અને ગ્યાલા પેરી સાથેના વિસ્તારનો નકશો

આ બે હેતુ સાથે હરીશ કાપડિયાએ નવેમ્બર ૨૦૦૪માં અપર સિઆંગ જિલ્લાના (અરુણાચલમાં લૉઅર, ઇસ્ટ અને વેસ્ટ સિઆંગ નામના જિલ્લા પણ છે) પહાડી ગામ બિશિંગમાંથી ચીન સરહદ નજીક આવેલો ગુયોર લા માઉન્ટેઇન પાસ ઓળંગીને સિઆંગ નદીની ખીણ તરફ જવાનું નક્કી કર્યું. એ સ્થળેથી નામચા બારવા પર્વત સ્પષ્ટ જોઈ શકાય છે. સાંગપો નદીની ભૂગોળ સમજવા એ દૃશ્ય જોવું જરૂરી હતું. આ વિસ્તાર હરીશ કાપડિયા પહેલાં કોઈ પર્વતારોહક જોઈ શક્યો નથી. કુલ છ દિવસના આ ટ્રેકમાં બિશિંગ ગામની ખીણમાં ઉતરીને, સિઆંગના કિનારે આગળ વધીને, ગાઢ જંગલોમાંથી પસાર થવામાં સફળતા મળે તો ગુયોર લા પહોંચી શકાય! બિશિંગમાંથી હરીશ કાપડિયાની ટીમ નીકળી ત્યારે કેટલીક સ્થાનિક મહિલાઓએ ગુસપુસ પણ કરી કે, 'એકવાર આ લોકો અહીંથી નીચે ઉતરી ગયા તો ઉપર નહીં આવી શકે...'

અરુણાચલના મોટા ભાગના પહાડી ગામોમાં સ્થાનિકોએ અવરજવર કરવા વાંસના પુલો અને નિસરણીઓ બનાવી છે, પરંતુ આ સ્થળે તો સ્થાનિકોય જવાનું ટાળતા. કેટલાક પર્વતો પર તો આગળ વધવા ૬૦ ફૂટ ઊંચી નિસરણીઓ બનાવાઈ છે, જેના પર ચઢતી વખતે નીચે ખીણમાં ધસમસતી સાંગપો જોઈ શકાય છે.

ટ્રેકમાં અતિ ઝેરી સાપ રસેલ્સ વાઇપર મળ્યો અને...

જોકે, હરીશ કાપડિયા ૫૯ વર્ષની ઉંમરે પોતાની ટીમ સાથે ઝાડીઓ પકડીને આશરે પાંચ હજાર ફૂટ ઊંડી ખીણમાં ઉતરીને સાંગપોના કિનારે પહોંચી ગયા. એ પછી શરૂ થયો ગુયોર લા પહોંચવાનો ટ્રેક. આ ટ્રેકમાં સૌથી આગળ યોનતોન રહેતો, જે ઝાડી ઝાંખરા સાફ કરીને રસ્તો બનાવતો અને શેરિંગ જળો, ઝેરી સાપ અને બીજા જીવજંતુઓ હુમલો ના કરે તેનું ધ્યાન રાખીને ટીમને આગળ વધારતો. અહીંના જંગલોમાં વરસાદ પડે ત્યારે વૃક્ષો પરથી ઝેરીલા જીવજંતુઓનો પણ ટપક્યા કરે, જેમાંથી જીવતા બહાર નીકળવું ગમે તેવા સર્વાઇવલ એક્સપર્ટ માટે લગભગ અશક્ય. અહીં દુનિયાના સૌથી ઝેરી સાપોમાંનો એક રસેલ્સ વાઇપર પણ જોવા મળે છે.


હરીશ કાપડિયાનું પાને પાને ક્યારેય નહીં
સાંભળેલી કહાનીઓ બયાં કરતું  પુસ્તક 

હરીશ કાપડિયા 'ઈન ટુ ધ અનટ્રાવેલ્ડ હિમાલયઃ ટ્રાવેલ્સ, ટ્રેક્સ એન્ડ ક્લાઇમ્બ્સ' નામના પુસ્તકમાં લખે છે કે, ''...એકવાર અમે એક રસેલ્સ વાઇપર જોયો, પરંતુ અમે સાપને ધ્યાનથી જોઈએ એ પહેલાં તો અમારા ગાઇડે તેનું માથું કાપી નાંખ્યું. એ દિવસે તેમણે પાર્ટી કરી. બીજા પણ એક પ્રસંગે તેમણે એક સાપના રામ રમાડી દીધા હતા, પરંતુ એ સાપ તેમણે ખાધો નહીં કારણ કે, એ સાપ ઝેરી નહોતો. તેમણે કહ્યું કે, ફક્ત ઝેરી સાપ જ સ્વાદિષ્ટ હોય! આ સ્થાનિકો ગિલોલના એક જ ઘાથી ગમે તેવી ઝડપે ઊડતા પક્ષીને મારી નાંખતા. તેઓ અમને કહેતા કે, અમે ઊડતા એરોપ્લેન અને માણસ સિવાય બધાનો શિકાર કરીએ છીએ અને બધું ખાઈએ છીએ...''

સાંગપો નદીના કિનારે એક જાદુઇ રાત્રિ

આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને હરીશ કાપડિયાની ટીમ મેકમોહન લાઇન નજીક આવેલા ૧,૭૬૦ મીટર ઊંચા ગુયોગ લા માઉન્ટેઇન પાસ પહોંચી. એ સ્થળે ભારતીય સેનાએ હેલિકોપ્ટરોમાંથી ઉતરીને અશોક સ્તંભ મૂક્યો છે, જે ભારતીય પ્રદેશ શરૂ થયો હોવાનો સંદેશ આપે છે.

