22 January, 2018

કિંથુપ : નૈન સિંઘનું અધૂરું કામ પૂરું કરનારો દરજી


નૈન સિંઘ રાવતે ૧૫૦ વર્ષ પહેલાં નેપાળ અને તિબેટમાં આવેલા હિમાલયની પર્વતમાળાઓમાં એકલપંડે પ્રવાસ કરીને સાંગપોનો નકશો તૈયાર કર્યો હતો. એ માટે તેમણે ૧૮૬૫માં કાઠમંડુથી લ્હાસા અને ૧૮૭૩માં લેહથી લ્હાસા સુધી આશરે પાંચેક વર્ષ ૩,૫૦૦ કિલોમીટર પહાડી જંગલોમાં રઝળપાટ કરી હતી. 

હવે આગળ વાત.

નૈન સિંઘ પાછા આવ્યા ત્યારે ખબર પડી કે, લ્હાસાની પૂર્વે ચેતાંગ નામના પ્રદેશમાં ચીની સૈનિકોએ તેમને અટકાવી દીધા હતા. જોકે, ચીની સૈનિકોએ નૈન સિંઘને પકડી ના લીધા, પરંતુ તિબેટની વિરુદ્ધ દક્ષિણ દિશા (ભારત) તરફ જવાની ફરજ પાડી. છેવટે નૈન સિંઘે અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લાની સરહદેથી ભારત પાછા આવવું પડ્યું. ભારત પાછા આવીને તેમણે બ્રિટીશરોને સાંગપો નદીની ઘણી બધી માહિતી તો આપી, પરંતુ લ્હાસામાં વહેતા સાંગપોના વહેણ વિશે તેમની પાસે કોઈ માહિતી ન હતી. લ્હાસામાં વહેતી 'લ્હાસા' નામની નદી સાંગપોની જ ઉપ નદી છે એ વાત આજે તો ઉપગ્રહોની મદદથી સાબિત થઈ ગઈ છે, પરંતુ એ જમાનામાં નૈન સિંઘ જેવા જ બીજા અનેક સાહસિકોએ સાંગપો વિશે આવી નાની-નાની માહિતી ભેગી કરવા જોખમી પ્રવાસ ખેડવા પડ્યા હતા.

નૈન સિંઘનું અધૂરું કામ શરૂ કરનારા સાહસિકો

નૈન સિંઘ ભારત પાછા આવ્યાના બીજા જ વર્ષે, ૧૮૭૪માં, સર્વે ઓફ ઈન્ડિયાએ આસામ ડિવિઝનનું કામ લેફ્ટનન્ટ હેનરી હરમાન નામના બ્રિટીશરને સોંપાયું. લેફ્ટનન્ટ હરમાન ભૌગોલિક બાબતોના જાણકાર, સાહસિક, ખડતલ અને ઉત્સાહી લશ્કરી અધિકારી હતા. તેમણે પૂર્વ ભારતની અનેક નદીઓના જુદા જુદા વહેણની માપણી કરી હતી. સિઆંગ નદીનો પ્રવાહ જોઈને તેમને શંકા ગઈ હતી કે, સિઆંગ નદી જ સાંગપો હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ શંકાનો કીડો શાંત કરવા લેફ્ટનન્ટ હરમાને ૧૮૭૮માં નેમ સિંઘ નામનો એક યુવક તૈયાર કર્યો. નેમ સિંઘના મદદનીશ તરીકે તેમણે દાર્જિલિંગના કિંથુપ નામના બીજા એક યુવકની પણ ભરતી કરી. આ બંનેને તેમણે સિઆંગ કિનારે કિનારે ચાલીને તેનો રૂટ તૈયાર કરવાનું કામ સોંપ્યું.


કિંથુપ

નેમ સિંઘ અને કિંથુપ સાંગપોની દિશામાં તિબેટના ચેતાંગ નજીક પહોંચ્યા અને ચીનના સૈનિકોની નજરથી બચીને શક્ય એટલી માહિતી ભેગી કરી. તેઓ ગ્યાલા પેરી અને નામચા બારવા પર્વતથી પણ દૂરસુદુરના વિસ્તારોમાં પહોંચી શક્યા હતા. નેમ સિંઘ અને કિંથુપ પાછા આવ્યા ત્યારે તેમની પાસે સાંગપોના વધુ ૪૬૦ કિલોમીટરના રૂટની માહિતી હતી. આશરે ૧૩૯ વર્ષ પહેલા આ બહુ જ મોટી સિદ્ધિ હતી. એ વખતે હિમાલયમાં રઝળપાટ કરનારા લોકો પાસે સર્વાઇવ થવા અત્યારના જેવા હાઇટેક ઇક્વિપમેન્ટ ન હતા.