એ સ્થળે ચારેય બાજુ સાંગપોના વહેણમાં તણાઈને આવેલા વૃક્ષોના મૂળસોતા ઉખડેલા ભીના થડ પથરાયેલા હતા. ભેજવાળા અને ઠંડા જંગલના કારણે કેમ્પફાયર માટે સૂકા લાકડા મળી શકે એમ ન હતા. આ એ જ સ્થળ હતું, જ્યાં કિંથુપે તિબેટમાંથી ભારત તરફ એંશી કિલોમીટર અંદર આવીને લાકડાના ૫૦૦ બ્લોક તૈયાર કરીને સાંગપોના વહેણમાં નાંખ્યા હતા. એ વિસ્તારના પહાડો પર ક્લાઇમ્બિંગ કરીને  હરીશ કાપડિયાની ટીમ આગળ વધી અને થોડા જ સમયમાં તેઓ સાંગપો નદી વળાંક લઈને ભારતમાં પ્રવેશે છે, એ સ્થળે પહોંચી. નામચા બારવા અને ગ્યાલા પેરી પર્વતો નજીક સાંગપો અંગ્રેજીના 'એસ' આકારમાં લટકો લઈને ભારતમાં પ્રવેશે છે. આજે પર્વતારોહણની દુનિયામાં એ સ્થળ 'એસ બેન્ડ' તરીકે ઓળખાય છે. આ નામ પણ હરીશ કાપડિયાએ જ આપ્યું છે.
સાંગપો ‘એસ’ આકારમાં લટકો લઈને
આ  સ્થળેથી ભારતમાં પ્રવેશે છે

‘એસ’ બેન્ડ પહોંચતા જ આખી ટીમ મંત્રમુગ્ધ થઈને થોડી ક્ષણો સુધી સાંગપોના ભારતમાં પ્રવેશતા પ્રવાહને જોતી રહી. જે સ્થળે પહોંચવા અનેક સાહસિકો દાયકાઓથી ઝઝૂમી રહ્યા હતા, ત્યાં એક ગુજરાતી પોતાની ટીમને લઈને પહોંચી ગયો. એ જ સ્થળેથી સાંગપો અપર સિઆંગ જિલ્લાના તુતિંગ ગામ તરફ વહીને સિયોમ નદીને મળીને આસામ તરફ આગળ વધે છે, જ્યાં તે લોહિત અને દિબાંગ નદીને મળીને બ્રહ્મપુત્ર બને છે અને પછી બાંગ્લાદેશ તરફ જાય છે. એ દિવસે હરીશ કાપડિયાની ટીમે સાંગપોના કિનારે રાત વીતાવી, જેને તેઓ જીવનની સૌથી 'જાદુઇ રાત્રિ' કહે છે.

એ ટ્રેકમાં હરીશ કાપડિયાને અનેક સ્થળે નાના મોટા અકસ્માતોનો સામનો કરવો પડ્યો હતો. સાંગપોના કિનારેથી પરત ફરતી વખતે તેમના જેવા અઠંગ પર્વતારોહક ૧૫૦ ફૂટ નીચે લપસીને ઈજાગ્રસ્ત થયા હતા. એ પછી સતત ચાર કલાક પીડા ભોગવીને તેઓ મુખ્ય પર્વતની કેડીએ પહોંચી શક્યા હતા.

પર્વતારોહણના 'ઓસ્કર' ગણાતા એવોર્ડનું સન્માન

પર્વતારોહણ અને હિમાલય એક્સપ્લોરેશનમાં જબરદસ્ત પ્રદાન આપવા બદલ હરીશ કાપડિયાને ત્રીજી નવેમ્બર, ૨૦૧૭ના રોજ દક્ષિણ કોરિયામાં લાઇફ ટાઇમ એચિવમેન્ટ પિઓલેટ્સ (આઈસ એક્સ) ડિ'ઓર એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. ટ્રેકિંગની દુનિયાનું 'ઓસ્કર' ગણાતું આ સન્માન આજ સુધી કોઈ ભારતીયને મળ્યું નથી.

૧૯૬૪માં હરીશ કાપડિયા અને તેનજિંગ નોર્ગે 

સિઆંગ ભારતમાં પ્રવેશે છે એ સ્થળે પહોંચ્યા, એ તો હરીશ કાપડિયાની હિમાલયન સિદ્ધિઓ પૈકીની એક નાનકડી સિદ્ધિ છે. તેઓ હિમાલયના દુર્લભ ગણાતા દેવતોલી (૬૭૮૮ મીટર), બંદરપૂંછ (૬૧૦૨), પારિલુંગબી (૬૧૬૬), લુંગસર કાંગરી (૬૬૬૬) અને લદાખના સૌથી ઊંચા રૂપશુ શિખરમાં ક્લાઇમ્બિંગ પોસિબિલિટીઝ ખોજી ચૂક્યા છે. હરીશ કાપડિયાની આગેવાનીમાં બ્રિટીશર પાંચ વાર, ફ્રેન્ચ બે વાર અને જાપાનીઝ એક વાર હિમાલયમાં આંતરરાષ્ટ્રીય એક્સપિડિશન કરી ચૂક્યા છે . તેઓ રિમો-૧ (૭૩૮૫ મી), ચોંગ કુમદાન કાંગરી (૭૦૭૧), સુદર્શન અને પદ્મનાભ પર્વત (૭૦૩૦) તેમજ પંચચુલી નામના પાંચ પર્વતો (૬૯૦૪)માં પણ એક્સપ્લોરેશન કરી ચૂક્યા છે. ઈન્ડિયન માઉન્ટેઇનિયરિંગ ફાઉન્ડેશને ૧૯૯૩માં તેમનું સુવર્ણ ચંદ્રક આપીને સન્માન કર્યું હતું.

આજેય દુનિયાભરમાં તેમને હિમાલયન ટ્રેકિંગ અને એક્સપ્લોરેશન પર બોલવા આમંત્રણો અપાય છે. હાલ તેઓ બ્રિટીશ અલ્પાઇન ક્લબના માનદ્ સભ્ય તરીકે સેવા આપે છે. હરીશ કાપડિયાએ  હિમાલયના દુર્લભ વિસ્તારોની તસવીરો અને નકશાનું કલેક્શન અમેરિકન અલ્પાઇન ક્લબ અને સ્વિસ નેશનલ મ્યુઝિયમને ભેટમાં આપી દીધું છે. અમેરિકાના ડિઝની વર્લ્ડના એનિમલ કિંગ્ડમમાં 'એક્સપિડિશન એવરેસ્ટઃ લિજેન્ડ્સ ઓફ ફોરબિડન માઉન્ટેઇન્સ' નામના પોઇન્ટ પર હરીશ કાપડિયાનું 'મીટિંગ ધ માઉન્ટેઇન્સ' નામનું પુસ્તક પ્રદર્શિત કરાયું છે. હરીશ કાપડિયા હિમાલયન માઉન્ટેઇનિયરિંગ અને એક્સપ્લોરેશનની અતિ દુર્લભ માહિતી પીરસતા ડઝનેક પુસ્તકો લખી ચૂક્યા છે. તેમના કાર્યકાળમાં જ 'હિમાલયન જર્નલ'ની ભારતીય આવૃત્તિને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વસનિયતા હાંસલ થઈ હતી.     

***

હરીશ કાપડિયા ૧૯૭૪માં નંદાદેવી અભયારણ્યની ૬,૨૦૦ મીટર ઊંડી ખાઈમાં લપસી પડ્યા હતા. આ અકસ્માત પછી તેમના સાથીદારોએ ૧૩ દિવસની જહેમત પછી હરીશ કાપડિયાને બેઝ કેમ્પ પહોંચાડ્યા હતા. આ અકસ્માતમાં તેમના થાપાના હાડકાને ભારે નુકસાન થયું હતું, જેથી બેઝ કેમ્પથી તેમને હેલિકોપ્ટરમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. આ ઘટના પછી તેમણે લગભગ બે વર્ષ સુધી આરામ કર્યો, પરંતુ સાજા થતા જ ફરી પાછા જંપીને બેસવાના બદલે આજે ૭૨ વર્ષેય સતત ડુંગરોમાં ભમી રહ્યા છે.

નોંધઃ આ લેખના ભાગ- અને 

22 January, 2018

કિંથુપ : નૈન સિંઘનું અધૂરું કામ પૂરું કરનારો દરજી


નૈન સિંઘ રાવતે ૧૫૦ વર્ષ પહેલાં નેપાળ અને તિબેટમાં આવેલા હિમાલયની પર્વતમાળાઓમાં એકલપંડે પ્રવાસ કરીને સાંગપોનો નકશો તૈયાર કર્યો હતો. એ માટે તેમણે ૧૮૬૫માં કાઠમંડુથી લ્હાસા અને ૧૮૭૩માં લેહથી લ્હાસા સુધી આશરે પાંચેક વર્ષ ૩,૫૦૦ કિલોમીટર પહાડી જંગલોમાં રઝળપાટ કરી હતી. 

હવે આગળ વાત.

નૈન સિંઘ પાછા આવ્યા ત્યારે ખબર પડી કે, લ્હાસાની પૂર્વે ચેતાંગ નામના પ્રદેશમાં ચીની સૈનિકોએ તેમને અટકાવી દીધા હતા. જોકે, ચીની સૈનિકોએ નૈન સિંઘને પકડી ના લીધા, પરંતુ તિબેટની વિરુદ્ધ દક્ષિણ દિશા (ભારત) તરફ જવાની ફરજ પાડી. છેવટે નૈન સિંઘે અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાની સરહદેથી ભારત પાછા આવવું પડ્યું. ભારત પાછા આવીને તેમણે બ્રિટીશરોને સાંગપો નદીની ઘણી બધી માહિતી તો આપી, પરંતુ લ્હાસામાં વહેતા સાંગપોના વહેણ વિશે તેમની પાસે કોઈ માહિતી ન હતી. લ્હાસામાં વહેતી 'લ્હાસા' નામની નદી સાંગપોની જ ઉપ નદી છે એ વાત આજે તો ઉપગ્રહોની મદદથી સાબિત થઈ ગઈ છે, પરંતુ એ જમાનામાં નૈન સિંઘ જેવા જ બીજા અનેક સાહસિકોએ સાંગપો વિશે આવી નાની-નાની માહિતી ભેગી કરવા જોખમી પ્રવાસ ખેડવા પડ્યા હતા.

નૈન સિંઘનું અધૂરું કામ શરૂ કરનારા સાહસિકો

નૈન સિંઘ ભારત પાછા આવ્યાના બીજા જ વર્ષે, ૧૮૭૪માં, સર્વે ઓફ ઈન્ડિયાએ આસામ ડિવિઝનનું કામ લેફ્ટનન્ટ હેનરી હરમાન નામના બ્રિટીશરને સોંપાયું. લેફ્ટનન્ટ હરમાન ભૌગોલિક બાબતોના જાણકાર, સાહસિક, ખડતલ અને ઉત્સાહી લશ્કરી અધિકારી હતા. તેમણે પૂર્વ ભારતની અનેક નદીઓના જુદા જુદા વહેણની માપણી કરી હતી. સિઆંગ નદીનો પ્રવાહ જોઈને તેમને શંકા ગઈ હતી કે, સિઆંગ નદી જ સાંગપો હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ શંકાનો કીડો શાંત કરવા લેફ્ટનન્ટ હરમાને ૧૮૭૮માં નેમ સિંઘ નામનો એક યુવક તૈયાર કર્યો. નેમ સિંઘના મદદનીશ તરીકે તેમણે દાર્જિલિંગના કિંથુપ નામના બીજા એક યુવકની પણ ભરતી કરી. આ બંનેને તેમણે સિઆંગ કિનારે કિનારે ચાલીને તેનો રૂટ તૈયાર કરવાનું કામ સોંપ્યું.


કિંથુપ

નેમ સિંઘ અને કિંથુપ સાંગપોની દિશામાં તિબેટના ચેતાંગ નજીક પહોંચ્યા અને ચીનના સૈનિકોની નજરથી બચીને શક્ય એટલી માહિતી ભેગી કરી. તેઓ ગ્યાલા પેરી અને નામચા બારવા પર્વતથી પણ દૂરસુદુરના વિસ્તારોમાં પહોંચી શક્યા હતા. નેમ સિંઘ અને કિંથુપ પાછા આવ્યા ત્યારે તેમની પાસે સાંગપોના વધુ ૪૬૦ કિલોમીટરના રૂટની માહિતી હતી. આશરે ૧૩૯ વર્ષ પહેલા આ બહુ જ મોટી સિદ્ધિ હતી. એ વખતે હિમાલયમાં રઝળપાટ કરનારા લોકો પાસે સર્વાઇવ થવા અત્યારના જેવા હાઇટેક ઇક્વિપમેન્ટ ન હતા.