લેફ. હરમાનને સાંગપોની માહિતીથી સંતોષ નહોતો

નેમ સિંગ અને કિંથુપે સાંગપોની ૪૬૦ કિલોમીટરની માહિતીથી લેફ્ટનન્ટ હેનરી હરમાન ખુશ તો થયા, પરંતુ તેમને હજુયે સંતોષ ન હતો. સર્વે ઓફ ઈન્ડિયાએ ૧૮૮૦માં તેમને દાર્જિલિંગમાં નિયુક્ત કર્યા હતા. દાર્જિલિંગમાં પણ સાંગપોના બાકી કેટલાક રૂટનો નકશો તૈયાર કરવાની તેમની મથામણ ચાલુ જ હતી. આ કામ પૂરું કરવા લેફ્ટનન્ટ હરમાને ફરી એકવાર કિંથુપને તૈયાર કર્યો. કિંથુપ દાર્જિલિંગમાં દરજી કામ કરીને ગુજરાન ચલાવતો. એ ધંધામાં તેને ખાસ કોઈ ઉપજ ન હતી એટલે પૈસાની લાલચે લેફ્ટનન્ટ હરમાનનું કામ કરવા તૈયાર થઈ ગયો. કિંથુપ તાલીમ પામેલો એક્સપ્લોરર ન હતો, પરંતુ સાહસિક અને સમજદાર જરૂર હતો


હિમાલયમાં કૈલાશ પર્વત નજીકથી શરૂ થતો બ્રહ્મપુત્રનો પ્રવાસ

જોકે, કિંથુપ નિરક્ષર હોવાથી લેફ્ટનન્ટ હરમાને તેની સાથે પ્રવાસ કરવા એક ચાઈનીઝ લામાને પણ તૈયાર કર્યા. આ બંને ૨૬ કિલોમીટરનો અત્યંત અઘરો પ્રવાસ કરીને તિબેટની મેડોંગ કાઉન્ટીમાં આવેલા પેમાકોચુંગ નામના ગામ સુધી પહોંચ્યા હતા. આ ગામથી થોડેક જ દૂર સાંગપો ૧૫૦ ફૂટ ખાઈમાં પડે છે અને આગળ જઈને સિઆંગ નદીનું સર્જન કરે છે, પરંતુ કિંથુપ કે ચાઈનીઝ લામા એ વાતથી અજાણ હતા.

આ પ્રવાસ સારી રીતે શરૂ થયો હતો, પરંતુ એક બૌદ્ધ મઠમાં ઉતારો કર્યો ત્યારે ચાઈનીઝ લામા કિંથુપને ગુલામ તરીકે વેચીને ગાયબ થઈ ગયા. કિંથુપ બે વર્ષ પછી ત્યાંથી છૂટ્યો અને ૫૬ કિલોમીટર દૂર મેડોંગ કાઉન્ટીમાં આવેલા મારપુંગ સુધી ભાગવામાં સફળ રહ્યો.

કિંથુપ વિપરિત સંજોગોમાં પણ લક્ષ્ય ના ભૂલ્યો

બૌદ્ધ મઠથી ૫૬ કિલોમીટર દૂર સુધી ભાગવામાં સફળ થયા પછીયે કિંથુપ બીજા કેટલાક ચાઈનીઝ લામાના હાથે ઝડપાઈ ગયો. એ વખતે કિંથુપે બૌદ્ધ ધર્મસ્થળોની જાત્રા કરવાનું બહાનું બતાવી માથાભારે લામાઓથી પીછો છોડાવ્યો. ત્યાર પછી તે સાંગપો નદી ઓળંગીને ભારત તરફના કિનારે આવી ગયો. તિબેટમાં ભારે મુશ્કેલીઓ પડ્યા પછી કિંથુપની સાંગપો નદી વિશે જાણવાની જિજ્ઞાસાવૃત્તિ વધુ ગાઢ થઈ ગઈ હતી. કિંથુપ ગમે તે ભોગે સાંગપોનો રૂટ જાણવા માંગતો હતો. આ વાત સાબિત કરવા તેણે એક દેશી પદ્ધતિ અજમાવી.