લેફ. હરમાનને સાંગપોની માહિતીથી સંતોષ નહોતો

નેમ સિંગ અને કિંથુપે સાંગપોની ૪૬૦ કિલોમીટરની માહિતીથી લેફ્ટનન્ટ હેનરી હરમાન ખુશ તો થયા, પરંતુ તેમને હજુયે સંતોષ ન હતો. સર્વે ઓફ ઈન્ડિયાએ ૧૮૮૦માં તેમને દાર્જિલિંગમાં નિયુક્ત કર્યા હતા. દાર્જિલિંગમાં પણ સાંગપોના બાકી કેટલાક રૂટનો નકશો તૈયાર કરવાની તેમની મથામણ ચાલુ જ હતી. આ કામ પૂરું કરવા લેફ્ટનન્ટ હરમાને ફરી એકવાર કિંથુપને તૈયાર કર્યો. કિંથુપ દાર્જિલિંગમાં દરજી કામ કરીને ગુજરાન ચલાવતો. એ ધંધામાં તેને ખાસ કોઈ ઉપજ ન હતી એટલે પૈસાની લાલચે લેફ્ટનન્ટ હરમાનનું કામ કરવા તૈયાર થઈ ગયો. કિંથુપ તાલીમ પામેલો એક્સપ્લોરર ન હતો, પરંતુ સાહસિક અને સમજદાર જરૂર હતો


હિમાલયમાં કૈલાશ પર્વત નજીકથી શરૂ થતો બ્રહ્મપુત્રનો પ્રવાસ

જોકે, કિંથુપ નિરક્ષર હોવાથી લેફ્ટનન્ટ હરમાને તેની સાથે પ્રવાસ કરવા એક ચાઈનીઝ લામાને પણ તૈયાર કર્યા. આ બંને ૨૬ કિલોમીટરનો અત્યંત અઘરો પ્રવાસ કરીને તિબેટની મેડોંગ કાઉન્ટીમાં આવેલા પેમાકોચુંગ નામના ગામ સુધી પહોંચ્યા હતા. આ ગામથી થોડેક જ દૂર સાંગપો ૧૫૦ ફૂટ ખાઈમાં પડે છે અને આગળ જઈને સિઆંગ નદીનું સર્જન કરે છે, પરંતુ કિંથુપ કે ચાઈનીઝ લામા એ વાતથી અજાણ હતા.

આ પ્રવાસ સારી રીતે શરૂ થયો હતો, પરંતુ એક બૌદ્ધ મઠમાં ઉતારો કર્યો ત્યારે ચાઈનીઝ લામા કિંથુપને ગુલામ તરીકે વેચીને ગાયબ થઈ ગયા. કિંથુપ બે વર્ષ પછી ત્યાંથી છૂટ્યો અને ૫૬ કિલોમીટર દૂર મેડોંગ કાઉન્ટીમાં આવેલા મારપુંગ સુધી ભાગવામાં સફળ રહ્યો.

કિંથુપ વિપરિત સંજોગોમાં પણ લક્ષ્ય ના ભૂલ્યો

બૌદ્ધ મઠથી ૫૬ કિલોમીટર દૂર સુધી ભાગવામાં સફળ થયા પછીયે કિંથુપ બીજા કેટલાક ચાઈનીઝ લામાના હાથે ઝડપાઈ ગયો. એ વખતે કિંથુપે બૌદ્ધ ધર્મસ્થળોની જાત્રા કરવાનું બહાનું બતાવી માથાભારે લામાઓથી પીછો છોડાવ્યો. ત્યાર પછી તે સાંગપો નદી ઓળંગીને ભારત તરફના કિનારે આવી ગયો. તિબેટમાં ભારે મુશ્કેલીઓ પડ્યા પછી કિંથુપની સાંગપો નદી વિશે જાણવાની જિજ્ઞાસાવૃત્તિ વધુ ગાઢ થઈ ગઈ હતી. કિંથુપ ગમે તે ભોગે સાંગપોનો રૂટ જાણવા માંગતો હતો. આ વાત સાબિત કરવા તેણે એક દેશી પદ્ધતિ અજમાવી.

ભારત તરફના કિનારે રખડપટ્ટી કરીને કિંથુપે લાકડાના ૫૦૦ મોટા ટુકડા તૈયાર કર્યા. એ તમામ પર ખાસ પ્રકારના પ્રતીકો ચીતર્યા અને રોજ થોડા ટુકડા સાંગપોના વહેણમાં તરતા મૂકી દીધા. કિંથુપ અભણ હતો, પરંતુ એટલું જાણતો હતો કે આસામના અફાટ મેદાની પ્રદેશમાં વહેતી બ્રહ્મપુત્રમાં આ લાકડાના ટુકડાના જોવા મળે તો સમજવું કે સાંગપો, સિઆંગ અને બ્રહ્મપુત્ર એક જ નદી છે. આ કામ પૂરું કરીને કિંથુપ સાંગપોના રસ્તે ૬૪ કિલોમીટર ચાલીને ભારતમાં પ્રવેશ્યો. હિમાલયની કોઈ ટેકરી પરથી તેણે આસામના મેદાની પ્રદેશમાં પથરાતી બ્રહ્મપુત્રના ધસમસતા વહેણને જોયું ત્યારે તેને અંદાજ આવી ગયો કે, આસામ ખીણમાં વહેતી બ્રહ્મપુત્ર જ સિઆંગ કે સાંગપો છે.

જોકે, ચાર વર્ષની રઝળપાટ પછી, ૧૮૮૪માં, કિંથુપ દાર્જિલિંગ પરત ફર્યો ત્યારે તેણે સાંગપોમાં નાંખેલા લાકડાના ટુકડાની રાહ જોવાવાળું કોઈ ન હતું. તેણે દાર્જિલિંગ પહોંચીને લેફ્ટનન્ટ હેનરી હરમાનને પત્ર લખ્યો, પરંતુ તેઓ ભારત છોડીને જતા રહ્યા હતા. કિંથુપે સાબિત કરી દીધું હતું કે, સાંગપો એ જ બ્રહ્મપુત્ર છે, પરંતુ તેની વાત પર કોઈને વિશ્વાસ ન હતો.

છેવટે છેક ૧૯૧૩માં કિંથુપને યશ મળ્યો

બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા કિંથુપે કરેલી સાહસયાત્રા તો સમય જતા ભૂલાઈ ગઈ કારણ કે, તે બ્રિટનનો કોઈ લશ્કરી અધિકારી કે વિજ્ઞાની નહોતો પણ દાર્જિલિંગના એક નાનકડા ગામનો દરજી હતો. કિંથુપ તિબેટનો પ્રવાસ ખેડીને પાછો આવ્યો તેના ત્રણ દાયકા પછી, ૧૯૧૩માં, બ્રિટીશ લશ્કરી અધિકારી ફ્રેડરિક માર્શમેન બેઇલીએ તિબેટમાં વણખેડાયેલા પ્રદેશોમાં જઈને સાંગપોનો વધુ એક વૈજ્ઞાનિક અહેવાલ તૈયાર કર્યો. આ અહેવાલો પરથી સાબિત થયું કે, કિંથુપે આપેલી માહિતી સચોટ છે.


આ બે પુસ્તકમાં કિંથુપના પ્રવાસનું ઊંડું અને રસપ્રદ વર્ણન છે 

લે. ફ્રેડરિક માર્શમેન બેઇલી અને કેપ્ટન એચ.ટી. મોર્શિદ

અંગ્રેજી ભાષામાં હિમાલય એક્સપ્લોરેશનને લગતા સંખ્યાબંધ પુસ્તકો લખાયા છે, જેમાં બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા ખેડાયેલા સાહસ પ્રવાસોની વાત છેડાય ત્યારે નૈન સિંઘ રાવતની સાથે કિંથુપને પણ યાદ કરવામાં આવે છે. કિંથુપે આપેલી માહિતી સાચી છે એ વાત ફ્રેડરિક માર્શમેન બેઇલીએ સાબિત કરી હતી. સદભાગ્યે, એ વખતે કિંથુપ જીવિત હતો અને બેઇલીએ દબાણ કર્યા પછી સર્વે ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓએ કિંથુપને સિમલા આમંત્રિત કરીને તેનું જાહેર સન્માન પણ કર્યું હતું. બેઇલીએ તો કિંથુપને જીવે ત્યાં સુધી પેન્શન આપવાની પણ ભારત સરકારને ભલામણ કરી હતી, પરંતુ કિંથુપ કુલ નેવું વર્ષ જીવે એવું વિચારીને સરકારે કિંથુપને એક જ વાર મોટી રકમનું ઇનામ આપવાનું મુનાસીબ સમજ્યું હતું.  

કિંથુપ માન-મરતબો અને પુરસ્કારો લઈને દાર્જિલિંગ પાછો આવ્યો, તેના થોડા જ દિવસોમાં બેઈલીને  કિંથુપના મૃત્યુના સમાચાર મળ્યા હતા.  

અરુણાચલની વિખ્યાત 'બેઇલી ટ્રેઇલ'ની શોધ

કિંથુપની વાત કરીએ ત્યારે ફ્રેડરિક માર્શમેન બેઇલીની પણ વિગતે વાત કરવી જરૂરી છે. બ્રિટીશ રાજ વખતે અંગ્રેજ અધિકારીઓ અરુણાચલ પ્રદેશ, આસામ અને તિબેટના સરહદી પ્રદેશોનો નકશો તૈયાર સ્થાનિકોની મદદથી મથામણ કરતા હતા. એ વખતે અરુણાચલ પ્રદેશ 'નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી' (નેફા) તરીકે ઓળખાતું. આ પ્રકારના સર્વે વખતે વિવાદો થતાં બ્રિટીશ અધિકારી સર હેનરી મેકમોહને ૧૯૧૩માં સિમલામાં ભારત, ચીન અને તિબેટના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી. આ બેઠકમાં સર મેકમોહને એક કાચોપાકો નકશો રજૂ કરી નેફા અને તિબેટ વચ્ચે એક રેખા આંકી દીધી, જેને દુનિયા 'મેકમોહન લાઇન' તરીકે ઓળખે છે. ચીનના અધિકારીઓની હાજરીમાં ભારત અને તિબેટના અધિકારીઓએ આ સંધિ પર સહી કરી, પરંતુ ચીને તેનો સ્વીકાર કરવાની ના પાડી અને ત્યારથી આ સરહદી વિવાદ સતત સળગતો પ્રશ્ન છે.

બેઇલી અને મોર્શિદે ખેડેલા પ્રવાસનો રૂટ 

આ તો જાણીતો ઈતિહાસ છે, પરંતુ એ પહેલાં થયું એવું કે બ્રિટીશ રાજને નેફા અને તિબેટની ભૌગોલિક માહિતી ભેગી કરીને નકશા તૈયાર કરવા હતા. આ કામ માટે તેમણે લેફ્ટનન્ટ કર્નલ ફ્રેડરિક માર્શમેન બેઇલી અને કેપ્ટન એ.ટી. મોર્શિદની નિમણૂક કરી. મોર્શિદ તાલીમ પામેલા સર્વેયર પણ હતા. આ બંને બ્રિટીશ અધિકારી સાંગપો નદીની ખીણના કિનારે કિનારે તિબેટથી વાયા ભુતાન આગળ વધીને ભારત તરફ આવ્યા હતા. આ દરમિયાન તેમણે અરુણાચલ પ્રદેશના તુલુંગ લા પાસ, પોશિંગ લા અને થેમ્બાંગ સહિતના અનેક દુર્લભ વિસ્તારોના સંપૂર્ણ નકશા તૈયાર કર્યા. આ માહિતીના આધારે સર હેનરી મેકમોહને તિબેટ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે 'મેકમોહન લાઇન' ખેંચી હતી. લેફ્ટનન્ટ બેઇલીના નામ પરથી જ આ રૂટ 'બેઇલી ટ્રેઇલ' તરીકે ઓળખાય છે. ચીને ૧૯૬૨માં તિબેટથી આસામ તરફના આ રૂટ પરથી ઘૂસણખોરી કરીને ભારત સાથે યુદ્ધ છેડ્યું હતું.