ભારત તરફના કિનારે રખડપટ્ટી કરીને કિંથુપે લાકડાના ૫૦૦ મોટા ટુકડા તૈયાર કર્યા. એ તમામ પર ખાસ પ્રકારના પ્રતીકો ચીતર્યા અને રોજ થોડા ટુકડા સાંગપોના વહેણમાં તરતા મૂકી દીધા. કિંથુપ અભણ હતો, પરંતુ એટલું જાણતો હતો કે આસામના અફાટ મેદાની પ્રદેશમાં વહેતી બ્રહ્મપુત્રમાં આ લાકડાના ટુકડાના જોવા મળે તો સમજવું કે સાંગપો, સિઆંગ અને બ્રહ્મપુત્ર એક જ નદી છે. આ કામ પૂરું કરીને કિંથુપ સાંગપોના રસ્તે ૬૪ કિલોમીટર ચાલીને ભારતમાં પ્રવેશ્યો. હિમાલયની કોઈ ટેકરી પરથી તેણે આસામના મેદાની પ્રદેશમાં પથરાતી બ્રહ્મપુત્રના ધસમસતા વહેણને જોયું ત્યારે તેને અંદાજ આવી ગયો કે, આસામ ખીણમાં વહેતી બ્રહ્મપુત્ર જ સિઆંગ કે સાંગપો છે.

જોકે, ચાર વર્ષની રઝળપાટ પછી, ૧૮૮૪માં, કિંથુપ દાર્જિલિંગ પરત ફર્યો ત્યારે તેણે સાંગપોમાં નાંખેલા લાકડાના ટુકડાની રાહ જોવાવાળું કોઈ ન હતું. તેણે દાર્જિલિંગ પહોંચીને લેફ્ટનન્ટ હેનરી હરમાનને પત્ર લખ્યો, પરંતુ તેઓ ભારત છોડીને જતા રહ્યા હતા. કિંથુપે સાબિત કરી દીધું હતું કે, સાંગપો એ જ બ્રહ્મપુત્ર છે, પરંતુ તેની વાત પર કોઈને વિશ્વાસ ન હતો.

છેવટે છેક ૧૯૧૩માં કિંથુપને યશ મળ્યો

બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા કિંથુપે કરેલી સાહસયાત્રા તો સમય જતા ભૂલાઈ ગઈ કારણ કે, તે બ્રિટનનો કોઈ લશ્કરી અધિકારી કે વિજ્ઞાની નહોતો પણ દાર્જિલિંગના એક નાનકડા ગામનો દરજી હતો. કિંથુપ તિબેટનો પ્રવાસ ખેડીને પાછો આવ્યો તેના ત્રણ દાયકા પછી, ૧૯૧૩માં, બ્રિટીશ લશ્કરી અધિકારી ફ્રેડરિક માર્શમેન બેઇલીએ તિબેટમાં વણખેડાયેલા પ્રદેશોમાં જઈને સાંગપોનો વધુ એક વૈજ્ઞાનિક અહેવાલ તૈયાર કર્યો. આ અહેવાલો પરથી સાબિત થયું કે, કિંથુપે આપેલી માહિતી સચોટ છે.