ફ્રેડરિક માર્શમેન બેઇલીએ તિબેટમાં રખડપટ્ટી કરીને પશુ-પક્ષીઓ અને પતંગિયા વિશે પ્રચંડ માહિતી ભેગી કરી હતીઆજેય લંડનના નેચલ હિસ્ટરી મ્યુઝિયમમાં બેઇલીએ ભેગા કરેલા બે હજાર નમૂના સચવાયેલા છે. ન્યૂયોર્કના અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરીમાં પણ બેઇલીના અંગત કલેક્શનનું કાયમી પ્રદર્શન કરાયેલું છે. બેઇલીએ તૈયાર કરેલા અહેવાલો, પેપર્સ અને અઢળક તસવીરોનું કલેક્શન બ્રિટીશ લાઇબ્રેરી પાસે છે.

***

આજે તો એરિયલ ફોટોગ્રાફી અને ઉપગ્રહોથી લીધેલી તસવીરોની મદદથી સાબિત થઈ ગયું છે કે, સાંગપો એ જ સિઆંગ અને સિઆંગ એ જ બ્રહ્મપુત્ર છે, પરંતુ એક સમયે તેનો નકશો તૈયાર કરવા આવી હીરોઇક એક્સપિડિશન્સ થઈ હતી અને એ પણ કોઈ જ પ્રકારના હાઇટેક સાધનોની મદદ વિના.

હિમાલયના વિવિધ વિસ્તારોના નકશા તૈયાર કરવા બ્રિટીશરોએ જબરો ઉત્સાહ દાખવ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત છે કે, ૨૧મી સદીના ભારત પાસે આજેય હિમાલયના ગાઢ જંગલો, પર્વતો, ઉપ નદીઓની વૈજ્ઞાનિક માહિતી નથી. આ પ્રદેશોની કુદરતી સંપત્તિનું દસ્તાવેજીકરણ હજુયે બાકી છે. સિઆંગ નદી ભારતમાં પ્રવેશીને બ્રહ્મપુત્ર બને છે એ ચોક્કસ સ્થળે પણ ૨૧મી સદીની શરૂઆત સુધી કોઈ પહોંચ્યું ન હતું, પરંતુ ૨૦૦૪માં એક ગુજરાતી સાહસિકે એ ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી.

એ ગુજરાતી પ્રવાસીની વાત આવતા અંકે

15 January, 2018

નૈન સિંઘ : સાંગપોનો નકશો તૈયાર કરનારો ‘સોલો ટ્રાવેલર’


પૌરાણિક વાર્તાઓમાં બ્રહ્મપુત્ર નદીના જન્મ વિશે શું કહેવાયું છે? પુરાણોમાં આ નદીની સૌથી પ્રચલિત વાર્તા કઈ છે? પરશુરામે બ્રહ્મપુત્રમાં સ્નાન કરીને કયું મહા પાપ ધોયું હતું? ગયા અઠવાડિયે આ કોલમમાં એ ત્રણેય પ્રશ્નના જવાબ અપાઈ ગયા. એ લેખમાં બ્રહ્મપુત્રની ભૂલભૂલૈયા જેવી ભૂગોળની પણ વાત કરાઈ. ઈસ. ૧૭૧૫માં ઈટાલિયન પાદરી ઈપોલિતો દેસીદેરી ગોવાથી વાયા સુરત, અમદાવાદ, રાજસ્થાન, કાશ્મીર, લદાખ થઈને તિબેટ પહોંચ્યા એ વાત પણ થઈ ગઈ. દેસીદેરીએ લખેલી ઐતિહાસિક પ્રવાસ ડાયરી અને તેના આધારે તૈયાર થયેલા પુસ્તકો પરથી સાબિત થઈ ગયું છે કે, તેઓ તિબેટના અંતરિયાળ વિસ્તારમાં પહોંચેલા પહેલાં યુરોપિયન હતા. દેસીદેરીનો હેતુ તિબેટમાં જઈને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો હતો, બ્રહ્મપુત્રનું મૂળ શોધવાનો નહીં. પરંતુ દેસીદેરી અજાણતા તો અજાણતા બ્રહ્મપુત્રના મૂળ નજીક પહોંચ્યા હોવાથી આ પ્રદેશમાં થયેલા ખેડાણની વાત આવે ત્યારે ઈતિહાસ તેમને યાદ કરે છે. 

હવે આગળ વાત.

સાહસિક પ્રવાસી નૈન સિંઘ રાવતની એન્ટ્રી

તિબેટના ઉચ્ચપ્રદેશોમાંથી વહેતી સાંગપો નદી  નામચા બારવા અને ગ્યાલા પેરી પર્વતોને ભેદીને પૂર્વ તરફ આગળ વધે છે. બસ, મુશ્કેલી આ જ સ્થળેથી શરૂ થાય છે. ૧૯મી સદીમાં ઉપગ્રહો તો હતા નહીં, એટલે નકશો તૈયાર કરવા મથી રહેલા યુરોપિયન અને સ્થાનિક એક્સપ્લોરર્સને મૂંઝવણ થતી કે, આ મહાકાય પર્વતમાળાઓમાંથી આગળ વધતું વહેણ ક્યાં જાય છે અને કઈ નદીને મળે છે? વળી, આગળ જતા બીજા પણ અનેક વહેણ જોવા મળતા, જેના કારણે મૂંઝવણમાં ઓર વધારો થતો.

નૈન સિંઘનું ગૂગલ ડૂડલ

અમુક નિષ્ણાતો એવું માનતા કે, સાંગપો પૂર્વ તરફ આગળ વધીને મ્યાંમારની ઈરાવદી કે સાલવિન નામની નદીઓને મળે છે. તો એક થિયરી એવી હતી કે, આ પર્વતો ભેદીને સાંગપો દક્ષિણ તરફ વહે છે અને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે, જ્યાં તે સિઆંગ નામે જાણીતી છે. જોકે, એવું હોય તો બીજો પણ એક સવાલ ઉદ્ભવતો. જો સાંગપો જ બ્રહ્મપુત્ર હોય તો તે ચોક્કસ કયા સ્થળેથી ભારતમાં પ્રવેશે છે? દોઢેક સદી પહેલાં આ વાતનો ચોક્કસ જવાબ કોઈ પાસે ન હતો.

આ દરમિયાન સર્વે ઓફ ઈન્ડિયાએ સાંગપોનો સંપૂર્ણ નકશો તૈયાર કરવાનું નક્કી કર્યું. બ્રિટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતનું સંપૂર્ણ મેપિંગ અને સર્વેઇંગ કરવા ૧૭૬૭માં સર્વે ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી હતી. આ સંસ્થાને સાંગપોના રૂટનો નકશો તૈયાર કરવા એક સાહસિક, તાલીમબદ્ધ અને ઉત્સાહી યુવાનની ભરતી કરી. એ યુવાન એટલે નૈન સિંઘ રાવત. નૈન સિંઘનો જન્મ ૨૧મી ઓક્ટોબર, ૧૮૩૦ના રોજ ઉત્તરાખંડના કુમાઉની જોહર વેલીના એક નાનકડા ગામમાં થયો હતો. 

૨૧મી ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ ગૂગલે નૈન સિંઘ રાવતના ૧૮૭મા જન્મદિનની ઉજવણી નિમિત્તે ડૂડલ કરીને તેમની કામગીરીને બિરદાવી હતી.

સર્વે ઓફ ઈન્ડિયા અને નૈન સિંઘનો ભેટો

હિમાલયના મિલામ ગ્લેશિયરની તળેટીમાં આવેલી જોહર વેલીમાં જન્મેલો નૈન સિંઘ નાનપણથી જ  તિબેટના અંતરિયાળ વિસ્તારોમાં રઝળપાટ કરતો. નૈન સિંઘ અધવચ્ચે જ અભ્યાસ છોડીને પિતાને કૃષિ અને બીજા વ્યવસાયમાં સાથ આપતો. તેના પિતા બૌદ્ધ ધર્મ અને તિબેટિયન સંસ્કૃતિ પ્રત્યે આકર્ષાયા હતા, જેનો પ્રભાવ નાનકડા નૈન સિંઘ પર પણ પડ્યો હતો. નૈન સિંઘે પિતા સાથે તિબેટના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા અનેક બૌદ્ધ મઠોની મુલાકાત પણ લીધી હતી. એ જમાનામાં તિબેટમાં ભાગ્યે જ કોઈ બહારના વ્યક્તિને અંદર સુધી પ્રવેશવાની મંજૂરી મળતી. જોકે, નૈન સિંઘ નસીબદાર હતો, જે તિબેટમાં રખડપટ્ટી કરીને તિબેટિયન ભાષા અને રીતરિવાજ પણ શીખી ગયો હતો. સ્થાનિક તિબેટિયનો સાથે પણ તેણે સારી એવી મિત્રતા કેળવી હતી. ઉત્તરાખંડમાં ગોરખા અને અન્ય સ્થાનિકોમાં પણ નૈન સિંઘ એક આગળ પડતા સાહસિક વ્યક્તિ તરીકે ઠીક ઠીક જાણીતો થઈ ગયો હતો.

નૈન સિંઘ રાવત

આ દરમિયાન સર્વે ઓફ ઈન્ડિયાએ એડોલ્ફ અને રોબર્ટ શેલેજિનટ્વેઇટ નામના બે સગા જર્મન ભાઈઓને ઉત્તરાખંડમાં હિમાલયન એક્સપ્લોરેશન માટે મોકલ્યા. તેઓ ઉત્તરાખંડમાં રખડપટ્ટી કરી રહ્યા હતા ત્યારે દેબ સિંઘ રાવત નામના એક સ્થાનિકને મળ્યા. દેબ સિંઘે જર્મન ભાઈઓને વધુ એક્સપ્લોરેશન કરવા નૈન સિંઘ રાવત, મણિ સિંઘ રાવત અને દોલ્પા નામની ત્રણ વ્યક્તિની મદદ લેવાનું સૂચન કર્યું. નૈન સિંઘ અને મણિ સિંઘ પિતરાઈ હતા. આ સૂચન સ્વીકારીને શેલેજિનટ્વેટ ભાઈઓએ ૧૮૫૫માં આ ત્રણેય સ્થાનિકની સર્વે ઓફ ઈન્ડિયામાં સત્તાવાર નિમણૂક કરી અને શરૂ થઈ એક અનોખી સાહસયાત્રા.

... અને શરૂ થયો નૈન સિંઘનો અનોખો પ્રવાસ

એ ત્રણેયે હિમાલયન એક્સપ્લોરેશનમાં બ્રિટીશરોને ઘણી મદદ કરી, જેનાથી પ્રભાવિત થઈને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૧૮૬૩માં તેઓને દહેરાદૂનની ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે ઓફિસમાં તાલીમ લેવા મોકલ્યા. નૈન સિંઘ અને તેમના બે સાથીદારે ત્યાં સળંગ બે વર્ષ નોંધો કરવાની, રેકોર્ડ બનાવવાની, વૈજ્ઞાનિક અને બૌદ્ધ પદ્ધતિ પ્રમાણે અંતર માપવાની તેમજ હોકાયંત્ર-સેક્સટન્ટ (જમીન-દરિયામાં ખૂણાની માપણીના આધારે અંતર-ઊંચાઈ માપવાનું સાધન) જેવા વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવાની તાલીમ લીધી. આકાશમાં તારા જોઈને દિશા નક્કી કરવામાં નિષ્ણાત નૈન સિંઘને વૈજ્ઞાનિક તાલીમ મળતા, એ કળા થોડી વધુ નિખરી. નૈન સિંઘ 'ફાસ્ટ લર્નર' હોવાથી ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વેની ઓફિસમાં ઘણું બધું શીખીની બહાર આવ્યા.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૧૮૦૨માં સ્થાપેલી ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વેનો હેતુ સમગ્ર ભારતીય ઉપખંડની ભૂગોળનો વૈજ્ઞાનિક નકશો તૈયાર કરવાનો હતો. હિમાલયના એવરેસ્ટ, કાંચનજંગા અને કે-૨ જેવા શિખરોની ઊંચાઈ પણ આ જ સંસ્થાએ માપી હતી.