આ બે પુસ્તકમાં કિંથુપના પ્રવાસનું ઊંડું અને રસપ્રદ વર્ણન છે 

લે. ફ્રેડરિક માર્શમેન બેઇલી અને કેપ્ટન એચ.ટી. મોર્શિદ

અંગ્રેજી ભાષામાં હિમાલય એક્સપ્લોરેશનને લગતા સંખ્યાબંધ પુસ્તકો લખાયા છે, જેમાં બ્રહ્મપુત્રનો નકશો તૈયાર કરવા ખેડાયેલા સાહસ પ્રવાસોની વાત છેડાય ત્યારે નૈન સિંઘ રાવતની સાથે કિંથુપને પણ યાદ કરવામાં આવે છે. કિંથુપે આપેલી માહિતી સાચી છે એ વાત ફ્રેડરિક માર્શમેન બેઇલીએ સાબિત કરી હતી. સદભાગ્યે, એ વખતે કિંથુપ જીવિત હતો અને બેઇલીએ દબાણ કર્યા પછી સર્વે ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓએ કિંથુપને સિમલા આમંત્રિત કરીને તેનું જાહેર સન્માન પણ કર્યું હતું. બેઇલીએ તો કિંથુપને જીવે ત્યાં સુધી પેન્શન આપવાની પણ ભારત સરકારને ભલામણ કરી હતી, પરંતુ કિંથુપ કુલ નેવું વર્ષ જીવે એવું વિચારીને સરકારે કિંથુપને એક જ વાર મોટી રકમનું ઇનામ આપવાનું મુનાસીબ સમજ્યું હતું.  

કિંથુપ માન-મરતબો અને પુરસ્કારો લઈને દાર્જિલિંગ પાછો આવ્યો, તેના થોડા જ દિવસોમાં બેઈલીને  કિંથુપના મૃત્યુના સમાચાર મળ્યા હતા.  

અરુણાચલની વિખ્યાત 'બેઇલી ટ્રેઇલ'ની શોધ

કિંથુપની વાત કરીએ ત્યારે ફ્રેડરિક માર્શમેન બેઇલીની પણ વિગતે વાત કરવી જરૂરી છે. બ્રિટીશ રાજ વખતે અંગ્રેજ અધિકારીઓ અરુણાચલ પ્રદેશ, આસામ અને તિબેટના સરહદી પ્રદેશોનો નકશો તૈયાર સ્થાનિકોની મદદથી મથામણ કરતા હતા. એ વખતે અરુણાચલ પ્રદેશ 'નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી' (નેફા) તરીકે ઓળખાતું. આ પ્રકારના સર્વે વખતે વિવાદો થતાં બ્રિટીશ અધિકારી સર હેનરી મેકમોહને ૧૯૧૩માં સિમલામાં ભારત, ચીન અને તિબેટના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી. આ બેઠકમાં સર મેકમોહને એક કાચોપાકો નકશો રજૂ કરી નેફા અને તિબેટ વચ્ચે એક રેખા આંકી દીધી, જેને દુનિયા 'મેકમોહન લાઇન' તરીકે ઓળખે છે. ચીનના અધિકારીઓની હાજરીમાં ભારત અને તિબેટના અધિકારીઓએ આ સંધિ પર સહી કરી, પરંતુ ચીને તેનો સ્વીકાર કરવાની ના પાડી અને ત્યારથી આ સરહદી વિવાદ સતત સળગતો પ્રશ્ન છે.

બેઇલી અને મોર્શિદે ખેડેલા પ્રવાસનો રૂટ 

આ તો જાણીતો ઈતિહાસ છે, પરંતુ એ પહેલાં થયું એવું કે બ્રિટીશ રાજને નેફા અને તિબેટની ભૌગોલિક માહિતી ભેગી કરીને નકશા તૈયાર કરવા હતા. આ કામ માટે તેમણે લેફ્ટનન્ટ કર્નલ ફ્રેડરિક માર્શમેન બેઇલી અને કેપ્ટન એ.ટી. મોર્શિદની નિમણૂક કરી. મોર્શિદ તાલીમ પામેલા સર્વેયર પણ હતા. આ બંને બ્રિટીશ અધિકારી સાંગપો નદીની ખીણના કિનારે કિનારે તિબેટથી વાયા ભુતાન આગળ વધીને ભારત તરફ આવ્યા હતા. આ દરમિયાન તેમણે અરુણાચલ પ્રદેશના તુલુંગ લા પાસ, પોશિંગ લા અને થેમ્બાંગ સહિતના અનેક દુર્લભ વિસ્તારોના સંપૂર્ણ નકશા તૈયાર કર્યા. આ માહિતીના આધારે સર હેનરી મેકમોહને તિબેટ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે 'મેકમોહન લાઇન' ખેંચી હતી. લેફ્ટનન્ટ બેઇલીના નામ પરથી જ આ રૂટ 'બેઇલી ટ્રેઇલ' તરીકે ઓળખાય છે. ચીને ૧૯૬૨માં તિબેટથી આસામ તરફના આ રૂટ પરથી ઘૂસણખોરી કરીને ભારત સાથે યુદ્ધ છેડ્યું હતું.