લેહથી લ્હાસા સુધીના નૈન સિંઘના પ્રવાસનો નકશો

ઇસ. ૧૮૬૫માં નૈન સિંઘ, મણિ સિંઘ અને દોલ્પાની તાલીમ પૂરી થઈ, પરંતુ નૈન સિંઘ અને મણિ સિંઘ ઘરે જવાના બદલે સીધા નેપાળ ઉપડ્યા. નૈન સિંઘે હિમાલયની પર્વતમાળાઓ, જંગલો અને નાના-મોટા વહેણો ઓળંગીને કાઠમંડુથી લ્હાસા થઈને માન સરોવર સુધી આશરે બે હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો. આ થકવી દેતા પ્રવાસમાં જંગલી પ્રાણીઓ, ઝેરી જીવો, ખોરાક-પાણીનો પુરવઠો અને વાતાવરણને લગતી અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો હોવાથી ‘એકથી ભલા બે’ હતા, પરંતુ મણિ સિંઘે આ યાત્રા અધવચ્ચે જ છોડી દીધી. તેઓ ભારત તિબેટ સરહદે પહોંચતા જ ભારત પાછા આવી ગયા.

જોકે, નૈન સિંઘ એકલા હોવા છતાં હિંમત ના હાર્યા અને એકલપંડે પ્રવાસ (સોલો ટ્રાવેલ) કરીને માન સરોવર સુધી જઈને વાયા પશ્ચિમ તિબેટ ભારત આવ્યા. નૈન સિંઘ પાછા આવ્યા ત્યારે તેમની પાસે નેપાળથી તિબેટ જતા સમગ્ર રસ્તાની, લ્હાસાની ઊંચાઈની તેમજ સાંગપો નદીની બહુ જ મોટા રૂટની વૈજ્ઞાનિક માહિતી તૈયાર હતી.

નૈન સિંઘ રાવત જેનું નામ, જેમને ચૈન ન હતું

નૈન સિંઘે ૧૮૬૫માં શરૂ કરેલી પહેલી યાત્રા ચોક્કસ ક્યારે પૂરી થઈ એ વિશે જાણકારી નથી, પરંતુ ૧૮૬૭માં પશ્ચિમ તિબેટમાં ફરી એકવાર પ્રવાસ કરીને તેમણે થોક જાલુંગ નામની સોનાની ખાણ શોધી કાઢી હતી. નૈન સિંઘે જોયું કે, સ્થાનિકો જમીનની સપાટી ઉપરછલ્લી ખોદીને સોનું કાઢી રહ્યા છે. તિબેટિયનો જમીનમાં ઊંડા ખાડા કરીને સોનું નહોતા કાઢતા કારણ કે, તિબેટિયન સંસ્કૃતિમાં પૃથ્વીમાં ઊંડા ખાડા કરવા એ ગુનો છે. જો ફળદ્રુપ જમીનો છે, તો જ માણસનું અસ્તિત્વ છે એવું તેઓ માને છે.

ટૂંકમાં થોક જાલુંગમાં સોનું ધરબાયેલું છે એ વાત સ્થાનિકો જાણતા જ હતા, પરંતુ નૈન સિંઘે તૈયાર કરેલા નકશા પછી બહારની દુનિયાને ત્યાં સોનાની ખાણ હોવાની જાણકારી મળી. આ પ્રવાસો પછીયે નૈન સિંઘ થાક્યા ન હતા. સાંગપોના વધુ કેટલાક રૂટનો નકશો તૈયાર કરવા તેમણે ૧૮૭૩માં ફરી એકવાર લેહથી લ્હાસા સુધીનો પ્રવાસ શરૂ કર્યો. આ બંને સ્થળ વચ્ચેનું સીધી લીટીમાં અંતર ૧૩૭૦ કિલોમીટર છે, પરંતુ પર્વતીય પ્રદેશોમાં આ આંકડો વધી જાય. જોકે, નૈન સિંઘે બે જ વર્ષમાં આ અંતર કાપી નાંખ્યું અને સાંગપોના વધુ કેટલાક રૂટનો નકશો તૈયાર કર્યો.


નૈન સિંઘની યાદમાં ભારત સરકારે બહાર પાડેલી ટિકિટ 

આ મહાન સિદ્ધિ બદલ રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૬૮માં સોનાનું ક્રોનોમીટર આપીને નૈન સિંઘનું સન્માન કર્યું હતું. ક્રોનોમીટર એટલે તાપમાનની અસર ના થાય એવું સમય માપવાનું સાધન. રોયલ જિયોગ્રાફિક સોસાયટીએ ૧૮૭૭માં નૈન સિંઘને પેટ્રન્સ મેડલથી પણ નવાજ્યા. પેરિસની સોસાયટી ઓફ જિયોગ્રાફર્સે પણ નૈન સિંઘને સુંદર ઘડિયાળ ભેટમાં આપી હતી, જ્યારે ભારત સરકારે બે ગામની જમીન ભેટમાં આપીને તેમની સિદ્ધિને બિરદાવી હતી. ૨૭મી જૂન ૨૦૦૪ના રોજ ભારત સરકારે નૈન સિંઘની યાદમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

નૈન સિંઘ ઘડપણમાં ઉત્તરપ્રદેશના મોરાદાબાદમાં સ્થાયી થયા અને ત્યાં જ પહેલી ફેબ્રુઆરી, ૧૮૮૨ના રોજ કોલેરાથી મૃત્યુ પામ્યા.       

***

નૈન સિંઘે સાંગપો નદીના બહુ જ મોટા હિસ્સાનો વૈજ્ઞાનિક નકશો તૈયાર કર્યો એ વાત ખરી, પરંતુ સાંગપો એ જ સિઆંગ અને સિઆંગ એ જ બ્રહ્મપુત્ર નદી છે એ વાતની વૈજ્ઞાનિક સત્યતા ચકાસવાની હજુ બાકી હતી. એ માટે બ્રહ્મપુત્ર નદીનો આખેઆખો વૈજ્ઞાનિક નકશો તૈયાર થાય એ જરૂરી હતું. નૈન સિંઘ રાવતનું એ અધૂરું કામ ભારતના જ એક સાહસિક પ્રવાસીએ પૂરું કર્યું. 

એ કોણએ સાહસકથા વાંચો અહીં.