ફ્રેડરિક માર્શમેન બેઇલીએ તિબેટમાં રખડપટ્ટી કરીને પશુ-પક્ષીઓ અને પતંગિયા વિશે પ્રચંડ માહિતી ભેગી કરી હતીઆજેય લંડનના નેચલ હિસ્ટરી મ્યુઝિયમમાં બેઇલીએ ભેગા કરેલા બે હજાર નમૂના સચવાયેલા છે. ન્યૂયોર્કના અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટરીમાં પણ બેઇલીના અંગત કલેક્શનનું કાયમી પ્રદર્શન કરાયેલું છે. બેઇલીએ તૈયાર કરેલા અહેવાલો, પેપર્સ અને અઢળક તસવીરોનું કલેક્શન બ્રિટીશ લાઇબ્રેરી પાસે છે.

***

આજે તો એરિયલ ફોટોગ્રાફી અને ઉપગ્રહોથી લીધેલી તસવીરોની મદદથી સાબિત થઈ ગયું છે કે, સાંગપો એ જ સિઆંગ અને સિઆંગ એ જ બ્રહ્મપુત્ર છે, પરંતુ એક સમયે તેનો નકશો તૈયાર કરવા આવી હીરોઇક એક્સપિડિશન્સ થઈ હતી અને એ પણ કોઈ જ પ્રકારના હાઇટેક સાધનોની મદદ વિના.

હિમાલયના વિવિધ વિસ્તારોના નકશા તૈયાર કરવા બ્રિટીશરોએ જબરો ઉત્સાહ દાખવ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત છે કે, ૨૧મી સદીના ભારત પાસે આજેય હિમાલયના ગાઢ જંગલો, પર્વતો, ઉપ નદીઓની વૈજ્ઞાનિક માહિતી નથી. આ પ્રદેશોની કુદરતી સંપત્તિનું દસ્તાવેજીકરણ હજુયે બાકી છે. સિઆંગ નદી ભારતમાં પ્રવેશીને બ્રહ્મપુત્ર બને છે એ ચોક્કસ સ્થળે પણ ૨૧મી સદીની શરૂઆત સુધી કોઈ પહોંચ્યું ન હતું, પરંતુ ૨૦૦૪માં એક ગુજરાતી સાહસિકે એ ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી.

એ ગુજરાતી પ્રવાસીની વાત આવતા અંકે

6 comments:

  1. ગજબનાક વાત ગોતી લાવ્યા. આવા સાહિત્યની આપણે ત્યાં બહુ જ ઊણપ છે.
    સાંગપો તિબેટમાં કોઈક જગ્યાએ બે ફાંટામાં વહેંચાઈ જાય છે. દક્ષિણ તરફનો ફાંટો બ્રહ્મપુત્રા અને પૂર્વ તરફ્રનો ફાંટો એટલી જ મહાન મેકોંગ નદી ( થાઈલેન્ડ, લાઓસ અને વિયેટનામ ની ગંગા.

    ReplyDelete
    Replies
    1. તમારી વાત સાથે સંમત છું. ભાગ્યે જ મળે એવું આ સાહિત્ય છે. વિશાલ, અભિનંદન.

      Delete
    2. ખૂબ જ રસપ્રદ માહિતી. કિંથુપે કરેલા ખેડાણની જેમ, માહિતી માટે ખેડાણ કરીને તૈયાર કરેલા લેખ બ્રહ્મપુત્રની ધારા જેવા જોરદાર કહી શકાય.. bravo man.. proud on you..

      Delete
  2. Fascinating... this is ourlegacy and pride too.. we forget such indians at our own peril

    ReplyDelete
  3. બહુ જ સરસ માહિતી, વિશાલભાઈ,એ જમાનામાં જાતે ચાલીને આ બધી માહિતી એકઠી કરવામાં એ લોકોને કેટલું કષ્ટ પડ્યું હશે !!!

    ReplyDelete